________________
દ્વિતીય પ્રકાશ, શ્લો.૭૨
૧૩૭
****
અંદરના દર્શન કરાવું. સ્વચ્છંદપણે વાચાતુરી કરતાં ભરત સંબંધી તેના વ્યાખ્યાનમાં પૂર્વાપરના દોષો ગ્રહણ કર્યાં. ત્યાર પછી વિશ્વભૂતિ કોપથી વગર સંબંધનું બોલવા લાગ્યો. 'ચતુર કે પંડિતો વડે પૂછાએલા ઉપાધ્યાયો ક્રોધથી પોતાની અજ્ઞાનતા છુપાવે છે.’ ‘નાટ્ય વિષયમાં તમે સ્ત્રીઓનાં નાટ્યાચાર્ય છો, પણ બીજે નહિ' એ પ્રમાણે મૂલદેવે હાસ્ય કર્યું, એટલે તે મૌન થઈ ગયો. વિકસિત નેત્રવાળી દેવદત્તા પણ હર્ષથી વામન તરફ નજર કરતી ઉપાધ્યાયજીના પરાભવને દૂર કરવા માટે બોલી કે, હાલ તો તમો થોડા સમયમાં જવાની ઈચ્છાવાળા છો, તો આ પ્રશ્નના વિષયમાં શાંતિથી વિચાર કરીને આ વિજ્ઞાનશાલી પુરૂષને જવાબ આપજો એટલે તેણે કહ્યું, ‘હે દેવદત્તા ! નાટક ભજવવાનો સમય થયો છે, એટલે અત્યારે અમો જઈએ છીએ અને તું પણ તૈયાર થા' એમ કહીને વિશ્વભૂતિ ગયો. દેવદત્તાએ દાસીને આજ્ઞા કરી કે, ‘અમને બંનેને સ્નાન કરવા માટે સારી રીતે કળાપૂર્વક અંગ-મર્દન કરનાર કોઈકને બોલાવી લાવ.' ત્યારે આ ધૂર્તરાજે કહ્યું, હે સુંદર નેત્રવાળી ! અંગમર્દકને ન બોલાવો, જો હું અનુમતિ આપે તો તારું મર્દન હું કરીશ. શું આ પણ તમે જાણો છો ? ત્યારે તેણે કહ્યું, હું જાણતો નથી, પણ તેના જાણનાર પાસે રહેલો છું. દેવદત્તાની આજ્ઞાથી પકાવેલાં તેલો આવી ગયાં, એટલે માયાવી વામને અભંગ કરવાનું કાર્ય શરૂ કર્યું. કોમળ, મધ્યમ એને સખત સ્થાનને યોગ્ય હાથથી મસળતા મૂળદેવે તેના અંગમાં એવી રીતે મર્દન કર્યું. જેથી અપૂર્વ સુખનો અનુભવ થયો. આણે સર્વ વિષયમાં કળાની ચતુરાઈ મેળવી છે, આટલી કળા બીજા કોઈનામાં ન હોઈ શકે, આ સામાન્ય માનવી જણાતો નથી. તેની કળાથી પ્રભાવિત થયેલ દેવદત્તા પગમાં પડીને કહેવા લાગી કે, ગુણો વડે તમે કોઈ ઉત્તમ પુરૂષ છો-એમ ખાત્રી થઈ છે, પરંતુ કપટ કરીને વંચક તરીકે આત્માને કેમ છૂપાવો છો ? કૃપા કરો અને આત્માને પ્રગટ કરીને દર્શન આપો, વારંવાર મૂંઝવણમાં કેમ નાંખો છો ? દેવતાઓ પણ ભક્તવર્ગના આગ્રહથી સાક્ષાત્ થઈ દર્શન આપે છે. મુખમાંથી ગુટિકા બહાર કાઢીને રૂપ બદલીને તેણે તે જ ક્ષણે નટ માફક પોતાનું રૂપ પ્રગટ કર્યું. કામદેવ સરખા લાવણ્ય-પૂર્ણ સુંદર અંગવાળા અને દેખીને વિસ્મય પામેલી તેણે કહ્યું કે, મારા ઉપર સુંદર કૃપા કરી. સ્નાન કરવા યોગ્ય વસ્ત્ર તેને આપીને અનુરાગવાળી દેવદત્તાએ પ્રીતિપૂર્વક પોતાના હાથે તેનું અભંગ કર્યું. પિષ્ટાતક-સુગંધી પદાર્થથી મસ્તક ચોળવા પૂર્વક નવશેકા પાણીની ધારા વડે બંનેએ સ્નાન કર્યું. દેવદત્તાએ આપેલા બે રેશમી વસ્ત્રો તેણે પહેર્યાં અને બંનેએ સુગંધીયુક્ત સ્વાદિષ્ટ ભોજન સાથે કર્યું. મિત્ર બનેલા તેઓનો એકાંતમાં કલાનાં રહસ્યોની માંહોમાંહે કથા કરવામાં સુખમય સમય પસાર થયો. ત્યાર પછી તે કહેવા લાગી ‘કે, હે નાથ ! લોકોત્તર ગુણો વડે તમે મારું હૃદય હરણ કર્યું છે, તો પણ હું આપની પાસે પ્રાર્થના કરું છું કે, હે સુંદર ! જેવી રીતે આપે મારા હૃદયમાં સ્થાન કર્યું છે, તેવી રીતે હંમેશા આ ઘરે પધારવાની પણ કૃપા કરવી' મૂલદેવે પણ તેને કહ્યું કે, ‘નિર્ધન વિદેશી અમારા સરખા પર તમારે આ પ્રમાણે મમત્વભાવ કરવો યોગ્ય નથી. વળી વૈશ્યાઓને જો ગુણોના પક્ષપાતના કારણે નિર્ધન ઉપર અનુરાગ થાય, તો કમાણી વગર તમારું આખું કુટુંબ સીદાય,' દેવદત્તાએ પ્રત્યુત્તર આપ્યો કે, કેસરી જેવા તમારા સરખાને પરદેશ જેવું શું ? ‘ગુણી જનોને સર્વ સ્વદેશ છે' જે મૂર્ખાઓ ધનથી અમને ઈચ્છે છે, તેઓ અમારા માટે બહાર છે. માટે હે ગુણમંદિર ! તમારા વગર મારા અંતરમાં કોઈ પ્રવેશ મેળવી શકે નહિ. હે સોભાગી ! સર્વથા તમારે આ મારું વચન સ્વીકારવું' એ પ્રમાણે મૂલદેવને વિનંતી કરતાં તેણે પણ વચનથી સ્વીકાર કર્યો. ત્યાર પછી સ્નેહપૂર્વક વિવિધ વિનોદ વડે તેઓ ક્રીડા કરી રહ્યા હતા. ત્યારે રાજદ્વારપાળે આવીને કહ્યું કે, ચાલો હવે નૃત્ય કરવાનો સમય થઈ ગયો છે. મૂલદેવને છૂપાવેષમાં રાજસભામાં સાથે લઈ રાજા પાસે રંભા માફક હાવ-ભાવ વગેરે વડે ઉજ્જવલ કરણવાળું નૃત્ય