________________
૯૨.
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ માયાથી માળો બનાવીને તે બંને દેવો ચકલાનું યુગલ બની તેમાં રહ્યાં. ચકલાએ ચકલીને કહ્યું કે, “હું હિમવાન પર્વત ઉપર જાઉં છું. ત્યારે ચકલીએ કહ્યું કે, તું ત્યાં જઈ બીજી ચકલીના પ્રેમમાં પડે અને પાછો ન આવે, તેથી જવાની અનુમતિ ન આપું. હે પ્રિયા ! જો હું પાછો ન આવું તો ગોહત્યા- ગાયના ઘાતનું પાપ મને લાગે. આ પ્રમાણે સોગન ખાનારા ચકલાને ચકલીએ કહ્યું કે “હે પ્રિય ! જો આ ઋષિના પાપના સોગન ખાવ, તો હું તમને રજા આપું, તમારો માર્ગ કલ્યાણકારી બનો.' આ વચન સાંભળી ક્રોધવાળા તાપસે બંને પક્ષીઓને બે હાથે પકડ્યા. ત્યારપછી તેઓએ કહ્યું કે, 'હું આટલું દુષ્કર તપ કરું છું. પછી સૂર્યની હાજરીમાં જેમ અંધકાર ન હોય, તેમ મારામાં પાપ કેવી રીતે હોય ? પછી ચકલાએ ઋષિને કહ્યું કે, ‘તમે ક્રોધ ન કરશો, તમારું તપ નકામું છે. “પુત્ર વગરનાની ગતિ નથી.' એ શ્રુતિ શું તમે સાંભળી નથી ?” તે વાતને યથાર્થ માનીને તાપસે વિચાર્યું કે “હું સ્ત્રી અને પુત્ર વગરનો હોવાથી મારું તપ તો પાણીના પ્રવાહમાં તણાઈ ગયું.' ક્ષોભ પામેલા તાપસને ઓળખીને ધન્વતરિ દેવ વિચાર કરવા લાગ્યો કે, ખરેખર તાપસોએ મને ભરમાવ્યો તેમને ધિક્કાર હો, અને તે શ્રાવક બન્યો. ખાત્રી થયા પછી કોને વિશ્વાસ ન બેસે ? તે દેવતાઓ અદૃશ્ય થયા.
આ તરફ જમદગ્નિ નેમિકોષ્ટક નામના નગરમાં પહોંચ્યો. ત્યાં અનેક કન્યાવાળો જિતશત્રુ રાજા હતો. એક કન્યા મેળવવાની ઈચ્છાવાળો તે મહાદેવ જેમ દક્ષ પાસે જાય, તેમ તેની પાસે ગયો. રાજાએ ઉભા થઈ તેનું સન્માન કર્યું અને અંજલિ કરી પૂછ્યું કે, આપને પધારવાનું પ્રયોજન હોય તે કહો અને હું શું કરું ? તે કહો. તાપસે કહ્યું કે, હું કન્યા માટે આવેલો છું. એટલે રાજાએ કહ્યું કે, મારી આ સો કન્યા છે, તેમાંથી જે તમને ઈચ્છે, તેને ગ્રહણ કરો. તાપસે કન્યાઓના અંતઃપુરમાં જઈને રાજકન્યાઓને કહ્યું કે, ‘તમારામાંથી કોઈ મારી ધર્મપત્ની થાવ.” અરે ! જટાધારી અને પળીયા-સફેદ વાળા, દુર્બલ, ભિક્ષાથી જીવનારા આમ બોલતાં તમને શરમ નથી આવતી ? એમ કહીને રાજકન્યાઓ તેના ઉપર થુંકી. એટલે પવનની જેમ ક્રોધી બનેલા જમદગ્નિ મુનિએ તે કન્યાઓને ખેચેલા ધનુષ્ય સરખી કૂબડી બનાવી દીધી. હવે ત્યાં આંગણામાં ધૂળના ઢગલાથી ક્રીડા કરતી એક કન્યાને દેખી, એટલે તેને રેણુકા કહીને બોલાવી. તેણે તેને કહ્યું કે, “તું ઈચ્છે છે ?' એમ કહી માતુલિંગ (બીજારો)નું ફળ બતાવ્યું. તેણે પણ પાણિગ્રહણ સૂચવનાર હાથ લાંબો કર્યો. દરિદ્ર જેમ ધનને તેમ મુનિએ પણ બાલિકાને છાતીએ ગ્રહણ કરી. એટલે રાજાએ વિધિથી ગાયોના દાન સાથે તેને આપી. સાળીઓના સ્નેહ-સંબંધથી તેણે નવાણું કન્યાઓને પાછી પોતાની તપશક્તિથી હતી તેવી સારી બનાવી દીધી. મૂઢોના તપના વ્યયને ધિક્કાર થાઓ. મુગ્ધ અને સુંદર આકૃતિવાળી તેણીને તે આશ્રમ સ્થાનમાં લઈ ગયો અને ચપળ નેત્રવાળી હરણી જેવી તે કન્યાને પ્રેમથી મુનિએ મોટી કરી.
આંગળીથી ગણતરી કરતા તપસ્વીના દિવસો પસાર થયા અને કામદેવના ક્રીડાવન સરખું. મનોહર યૌવન તે પામી. જમદગ્નિ મુનિએ અગ્નિને સાક્ષી કરવા પૂર્વક પાર્વતીને જેમ મહાદેવે તેમ યથાર્થ રીતે લગ્ન કર્યા. ઋતુસમયે મુનિએ તેને કહ્યું કે, તારા માટે મંત્ર-સાધના કરી ચરુ તૈયાર કરું છું. જેથી તને બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ ધન્ય પુત્ર ઉત્પન્ન થાય. ત્યારે રેણુકાએ તાપસને કહ્યું કે, હસ્તિનાપુરમાં અનંતવીર્ય રાજાની પત્ની મારી બહેન છે, તો તેના માટે પણ ક્ષાત્ર-ચરુની સાધના કરજો તેણે પોતાની પત્ની માટે બ્રાહ્મચરુ અને સાળી માટે ક્ષાત્રચ પુત્ર ઉત્પન્ન કરવા માટે તૈયાર કર્યા. રેણુકાએ વિચાર કર્યો કે, “હું તો અટવી મૃગલી સરખી બની છું તો મારો પુત્ર રખે તેવો થાય' એમ વિચારી તેણે ક્ષાત્રચરુનું ભક્ષણ કર્યું અને બ્રાહ્મ-ચરુ બહેનને આપ્યો. બંનેને પુત્રો જન્મ્યા, તેમાં રેણુકાના પુત્રનું નામ રામ અને તેની