________________
દષ્ટાંત ઉપનય
૧૯૧
શુક્લ પક્ષના ચંદ્રની માફક કળા વડે વૃદ્ધિ પામતો તે મનોહર સ્ત્રી જનના હૃદયને રંજન કરતી યુવાવસ્થાને પામ્યો. તેને સ્વભાવથી જ લાડુ પ્રિય હતા. તેથી લોકો તેને લાડુપ્રિય નામે ઓળખવા લાગ્યા.
કોઈ વખતે તે કુમાર વસંત કાળે સભા મંડપમાં આવ્યો. ત્યાં તે મનોહર સ્ત્રીઓના ગીત, નૃત્યાદિ જોવામાં પ્રવર્યો. ભોજનવેળાએ તેની માતાએ ઉત્તમ શરાવના સંપુટમાં અને બાકીના પરિવારને માટે ઘડામાં લાડુ નાંખીને મોકલ્યા. ત્યારે બધાંએ તે લાડુ ખાધા.
પછી રાત્રિએ ગીત, નૃત્યાદિકમાં વ્યાકુળ ચિત્તપણાને લીધે જાગરણ થવાથી તે લાડુ પચ્યા નહીં. તેથી અજીર્ણ દોષના પ્રભાવથી તેનો અધો વાયુ અત્યંત અશુચિગંધવાળો નીકળ્યો. તે ગંધના પુદ્ગલો તેના નાકમાં પેઠા. તે વખતે તેને વિચાર આવ્યો કે, આ લાડુ ઘી, ગોળ, કણિકના અર્થાત્ શુચિદ્રવ્યથી ઉત્પન્ન થયેલા છે. પરંતુ આ દેહ જ અશુચિથી ઉત્પન્ન થયેલો અને અશુચિમય છે. તેના સંસર્ગથી જ આ લાડુ અશુચિમય બન્યા છે. વળી બીજા પણ અનેક પદાર્થો જે સ્વભાવથી શુચિ–સુગંધવાળા છે, તો પણ તે શરીરના સંબંધથી ક્ષણમાત્રમાં દૂર્ગધવાળા બની જાય છે.
તેથી અશુચિરૂપ અનેક સેંકડો અપાયોથી વ્યાપ્ત એવા પણ આ શરીરને માટે જે મનુષ્યો ગૃહવાસમાં નરકાદિક કુગતિમાં પાડનારા પાપકર્મોને સેવે છે, તેઓ ચેતનાસહિત છે તો પણ મોહમય નિદ્રા વડે તેમનું વિવેકરૂપી ચેતન હણાયેલું હોવાથી પરમાર્થથી તેઓને અચેતન જ જાણવા. તેઓનું શાસ્ત્રાદિકનું જ્ઞાન પણ પરમાર્થથી તો કેવળ શરીરના પરિશ્રમ—ખેદરૂપ ફળવાળું જ જાણવું.
આ પ્રમાણે અશુચિ ભાવનાને ભાવતા ભાવતા તે લાડુપ્રિય કુમારને વૈરાગ્ય ઉત્પન્ન થયો. સમ્યગ્દર્શન–જ્ઞાન અને ચારિત્રનો ઉદ્દગમ થયો. પછી કેવળજ્ઞાનનો ઉદ્દગમ થયો.
આ રીતે આહારના ઉદ્દગમની અશુચિ વિચારણા તેને કેવળજ્ઞાનના ઉદ્ગમ માટે નિમિત્ત બની.
૦ આગમ સંદર્ભ :પિંડનિ. ૧૦૧, ૧૦૩ થી ૧૦૫ + ૬
૦ પ્રતિસેવન દોષમાં ચોરનું દૃષ્ટાંત :
કોઈ ગામમાં ઘણાં ચોરો હતા. તેઓ કોઈ વખતે નગરમાંથી ગાયોનું હરણ કરીને ગામની સન્મુખ ચાલ્યા. માર્ગમાં તેમને બીજા કેટલાંક પથિક ચોરો મળ્યા. તેઓ પણ તેમની સાથે ચાલ્યા. છેવટે તે પોતાના સ્થાને પહોંચ્યા. ત્યાં સ્વદેશમાં આવ્યા હોય તેમ નિર્ભય થઈ ભોજનની વેળા થવાથી કેટલીક ગાયોને મારીને તેના માંસ પકાવવા લાગ્યા. આ વખતે ત્યાં કેટલાંક પથિકો પણ આવ્યા. ત્યારે ચોરોએ તેમને પણ ભોજનને માટે નિમંત્રણ આપ્યું. ત્યારપછી માંસ પક્વ થતાં કેટલાંક ચોરો અને તે પથિકો ભોજન કરવા લાગ્યા અને કેટલાંક ગોમાંસનું ભોજન કરવું તે મહાપાપ છે તેમ માનીને તે ભોજન કર્યું નહીં કેવળ બીજાઓને પીરસવાનું કામ કર્યું.
આ અવસરે ખુલ્લા તીક્ષ્ણ ખડુગને ધારણ કરનારા ભયાનક કોટવાળો આવ્યા.