________________
પ્રત્યેકબુદ્ધ – નગ્નતિ કથા
૩૩૩
બીજો મૂર્ખ અર્થાત્ મૂર્ખતારૂપી માંચાનો બીજો પાયો તે – આ રાજ્યનો રાજા છે કેમકે તેણે પરનું દુઃખ જાણ્યા વિના જ બીજા યુવાન ચિત્રકારો જેટલો જ ભાગ ચિત્ર બનાવવા માટે મારા વૃદ્ધ અને પુત્ર વિહોણા એવા પિતાને આપેલો છે.
ત્રીજો મૂર્ખ અર્થાત્ મૂર્ખતારૂપી માંચાનો ત્રીજો પાયો તે – મારા પિતા છે. કેમકે જ્યારે હું ભોજન લઈને આવું છું ત્યારે જ તે દેહચિંતા અર્થાત્ શૌચ કાર્ય માટે બહાર જાય છે. પરંતુ ભોજનના લાવ્યા પહેલાં કે પછી જતા નથી.
ચોથા મુખે તમે છો. ભીંત ઉપર ચિત્રિત થયેલ મોરનું પીંછુ લેવા માટે તમે હાથ લંબાવ્યો. તમને એટલી પણ ખબર નથી કે, મોરનું પીંછુ આ ચિત્રસભામાં ક્યાંથી આવે? કદાચિત આવે, તો પણ તે ભીંતની ઉપર ક્યાંથી હોય ? તો પણ તમે મોરપીંછુ લેવા માટે હાથ લંબાવ્યો. તે આ મૂર્ખતારૂપી માંચાનો ચોથો પાયો જાણવો.
આ પ્રમાણે તે કન્યાનાં વાક્યો સાંભળીને રાજાને તેની બધી જ વાત સત્ય લાગી. પછી રાજાએ વિચાર્યું કે, આ કન્યા સાથે જો હું લગ્ન કરીશ, તો મારો જન્મ સફળ થશે. પછી રાજાની આજ્ઞાથી રાજ્યના મંત્રીએ, પેલા વૃદ્ધ ચિત્રકાર પાસે કનકમંજરી માટે માંગણી કરી. તે ચિત્રકારે પણ હર્ષ પામીને તેને પોતાની પુત્રી રાજા સાથે પરણાવી.
એક વખત કનકમંજરી રાણી પોતાનો વારો હોવાથી દાસીની સાથે રાજાના શયનગૃહમાં આવી. રાજા સુતો, ત્યારે પ્રથમથી સંકેત કરી રાખેલી દાસીએ કનકમંજરીને કહ્યું કે, હે દેવી! તમને અભુત કથાઓ આવડે છે. માટે તેમાંથી એક કથા આજે મને કહો, ત્યારે તેણી બોલી કે, જ્યારે રાજા ઊંઘી જશે ત્યારે હું તને કથા કહીશ. તે સાંભળી વાર્તા સાંભળવાની ઇચ્છાથી રાજાએ ખોટી નિદ્રાનો ડોળ કર્યો. એટલે કનકમંજરીએ વાર્તા કહેવા માંડી–
એક શ્રેષ્ઠીએ એક હાથનું ચૈત્ય કરાવ્યું, તેમાં ચાર હાથની દેવપ્રતિમા સ્થાપન કરી, તે સાંભળી દાસીએ પૂછયું કે, હે રાણી ! એક હાથના ચૈત્યમાં ચાર હાથના દેવ કઈ રીતે રહી શકે ? તમે મારા એ સંશયને દૂર કરો, પછી વાર્તા આગળ કહેજો. ત્યારે રાણીએ દાસીને કહ્યું કે, અત્યારે તો મને નિદ્રા આવે છે, તું જા. હું તને કાલે ઉત્તર આપીશ.
બીજે દિવસે તે વાર્તાનું સમાધાન સાંભળવાની ઇચ્છાથી રાજાએ ફરી કનકમંજરી રાણીનો જ વારો રાખ્યો. તે દિવસે પણ રાજા ખોટી નિદ્રા લેવા લાગ્યો, ત્યારે દાસીએ પૂછયું કે, હે સ્વામિની ! પહેલા મારા કાલના સંશયનું નિવારણ કરો ત્યારે રાણી બોલી કે, ચાર હાથની પ્રતિમા એટલે ચાર હાથ ઊંચાઈવાળી પ્રતિમા નહીં, પણ દેવને ચાર હાથ હતા, તેવી પ્રતિમા. પ્રતિમા તો એક હાથની ઊંચાઈના ચૈત્યમાં સમાઈ શકે તેટલી જ હતી. તેથી એક હાથના ચૈત્યમાં ચાર હાથવાળી દેવ પ્રતિમાં રહે કે ન રહે ?
પછી દાસીએ કહ્યું કે, હે સ્વામિની ! આજે બીજી વાર્તા કહો. ત્યારે રાણીએ વાર્તાનો આરંભ કર્યો, કોઈ વનમાં લાલ અશોકવૃક્ષ હતું. તે વૃક્ષને સેંકડો શાખાઓ હતી. પણ તેની છાયા પૃથ્વી પર બીલકુલ પડતી નહોતી. ત્યારે દાસીએ વચ્ચે પૂછયું કે, એવડા મોટા વૃક્ષને છાયા કેમ ન હોય ? હોવી જ જોઈએ. ત્યારે રાણી બોલી કે, તું જા. અત્યારે મને નિદ્રા આવે છે. કાલે તારા પ્રશ્નનો ઉત્તર આપીશ. એમ કહીને રાણી સૂઈ ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org