________________
૫૬૧
બત્રીશી-૧૦, લેખાંક-પ૯
હવે પાંચમો વિનિયોગ આશય - (૫) વિનિયોગ :
સ્વપ્રાપ્તચીજનું અન્ય પાત્ર વ્યક્તિને દાન કરવું એ વિનિયોગ.. આવો સામાન્ય અર્થ પ્રચલિત છે. એને જ અહીં વિશેષરૂપે સમજવાનો છે.
સામાન્યજોડાણ એ યોગ છે.... અત્યન્ત જોડાણ એ નિયોગ છે. વિશિષ્ટ પ્રકારનું અત્યન્ત જોડાણ એ વિનિયોગ છે...
એવા માહાસ્યવાળી વ્યક્તિના સાનિધ્યમાં આવવાથી કે એવા વિશિષ્ટ પ્રકારના ક્ષેત્ર-કાળના વાતાવરણમાં આવવાથી હિંસક-કૃપણ વગેરે જીવો પણ તત્કાળ પૂરતા અહિંસક-ઉદાર વગેરે બને તો આ તેઓમાં અહિંસા-દાન વગેરેનો યોગ થયો કહેવાય.
સમવસરણમાં શ્રી તીર્થકરના સાન્નિધ્યમાં આવનારા સાપનોળિયો વગેરે જાતિવૈર ધરાવનારા તિર્યંચો પોતાનું વેર ભૂલી એકબીજાની સાથે બેસે છે એ તેઓમાં અહિંસા-ક્ષમાનો યોગ છે. (પણ, આ માત્ર ધર્મનું માહાત્મ – પ્રભાવ છે, વિનિયોગ નથી એ જાણવું.) સિંહગુફાવાસી મુનિને ચાર મહિના સુધી ગુફામાંથી ભૂખ્યા નીકળતા સિંહે પણ કશું કર્યું નહીં એ, તે મહાત્માની અહિંસાનો સિંહે ઝીલેલો પડઘો હતો. આ યોગ છે. એમ, પર્યુષણ મહાપર્વને પામીને, ક્યારેય તપસ્યા ન કરનારા તપમાં જોડાઈ જાય કે શ્રી સિદ્ધગિરિ જેવા તીર્થને પામીને પ્રભુભક્તિમાં જોડાઈ જાય. આ બધું યોગ છે. વૈરાગ્યસભર પ્રવચન સાંભળીને પ્રવચનપૂરતા વૈરાગ્યમાં ઝીલવા માંડે... પણ જેવા બહાર નીકળ્યા કે હતા ત્યાંના ત્યાં... તો એ પણ યોગ છે. આ વીજચુંબક જેવું છે. જ્યાં સુધી કરંટ હોય ત્યાં સુધી ચુંબકત્વ હોય. જેવો વીજપ્રવાહ કટ થઈ જાય, કે તરત ચુંબકત્વ ગાયબ. પ્રસ્તુતમાં પણ જેવું વાતાવરણ ખસ્યું કે તરત ગુણ ખસ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org