________________
૩૨૪
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે શંકા-પૂજાવિધિમાં દ્રવ્યશૌચ જે કહ્યો તેમાં સ્નાનાદિ આવશ્યક છે. એટલે એ સ્નાનાદિમાં કાયવધાદિ હોવાથી દોષ નહીં લાગે ?
સમાધાન : આ પૂજાવિધિમાં સ્નાનાદિથી પાણી-વનસ્પતિ વગેરેનો કાયવધદોષ રહ્યો હોવાથી દોષિતતા છે એવી શંકા ન કરવી, કેમકે એ કાયવધાદિ જે દોષ થાય છે એના કરતાં અધિક શુભઅધ્યવસાય સ્નાનાદિથી થતો હોવો અનુભવસિદ્ધ છે. એટલે કે અલ્પવ્યયે ઘણો લાભ થતો હોવાથી સરવાળે આમાં દોષ તો નથી, પણ ઉપરથી ગુણ છે. ષોડશક ૯/૧૩-૧૪-૧૫માં કહ્યું છે કે “સ્નાનાદિ કરવામાં કાયવધ થાય છે. વળી શ્રીજિનને તો પૂજાથી કોઈ ઉપકાર થતો નથી, કારણકે તે ભગવાન કૃતકૃત્ય છે. માટે આ પૂજા વ્યર્થ છે. આવી શંકા મુગ્ધબુદ્ધિ જીવ કરે છે. એનું સમાધાન આ પ્રમાણે જાણવું.-શાસ્ત્રપ્રસિદ્ધ કૂપોદાહરણ મુજબ પૂજામાં થતો કાયવધ પણ ગૃહસ્થને ગુણકર બને છે. કેમકે અલ્પવ્યયે બહુલાભકારી હોય છે. જાપ વગેરેથી મંત્રાદિને ઉપકાર થતો ન હોવા છતાં, મંત્રાદિથી જેમ તથા સ્વભાવે મંત્રજાપ વગેરે કરનારને ઉપકાર થાય છે તેમ પૂજાથી પ્રભુને ઉપકાર થતો ન હોવા છતાં પૂજકને ફળપ્રાપ્તિ થાય છે. વળી પ્રભુ કૃતકૃત્ય હોવાથી જ પ્રભુની પૂજા સફળ બને છે, કેમકે એ ઉત્કૃષ્ટગુણીની પૂજારૂપ બને છે. તેથી શરીરાદિ માટે આરંભ કરનારા ગૃહસ્થને આ જિનપૂજા સફળ જ હોય છે. આ પ્રમાણે નિર્મળ બુદ્ધિવાળા શાસ્ત્રવિશારદો કહે છે.”
અલ્પવ્યયે બહુલાભ ન્યાયે તો સાધુભગવંતો પણ જિનપૂજાના અધિકારી બની જશે આવી શંકા ને એનું સમાધાન હવે આગામી લેખમાં જોઈશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org