________________
બત્રીશી-૩, ખાંક-૨૦
૧૯૯
પોતાના શિષ્યને એની મરજી પડે ત્યારે એ પ્રણાલિકાને દફનાવી દેવાની સત્તા સોંપી શકતા નથી. તર્કપૂર્ણ વિચાર કરવામાં આવે તો આ વાત નિઃશંક જણાશે. તે આ રીતે
(૧) સંવિગ્ન ગીતાર્થ મહાત્માઓએ નવી પ્રણાલિકા જે પ્રવર્તાવી હોય છે એ આડેધડ મનમાં એવો કોઈ તરંગ ઊઠ્યો માટે કે એવી દેશકાળાદિની પરિસ્થિતિ નિર્માણ થઈ હોય માટે ? સ્પષ્ટ છે કે એવી વિશેષ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ હોવાથી જ, એવી પરિસ્થિતિને અનુરૂપ, સ્વ--પર હિતકર પ્રણાલિકા શરૂ કરી હોય છે. એટલે જ્યાં સુધી દેશકાળાદિની એવી પરિસ્થિતિ વિશેષરૂપે બદલાય નહીં ત્યાં સુધી એને રદ કરવાનો પ્રશ્ન જ ક્યાં આવે ?
(૨) અનેક મહાત્માઓએ ભેગા મળીને શરૂ કરેલી પ્રણાલિકાને રદ કરવાની સત્તા એમાંના એક જ મહાત્મા પોતાના શિષ્યને શી રીતે આપી શકે ? કારણ કે જે પ્રણાલિકાને રદ કરવી બીજા ગીતાર્થોને અનુચિત લાગે છે તેને રદ કરવાની સત્તા ખુદ એ મહાત્મા પાસે પણ હોતી જ નથી. વળી, એક મહાત્મા સ્વશિષ્યને એ રદ કરવાની સત્તા આપે ને બીજા મહાત્મા પોતાના શિષ્યને એ પ્રણાલિકા ચાલુ રાખવાની સત્તા આપે તો પરિણામ શું આવે ? સંઘમાં ઝઘડા, અનુશાસન-હીનતા ને સ્વચ્છંદતા.. જ ને ? કે બીજું કાંઈ ? શું આવું સંવિગ્નગીતાર્થ મહાત્માઓને માન્ય હોઈ શકે ? શું આવું જૈનશાસનને માન્ય હોઈ શકે? એટલે જ સ્વ. પૂ. આ. શ્રી દાનસૂરીશ્વરજી મહારાજે વિવિધ પ્રશ્નોત્તરમાં જણાવ્યું છે કે-કોઈપણ એક મનુષ્ય સ્વમતિથી જો કોઈપણ નવો ફેરફાર કે ગરેડ પાડવા માંગે તો તેમ કરવાનો હક તેને શ્રીસંઘ અને શાસનની પ્રણાલિકા બિલકુલ આપી શકતી નથી જ. (પૃ. ૩૪૬)
પ્રશ્ન : પણ કોઈ શિષ્ય મહાત્મા એમ કહે કે મને મારા ગુરુદેવ આવી સત્તા આપી ગયા છે ને તેથી હું આ પ્રણાલિકા (પ્રણાલિકાને પ્રસ્થાપિત કરનાર પટ્ટકને) રદ કરું છું. તો શું માનવું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org