________________
“અહો અહો ! જિનેશ્વર ભગવંતોએ સાધુઓને નિષ્પાપ (નિરવદ્ય) જીવન-વૃત્તિ બતાવીને કમાલ કરી છે.'
અપરંપાર લાભો છે આ નિર્દોષ ભિક્ષા-ચર્યાના... ભિક્ષાટનના માધ્યમે અનેક આત્માઓને બોધિ-બીજાધાનાદિરૂપ ધર્મ-પ્રદાન દ્વારા જિનશાસનની પ્રભાવના... પ્રાયઃ દ્રવ્ય-ભાવ આરોગ્યની સુરક્ષા.... સંયમવૃદ્ધિ... કર્મનિર્જરા... પુણ્યનુબંધી પુણ્યનો બંધ વગેરે. માટે જ ૧૪૪૪ ગ્રન્થના પ્રણેતા સૂરિપુરંદર શ્રીમદ્ હરિભદ્રસૂરિજી એ અષ્ટક પ્રકરણગ્રન્થમાં આ નિર્દોષ ભિક્ષાચર્યાને સર્વસમ્પત્કરી' એવા ફલગર્ભિત શબ્દથી બિરદાવી છે.
મોક્ષમાર્ગની સાધના માટે સાધન આહાર. એ સાધનની પ્રાપ્તિ માટે સૂક્ષ્માતિસૂક્ષ્મ સંયમનું આચરણ (૪૨ દોષથી વિશુદ્ધ ભિક્ષા-પ્રાપ્તિનો ઉદ્યમ) એ પણ ખરેખર એક સાધના જ છે. જેમ પાષાણાદિમાં ઝીણામાં ઝીણી કોતરણી કરનાર કુશળ શિલ્પી કહેવાય છે, તેમ લોકોત્તર શાસનમાં સૂક્ષ્મતાસભર સંયમ આચરનાર કુશળ (સુવિહિત) સંયમી કહેવાય છે.
ક્ષમણજીવનના વિશુદ્ધપાલનમાં આધારભૂત આ પિણ્ડ-નિયુક્તિ ગ્રન્થનું સાધુ-સાધ્વીવર્ગમાં સેંકડો વર્ષોથી અધ્યયન થઈ રહ્યું છે. ભાવનગરના પંડિતવર્ય સ્વ. હરિલાલ જેઠાભાઈ શાસ્ત્રીએ વિ.સં. ૧૯૯૬ માં આ ગ્રન્થનો અનુવાદ તૈયાર કરેલ. તેનું જ સંશોધન કરવા દ્વારા ગણિવર્ય (આચાર્ય) શ્રી હંસસાગરજી મ. સાહેબે નૂતન અનુવાદ તૈયાર કરીને જૈનસંઘ ઉપર મહાન્ ઉપકાર કર્યો છે. તેઓશ્રીના આ સુકૃતની ભૂરિ-ભૂચિ અનુમોદના...
પિણ્ડ-નિયુક્તિ ગ્રન્થનું પુસ્તક હાલ અનુપલબ્ધ સ્થિતિમાં છે. જ્ઞાનભંડારોમાં પણ ક્યાંક જ મળે છે. આમ, સાધુ-સાધ્વીજી ભગવંતોના અધ્યયનમાં ઉપયોગિતાને લક્ષમાં લઈને આ ગ્રન્થના પુનઃ પ્રકાશનની આવશ્યકતા ઊભી થઈ. શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિ સમુદાયના પૂજ્ય આચાર્યવિજય શ્રી જગચ્ચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂજ્ય આચાર્યવિજય શ્રી અભયચન્દ્રસૂરિજીની પ્રેરણાથી મુનિરાજશ્રી હીરવિજયજી મ.સા.એ આ ગ્રન્થના પુનઃપ્રકાશનમાં ખૂબ સારો પરિશ્રમ ઉઠાવ્યો છે, તે ખૂબ જ અનુમોદનીય છે.
પ્રાન્ત, પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો આ ગ્રન્થના અધ્યયન-અધ્યાપન દ્વારા નિર્દોષ ભિક્ષાચર્યાના પાલક બનીને સ્વ-સંયમજીવનને ઉત્તરોત્તર નિર્મલ બનાવે એ જ અંતરની અભિલાષા...
વિ.સં. ૨૦૬૭, કારતક વદ - ૧૦, પ્રભુ વીર દીક્ષા કલ્યાણક દિન નવકાર, વાસણા, અમદાવાદ,
- ગુરુપાદપઘરેણ
મુનિ અક્ષયકીર્તિ વિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org