________________
આ તે કેવી બનાવટ ! હે મનમોહક ! તું મને મળતો નથી તો ચેન પડતું નથી. શાંતિ લાગતી નથી. અને જો તું મળે તો તું જ મારા મનને, મને જ પૂરેપૂરો ચોરી લે છે. આ હાલતમાં હવે હું તને શું કહું ? એ જ ખરેખર સમજાતું નથી. મને શું થયું છે ? એ જ ખબર પડતી નથી. “મારું શું થશે?” તેનો ખ્યાલ આવતો જ નથી.
એક બાજુ તારા ઉપર આટલો બધો પ્રેમ, લાગણી ને વહાલ હોવા છતાં પણ બીજી બાજુ તારા જ અત્યંત વહાલા એવા તમામ જીવો પ્રત્યે હું નિર્દોષ વહાલ કરી શકતો નથી. આ મારી કેવી બેઢંગી ને કઢંગી મનોદશા છે ? હે પરમદેવ ! તારા વહાલા અનંતા જીવો પ્રત્યે ક્રૂરતા, અસભ્યતા, બદમાશી, માયા, મૃષાવાદ, છેતરપિંડી, હલકી દૃષ્ટિ, વાસનાવિકૃત દૃષ્ટિ રાખું છું. તેથી તારા ઉપરનો ભરપૂર પ્રેમ કઈ કક્ષાનો છે ? તેની પણ મને કોઈ ગતાગમ નથી જ પડતી.
દીનદયાળ ! કેટલી બધી વિચિત્રતાથી હું ભરેલો છું? તે મને જ સમજાતું નથી. તારી આગળ “હું નીચ-નાલાયક-લુચ્ચો-બદમાશ-અધમાધમપતિત અને મૂરખ છું.” આવું અવાર નવાર બોલવા છતાં બીજો કોઈ મને લુચ્ચો કે બદમાશ કહે તો તે હું સાંભળી શકતો નથી, સહન કરી શકતો નથી અને તેના ઉપર હું ઉકળી પડું છું. તારી પાસે “હું તારા દાસનો દાસ છું” એમ બોલવા છતાં તારા સેવક એવા નવા ધર્મી જીવો ઉપર જોહુકમી ચલાવવાનું છોડતો નથી. તેના પ્રત્યે સહાયક ભાવ અંતરમાં લાવતો નથી. તેથી તારા દાસનો દાસ-દાસાનુદાસ-દીનસેવક-ચરણકિંકર-ચરણરજ વગરે સ્વરૂપે મારી જાતને જણાવું છું તે પણ મારી બનાવટ જ છે ને!
મારા નાથ ! તારી આગળ જે બોલું છું તે પણ પરિણમતું હોય તેમ નથી લાગતું. શાસ્ત્રો સાંભળવા છતાં, વાંચવા છતાં, કામ-ક્રોધ વગેરે દોષો ક્ષીણ થતા નથી. શાસ્ત્રો પરિણામ પામતા હોય તેવી પ્રતીતિ થતી નથી. શાસ્ત્રબોધ, ઉપદેશબોધ, વૈરાગ્યબોધ, સિદ્ધાન્તબોધ પરિણમતો નથી. બધું જ ઉપરથી એમ ને એમ પસાર થઈ જતું હોય તેમ લાગે છે. સૌપ્રથમ કયું શાસ્ત્ર આત્મસાત્ થાય તો અન્યશાસ્ત્રોક્ત પરમાર્થ પરિણમે ? તેનો જવાબ આપવાની ઉદારતા તો કરો. કમ સે કમ શાસ્ત્રબોધ મારામાં સમ્યક પરિણમે એવો માર્ગ બતાવવાની તો કરુણા કરો.
૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org