________________
1 શ્રી ભગવતીજી સૂત્ર વિવેચન જો એ મન નથી થતું તો એનો અર્થ જ એ છે કે એમના પર એ ભારોભાર બહુમાન જ નથી. રાજકુમારને નરસિંહ પર ભારોભાર બહુમાન હોવાથી એટલું બધું આકર્ષણ છે કે નરસિંહને આમ એકલો પૂજાપો ધરવા જવા દેવા તૈયાર નથી, તેથી નરસિંહને કહે,
‘ભલે બાપુજીનો આદેશ છે, ને કુળનો રિવાજ છે તો આ દેવીમાતાને પુજાપો ઘરવો જોઈએ. પણ તેથી કાંઈ તમારે જ જવું પડે એવો કાયદો નથી. તમારા વતી, લાવો પૂજાપો, હું જ ઘરી આવું છું. તમે તમારે જાઓ આવાસ પર, આરામ કરો.'
નરસિંહે કહ્યું તો ખરું કે “ના, ના એમ હોય? લગ્ન મારા થયેલાં છે તેથી મારેજ જવું જોઈએ ને?'
પણ રાજકુમાર કહે “અરે ! કુમાર સાહેબ! લગ્ન થાય તો દેવીને માત્ર પૂજાપો ધરવાનો હિસાબ હોય. પછી એ ગમે તેના હાથ ધરાય તો ચાલે. તો તમારી વતી જ હું પૂજાપો લઈ જાઉં છું ને? તેથી તમારે પોતાને જવાની જરૂર નથી. હું તમને નહિ જવા દઉં” આમ રાજકુમારના આગ્રહ પર નરસિંહને મંજૂર કરવું પડ્યું. પૂજાપાની થાળી રાજકુમારે લઈ લીધી. નરસિંહ પોતે પોતાના આવાસ તરફ ચાલ્યો ગયો.
જુઓ હવે રાજકુમાર અંધારી રાતે પૂજાપાની થાળી લઇને ચાલ્યો છે દેવીના મંદિર તરફ ! કેમ જઈ રહ્યો છે ? ભલાઈનું કામ કરવા . ભલાઇનું કામ કરવા જાય એને આફત આવે? જુઓ,
ભલાઈનું કામ કરવા જવું એ સતુ પુરુષાર્થ-શક્તિનું ફળ છે; ને આફત આવવી એ પૂર્વભવનાં કર્મનું ફળ છે.
પુરુષાર્થ અને કર્મ એ બે સ્વતંત્ર છે, એટલે વાંકા કર્મની વસ્તુનો દોષ કર્મને અપાય, પણ પુરુષાર્થને નહિ. તેથી એમ ન બોલાય કે ‘લ્યો જુઓ આ ભલાઈ કરવા ગયા એટલે માર પડ્યો.' કેમ ન બોલાય? કહો મારે એ પૂર્વકર્મની વસ્તુ છે, અહીંની ભલાઇના પુરુષાર્થની વસ્તુ નહિ. માટે મારનો દોષ કર્મને અપાય, પુરુષાર્થને નહિ.
રાજપુત્ર પર મારાઓઃ
રાજકુમારને બિચારાને પોતાના કોઈ એવા પૂર્વના કર્મ ઉદયમાં આવ્યા કે પોતાના સગા બાપે કરેલી કરપીણ માયા-યોજનાનો ભોગ પોતે જ બની જાય છે! જો જો કર્મની વિચિત્રતા. જેવો એ રાજપુત્ર બિચારો નગરની બહાર નીકળી જંગલમાં ઊતર્યો કે ઝાડીમાં છૂપાઈ બેઠેલા ચાર મારાઓ ઝાડીમાંથી બહાર નીકળી ધારિયાઓથી રાજકુમાર પર તૂટી પડ્યા. ચીસો પાડવાનો સમય જ નહિ એવા એક - ક્ષણમાં એને ખત્મ કરી મારાઓ ભાગી ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org