________________
કથાશાસ્ત્ર : નદી સૂત્રની કથાઓ
૧૫
તેથી બાળકને ખબર ન હતી કે મારી સગી માતા કોણ છે? એકવાર વણિક પોતાની બન્ને પત્ની તથા બાળકને લઈને ભગવાન સુમતિનાથના નગરમાં ગયા. પરંતુ ત્યાં ગયા પછી વણિકનું મૃત્યુ થઈ ગયું. તેથી બન્ને પત્નીઓમાં સંપૂર્ણ ધન વૈભવ તથા પુત્ર માટે વિવાદ થવા લાગ્યો. કેમ કે જેનો પુત્ર હતો એ જ માતાનો સંપૂર્ણ વૈભવ તથા બાળક પર અધિકાર હતો પણ, વંધ્યા તેને દેવા ઈચ્છતી ન હતી. તેઓ બન્ને સ્ત્રીઓનો વિવાદ આગળ વધતાં વધતાં રાજ દરબારમાં પહોંચ્યો પણ કાંઈ ફેંસલો ન થયો. પરંતુ એ વિવાદ મહારાણી સુમંગલાએ સાંભળ્યો. એ સમયે તે ગર્ભવતી હતી. તેણીએ બન્ને વણિક પત્નીઓને પોતાની પાસે બોલાવીને કહ્યું – થોડા સમય બાદ મારા ઉદરમાંથી પુત્રનો જન્મ થશે, તે અમુક અશોક વૃક્ષની નીચે બેસીને તમારો વિવાદ દૂર કરશે. ત્યાં સુધી તમે બન્ને આનંદપૂર્વક અહીં રહો.
ભગવાન સુમતિનાથની માતા સુમંગલાની વાત સાંભળીને વણિકની વંધ્યા સ્ત્રીએ વિચાર્યું કે “હજુ તો મહારાણીએ પુત્રનો જન્મ પણ નથી આપ્યો, પુત્ર જન્મ થશે પછી એ મોટો થશે. ત્યાં સુધી તો અહીં આનંદથી રહી શકાશે. પછી જે થશે તે જોઈશું.” આમ વિચારીને તેણીએ તરત જ સુમંગલાની વાતનો સ્વીકાર કરી લીધો. તેની મુખાકૃતિ જોઈને મહારાણી સુમંગલાએ જાણી લીધું કે બાળકની માતા આ નથી. પછી તે વંધ્યા સ્ત્રીને તિરસ્કૃત કરીને ત્યાંથી કાઢી મૂકી અને બાળક અસલી માતાને સોંપી, તેણીને ગૃહસ્વામિની બનાવી દીધી. આ ઉદાહરણ માતા સુમંગલાદેવીની અર્થશાસ્ત્ર વિષયક ઔત્પાતિકી બુદ્ધિનું છે. (૩૯) ઈચ્છાયમહં:- કોઈ એક નગરમાં એક શેઠ રહેતા હતા. ઓચિંતાનું તેનું મૃત્યુ થયું. તેથી શેઠાણી બહુ પરેશાન થઈ ગઈ. કેમ કે શેઠ દ્વારા વ્યાજે આપેલી રકમ તે વસુલ કરી શકતી ન હતી. એકવાર તેણીએ શેઠના મિત્રને બોલાવીને કહ્યું- મહાનુભાવ! કૃપા કરીને આપ શેઠે આપેલી વ્યાજ આદિની રકમ મને વસુલ કરી આપો. શેઠનો મિત્ર બહુ સ્વાર્થી હતો. તેણે કહ્યું– હું શેઠનું ધન વસુલ કરી દઉં તો તમે મને કેટલું ધન આપશો? શેઠાણીએ કહ્યું– તમે જે ઈચ્છો તે મને આપજો. ત્યારબાદ શેઠના મિત્રે શેઠના રૂપિયા વગેરે બધી રકમ વસૂલ કરી લીધી. પરંતુ તે શેઠાણીને ઓછું દેવા ચાહતો હતો, પોતાને વધારે રકમ જોઈતી હતી.
આ વાતની શેઠાણીને ખબર પડી એટલે બન્ને વચ્ચે વિવાદ શરૂ થયો. છેવટે ન્યાયાલયમાં એ વિવાદ પહોંચ્યો. ન્યાયાધીશે બન્નેની વાત સાંભળીને શેઠના મિત્રને હુકમ કર્યો કે તમે બધુ ધન અહીં લઈ આવો. પછી ન્યાયાધીશે તેના બે ઢગલા તૈયાર કરાવ્યા. એક ઢગલો મોટો બનાવ્યો અને બીજો ઢગલો નાનો બનાવ્યો. ત્યારબાદ ન્યાયાધીશે શેઠના મિત્રને પૂછ્યું- આ બે ઢગલામાંથી તમે કયો ઢગલો લેવા ઈચ્છો છો ? મિત્ર શેઠે તુરત જવાબ આપ્યો- હું મોટો ભાગ(ઢગલો) લેવા ઈચ્છું છું. ન્યાયાધીશે શેઠના મિત્રની વાતને પકડી લીધી અને કહ્યું- શેઠાણીએ તમને શું કહ્યું હતું? તમે જે ચાહો તે મને આપજો. શેઠાણીના શબ્દો પ્રમાણે તમે મોટા ઢગલાને ચાહો છો એ રકમ શેઠાણીને આપવામાં આવે છે અને નાનો ઢગલો તમારે લેવાનો છે. શેઠનો મિત્ર માથું કૂટતો નાનો ઢ ગલો લઈને ચુપચાપ ચાલ્યો ગયો. ન્યાયાધીશની ઔત્પાતિકી બુદ્ધિનું આ ઉદાહરણ છે. For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International