________________
પૂ.શ્રી પનાભાઈનો પરિચય અત્રે આપ્યો છે. તેમાં વિશેષ કહેવાનું રહેતું નથી પણ તેમના પરિચયથી ચિંતનાત્મક દ્રષ્ટિએ ઘણો લાભ થયો.અધ્યાત્મયોગ પુષ્ટ થયો. તે વ્યક્ત કરવા થોડું કંઈક લખવા પ્રેરાઉં છું.
તેઓ ઉચ્ચ પ્રકારના સાધક છે. બાળ બ્રહ્મચારી છે. સતત્ સૂક્ષ્મ ચિંતન એ તેમની આગવી પ્રણાલી છે અને એ ચિંતન ધારામાં મૌલિકતા તો એવી છે કે જવલ્લેજ એવું બળ અન્યત્ર જોવા જાણવા કે સાંભળવા મળે છે. તેમનો પરિચય થવો અને તેમની આ મૌલિક ચિંતનધારાના સહભાગી થવું તે એક અનેરો લ્હાવો છે.
મારા જીવનમાં ઘણા સંતો અને પંડિતોનો ઉપકાર છે. તેમ શ્રી પનાભાઈનો પણ આ પ્રસંગે અત્યંત કૃતજ્ઞતાપૂર્વક આનંદ વ્યક્ત કરી આભાર માનું છું. કથંચિત એ ભાવના વ્યક્ત કરવા જ આ પુસ્તકનું સંયોજન કરવાનું સ્વીકાર્યું હતું.
પ્રસ્તુત પુસ્તકની પ્રથમ આવૃત્તિના ક્રમને લેખન તથા શુદ્ધિને વ્યવસ્થિત કરી સંયોજન કરવાની જે તક મળી તે માટે આનંદ વ્યક્ત કરું છું. આ સિવાય આ પુસ્તકમાં મેં કંઈ વિશેષ કર્યું નથી. તેનું અવતરણ સ્વ.શ્રી બંસીલાલ કાપડીયાએ કર્યું હતું. અને સંકલન શ્રી સૂર્યવદન ઝવેરીએ કર્યું હતું.
પ્રસ્તુત પુસ્તકના પુનઃમુદ્રણ માટે ઉત્તમ ભાવના સાકાર થઈ તેમાં શ્રી શે.મૂ.પૂ. તપગચ્છસંઘ ધ્રાંગધ્રાના સંઘે આ કાર્યમાં રૂ.૨૧૦૦૦ ની ઉદાર રકમનો અર્થસહયોગ કર્યો. મુંબઈના મિત્રોએ પણ અર્થસહયોગમાં ભાગીદારી કરી. તે ઉપરાંત અમદાવાદના સત્સંગી મિત્રો પણ ઉદાર હૃદયે સહભાગી થયા. આમ સૌના સહયોગથી પ્રસ્તુત પુસ્તકનું પુનઃમુદ્રણકાર્ય સાનંદ સંપન્ન થયું.
પ્રસ્તુત પુસ્તક નવલકથા કે સામાન્ય લેખનવાળું નથી. ગંભિર વિચારણાને પૂરક થતું આ પુસ્તક પ્રારંભમાં વાંચન માટે કંઈક કઠણ લાગે એવું બને તો તમને સરલ પડે તે રીતે ક્રમ બદલીને વાંચજો. એક વાર તેમાં ડૂબકી મારશો પછી રણભૂમિમાં ગ્રીષ્મઋતુમાં તૃષાતુરને શીતળ જળનો યોગ જેવી શાંતિ આપે તેમ તમને આ તાપ ઉતાપથી સંતપ્ત એવા સંસારમાં જરૂર શાંતિ પ્રદાન થશે. પ્રભુ તેમના આત્માને દીર્ધાયુષ આપે અને સૌને તેમની ઉત્તમ ચિંતનધારાનો લાભ મળે તેવી શુભભાવના સાથે વિરમું છું.
સંયોજક : સુનંદાબહેન વોહોરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org