________________
ધર્મલાભ !
મણીબહેનની સમાધિ માટે ત્યાં આચાર્ય મહારાજ પધાર્યા છે, તો મણીબહેનને ત્યાં બોલાવવાં અને આરાધના વગેરે વિશેષ આચાર્ય ભગવાનના મુખથી સાંભળવા મળે તે માટે તેમના દીકરાઓને સૂચના કરશો.
કોઈની સમાધિ જોવાથી, અનુમોદવાથી અને રખાવવા માટે આપણે પ્રયત્ન કરવાથી આપણામાં સમાધિ રાખવાના સંસ્કાર પડે છે.
મણીબહેનનું આખું જીવન લગભગ કોઈના તરફ ઓછું નહિ લાવવાથી સમાધિમય ગયું છે. તેમને જીવનના કોઈ પ્રસંગે મૂંઝવ્યાં નથી. કર્મે જે સ્થિતિમાં મૂકયાં તે બધી પરિસ્થિતિને તેમણે વધાવી લીધી છે, અને એટલે જ નવકારમાં ચિત્ત જોડી શકયાં છે. માટે તમારે પણ સમાધિ જોઈતી હોય તો તેમના જીવનમાંથી આ શીખવા જેવું છે.
અમારે વિશેષ ચિંતા મણીબહેનને સમાધિમાં રાખવાની હતી કેમકે પીડા અસહ્ય છે તેથી તે વખતે મન ચંચળ અને અશાંત બની જાય પણ હવે સંતોષ છે.
તેમણે શરીરનો રાગ રાખ્યો જ ન હતો, તપ કરતાં પણ અશક્તિને ગણકારી નથી. શરીર શરીરનું કામ કરે એમ કરીને ઉપેક્ષા જ કરી છે એટલે એમણે શરીરને કેળવી લીધું છે એટલે આ શક્તિમાં શરીરે મૂંઝવ્યાં નથી, હવે છેલ્લી સમાધિ મેળવવા માટે શરીરને પહેલેથી તૈયાર કરવું જોઈએ. શરીર અને આત્મા જુદા છે એ વિચાર હોય ત્યારે જ શરીર શરીરનું કામ કરે એ વિચાર દઢ થાય છે.
મણીબહેનને નવકાર વગેરે સ્વસ્થતાથી ગણાતા હશે, બોલી શકાતું હશે.
તેમને આટલું સાંભળવું ગમે છે તે જ ઘણું અનુમોદનીય છે. જો સાંભળનાર આવી પીડિત અવસ્થામાં પણ તૈયાર હોય તો સંભળાવનાર તો આરામમાં છે એટલે તેને તો જરાય તકલીફ નથી. તો તમે જેવી રીતે સંભળાવવાનું રાખ્યું છે તેવું ચાલુ જ રાખજો.
સર્વ જીવોની સાથે ક્ષમાપના મણીબહેનને હંમેશાં કરાવજો અને સર્વ જીવોની સાથે મૈત્રીભાવ હંમેશ ભાવવો. એ ખ્યાલ કરાવજો.
હવે સામાયિક ભાવથી કરવું. આપણા પોતાના માટે આપણો જેવો ભાવ છે તેવો સર્વ જીવો પ્રત્યે રાખવો તે સામાયિક છે. આ લાવવા માટેનો ઉપાય “બધા નીરોગી થાઓ ! સુખી થાઓ ! કોઈ દુઃખી ન થાઓ !” આવા આવા ભાવ કરવા તે છે. આવા ભાવ કરવાથી સર્વ જીવો પ્રત્યે પોતાના જેવો ભાવ આવે છે. હું કોણ?
સહજાનંદી શુદ્ધ સ્વરૂપ, અવિનાશી હું આત્મસ્વરૂપ,
દેહ વિનાશી હું અવિનાશી, પરમાનંદી પ્રેમ સ્વરૂપ.” સાધકનો અંતર્નાદ
205
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org