________________
(૧૧) નિવૃત્તિને ઉગ્ર આત્મસાધના
વિ.સં. ૧૯૪૭ થી વિ.સં. ૧૯૫૧ સુધી શ્રીમદે પ્રવૃત્તિનો પ્રબળ ઉદય વેદ્યો હતો. વ્યાપાર આદિની ઉપાધિરૂપ પૂર્વપ્રારબ્ધનો ઉદય અંતરાયરૂપ બનવા છતાં, પ્રાપ્ત થયેલી સ્વરૂપસમાધિમય આત્મદશાના કારણે તેઓ ઉપાધિથી અલિપ્ત રહી જ્ઞાનવૃદ્ધિ કરતા જતા હતા. તે સમયના પત્રોનું અવલોકન કરતાં સહેજે સમજાય છે કે શ્રીમદે પોતાના ઉપર આવી પડેલી ઉપાધિને વીતરાગપણાથી સ્વસ્થ, શાંત ચિત્તે અદા કરવાની લોકોત્તર અવસ્થા પ્રાપ્ત કરી લીધી હતી. શ્રીમદે બાહ્ય ઉપાધિ અને અંતરંગ સમાધિદશા વચ્ચે અદ્ભુત સુમેળ સાધ્યો હતો, અર્થાત્ ઉપાધિપ્રસંગમાં પણ આત્મસ્થિતિ જાળવી રાખી હતી. આ ઉદય વિ.સં. ૧૯પરમાં નબળો પડવા લાગ્યો હતો અને બાહ્ય વ્યવહાર અને ઉપાધિઓનો ભાર સહજે ઓછો થવા લાગ્યો હતો. વ્યવસાયના પ્રતિબંધો ઘણા ઓછા થવાથી શ્રીમદ્ નિવૃત્તિ માટે વિશેષ ને વિશેષ અવકાશ મળવા લાગ્યો.
વિ.સં. ૧૯૫રના મધ્યભાગથી દેહવિલય સુધી વર્ષનો મોટો ભાગ તેઓ આત્મસાધના અર્થે મુંબઈની બહાર નિવૃત્તિક્ષેત્રોમાં ચાલ્યા જતા હતા. ક્વચિત્ વ્યવસાયની સારસંભાળ અર્થે અને પોતાના નાના ભાઈ આદિને માર્ગદર્શન આપવા અર્થે વચ્ચે થોડો વખત શ્રીમને મુંબઈ જવાનું થતું, પણ મુખ્યત્વે સ્વરૂપમાં નિમગ્ન રહેવા અર્થે પહાડોમાં, જંગલોમાં કે નિર્જન પ્રદેશોમાં તેમનું રહેવાનું થતું. એકાંતમાં તેઓ સ્વાધ્યાય, ચિંતન, મનન અને ધ્યાનમાં લીન રહી; આહારનો, વસ્ત્રોનો અને ગૃહવ્યવહાર તથા વ્યવસાયના પ્રસંગોનો દઢતાપૂર્વક અપરિચય કરતા રહી; ડાંસ-મચ્છ૨, ઠંડી-ગરમી વગેરે કષ્ટો સ્વેચ્છાએ અને સમતાભાવે વેદી, આત્મભાવની વૃદ્ધિ કરતા હતા. આમ, નિવૃત્તિક્ષેત્રોમાં શ્રીમતું જીવન વિશેષ સંયમી બનતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org