________________
૬૨ સંગીતિ
ઓઢાડી શકાય ખરાં?
પશ્ચિમના લોકો વિશેષતઃ ઈહલોકવાદી છે, અને તેથી એ દષ્ટિએ તેઓ પોતાના વ્યવહારો ગોઠવે છે. તેમ કરતાં પણ તેઓ વનસ્પતિ વગેરેના સંરક્ષણનું તથા પશુ-પક્ષીઓના સંરક્ષણનું અને માનવશક્તિના સંરક્ષણનું મૂલ્ય બરાબર સમજે છે. આપણે ત્યાં જે દશા પૂજય મનાતી ગાયોની છે, તે કરતાં એ લોકના જીવનના ઉપયોગની દષ્ટિએ ગાયોની મહત્તા સેંકડો ગણી વધારે છે. આપણે ત્યાં વેપારી લોકો ખાવાની દરેક ચીજોમાં–અરે ! દવામાં સુધ્ધાં– ભેળસેળ કરીને લોકોના જીવન સાથે ખેલ કરી શકે છે, ત્યારે ઈહલોકવાદી લોકોમાં આવું વલણ જોવામાં નથી આવતું. આનું કારણ અહિંસાની સમજમાં, તેની મર્યાદા અને ઉપયોગની સમજમાં આપણું જ્ઞાન કેવળ અંધવિશ્વાસ ઉપર વિવેકહીન રીતે ટકેલ છે, ત્યારે તેમનું જ્ઞાન વર્તમાન જીવનની ઉપયોગિતારૂપ કાર્ય-કારણના પ્રત્યક્ષ નિયમને વૈજ્ઞાનિક રીતે અવલંબે છે. આ જોતાં એમનો ઇહલોકવાદ આપણા પરલોકવાદ કરતાં વિશેષ ચડિયાતો છે. તેઓ ઈહલોકને તો સુધારે છે ત્યારે આપણા તો બન્ને લોક બગડે છે.
ધર્મ સૌથી પ્રથમ ઈહલોકની શાંતિ માટે છે અને એ શાંતિને પરિણામે પરલોકની શાંતિ સુલભ છે એ સૌ કોઈએ યાદ રાખવું જરૂરી છે.
કહેવાનું તાત્પર્ય એટલું જ કે જૈન-પ્રવચનમાં તેના પ્રાદુર્ભાવની પરિસ્થિતિ પ્રમાણે અહિંસા ઉપર વિશેષ ભાર અપાયેલ છે. અને તેની સાથે સત્ય, અસ્તેય, અપરિગ્રહભાવ અને બ્રહ્મચર્ય ઉપર પણ એટલો જ ભાર અપાયેલ છે. અહિંસા અને સત્ય વગેરેમાં પરસ્પર રશ્ય-રક્ષકનો ભાવ વર્તે છે. અહિંસા ગઈ તો સત્ય વગેરે બધું જ ગયું, અને સત્ય વગેરે ગયાં તો અહિંસા પણ ગઈ જ. એમ સ્પષ્ટ કહેવામાં આવેલ છે કે પાંચ મહાવ્રતોમાંના એકનું ખંડન અટલે એ પાંચેનું ખંડન.
ધર્મ સમાજનું વર્તમાનકાલીન ધારણ-પોષણ એ સર્વસંવર્ધન કરવામાં કદી બાધક નીવડતો જ નથી. એમ હોવાથી જ તેનું “ધર્મ'નામ સાર્થક છે. જો. ધર્મ બાધક નીવડે, તો તે “ધર્મ જ ન કહેવાય, પણ ધર્મને નામે ચાલતો ભ્રાંત વ્યવહાર કહી શકાય. આ રીતે જૈન ધર્મના એક સિદ્ધાંત અહિંસા વિશે થોડી વિવેચના થઈ. અહિંસા ઉપરાંત તેના બીજા સિદ્ધાંતો સ્યાદ્વાદ-અનેકાંતવાદ, સંયમ, ગૃહસ્થધર્મ, સાધુધર્મ, આત્મવાદ, કર્મવાદ, બંધ અને મોક્ષ વગેરે વિશે પણ વિવેચના કરવાની જરૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org