________________
૫૮ • સંગીતિ ધર્મશોધકોએ પોતપોતાની રીતે બતાવેલાં છે કે સર્વત્ર સમભાવ રાખો, સર્વત્ર મૈત્રી-વૃત્તિને કેળવો, સર્વત્ર અભેદ-અદ્વૈત-ભાવના રાખો, ઈશ્વર એક પિતા છે અને પ્રાણીમાત્ર તેનાં સંતાન છે માટે સર્વની સાથે ભ્રાતૃભાવ કેળવો. આ રીતે, તમામ ધર્મના પંડિતોએ નિષેધાત્મક ધર્મની સાથે જ વિધ્યાત્મક આચરણને પણ ભારપૂર્વક ધર્મરૂપે જણાવેલાં જ છે.
જો કે તમામ ધર્મોએ અહિંસાને પ્રથમ સ્થાન આપેલ છે, અને એ અંગે માનવહિતની દષ્ટિએ વિચારણાઓ પણ કરેલ છે, છતાં જૈન ધર્મની અહિંસાની વિચારણા સર્વ પ્રાણીઓના હિત-કલ્યાણની દૃષ્ટિએ વિશેષ ગંભીર છે. આ અહિંસાની વિચારણા માણસને, પશુને, અને પક્ષીને તો સ્પર્શે છે જ, તે ઉપરાંત પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને વનસ્પતિને પણ સ્પર્શે છે.
માણસ અને પશુ-પક્ષીઓના જીવનને ટકાવવા પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને વનસ્પતિનો ઘણો મોટો ભોગ લેવામાં આવે છે, અને એ બિચારાં મૂક પ્રાણીઓના સંહારનો કોઈ પાર નથી રહેતો. માટે જૈન ધર્મે જ આ વાત કહી છે, કે પૃથ્વી વગેરે જીવોના સંહારની મર્યાદા રાખવી ઘટે. અને જે માનવ આવી મર્યાદા રાખે તેણે પોતાના જીવનને પણ મર્યાદામાં જ રાખવું ઘટે. માનવ પોતાના જીવનને મર્યાદામાં ન રાખે, તો અહિંસાના આચરણનો સંભવ જ નથી. તેથી માનવ, પશુ-પક્ષી વગેરે તમામ નાના મોટા જીવો તરફની મૈત્રીવૃત્તિનું પણ જૈન ધર્મે ખાસ સમર્થન કરેલ છે.
ભલે જૈન લોકો તેને બરાબર ન પાળે અથવા તો વિપરીત રીતે પાળીને ધર્મ આચર્યાનો સંતોષ માને, પણ જૈન ધર્મના શોધકોએ તો પોતે જેમ કહેલ છે તેમ આચરેલ પણ છે અને શાસ્ત્રોમાં પણ ઢંઢેરો પિટાવીને સ્પષ્ટ કહે છે કે પરિગ્રહને પ્રધાનસ્થાને રાખનારાઓ ભાગ્યે જ ખરા અર્થમાં જૈન ધર્મ દ્વારા સૂચવાયેલ અહિંસાને પાળી શકવાના. આ રીતે, જૈન ધર્મના શોધકોએ તમામ અશાંતિના મૂળરૂપે સંગ્રહવૃત્તિને જ ગણાવેલ છે. અને એ સંગ્રહવૃત્તિને રોકવા સારુ અહિંસા વગેરે પાંચ યમોના આચારણની ભાર દઈને ભલામણ કરેલ છે.
જે વ્યક્તિ યા સમાજ આ પાંચે યમોનું આચરણ કરવાની ભાવના રાખે તેણે સંગ્રહવૃત્તિને મર્યાદામાં જ રાખવી ઘટે, અને જે વ્યક્તિ યા સમાજ સંગ્રહવૃત્તિને મર્યાદામાં રાખી શકે છે તે જ આ પાંચ યમોને ખરા અર્થમાં આચરી શકે છે. દાન, શીલ, તપ અને ભાવ એટલે ચિત્તશુદ્ધિ એ ચારને પણ ધર્મના મૂળ રૂપે વર્ણવેલાં છે; તે પણ અહિંસાદિ પાંચે યમોના પાલન અર્થે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org