________________
૪૬ • સંગીતિ શલ્યોને દૂર કરવાના એકમાત્ર હેતુને પ્રધાન રાખીને પરમેશ્વરની ભક્તિ કરતો હશે–એમ કહેવામાં કશી અનુચિતતા જણાતી નથી. શલ્યો દૂર કરવાનાં અને શલ્યોનું જોર નરમ પાડવાના ઉપાયો માટે વિચાર કરીએ તો સ્પષ્ટ જણાશે કે જ્યારે આપણે નાના બાળક હતા ત્યારે એ શલ્યોનાં બીજ આપણામાં હતાં જ; પણ સરળ બાળસ્વભાવને લીધે એ બીજો જોર પકડતાં નહોતાં. પણ જેમ જેમ આપણે મોટા થતા ગયા અને આપણાં ઉછેરનાર માતાપિતા ભાઈ-બહેન વગેરેની રીતભાતો આપણે જોતા ગયા, આપણા આખા કુટુંબની ક્લેશમય અને સ્વાર્થસાધુ પ્રવૃત્તિ આપણા ધ્યાનમાં આવતી ગઈ અને આપણા આડોશી-પાડોશીની તથા આખી જાતિ કે સમાજની પણ આવી પ્રવૃત્તિને આપણે વારંવાર જોતા રહ્યા, એટલે એ બીજભૂત શલ્યો. અંકુરિત થવા લાગ્યાં. અને જેમ જેમ આવું વાતાવરણ આપણા ધ્યાનમાં દઢ થતું ગયું, તેમ તેમ એ અંકુરો મોટાં વૃક્ષ બની ફળ આપવા સુધી પહોંચી ગયા અને એ ફળો આપણને મીઠાં પણ લાગવા માંડ્યાં–પછી ભલે ને બીજી વ્યક્તિને વા કુટુંબને વા સમાજને કે આપણાં પાલક માતા-પિતાને સુધ્ધાં એ આપણને સુખકારી લાગતાં ફળો કડવાં જણાતાં હોય વા દુઃખકારી જણાતાં હોય વા તેમને ગમે તેમ પ્રતિકૂળ થતું હોય, તો પણ આપણે તે ફળોમાં જ લટું થવા લાગ્યા. પરિણામે, આપણે ખુદ અશાંત બની ગયા અને આખું જગત અશાંત બની ગયું.
કહેવાનું તાત્પર્ય એ છે કે આપણી ટેવો આપણને જ હાનિ થાય એવી પાડવા લાગ્યા અને બીજાને હાનિ પહોંચાડવા લાગ્યા. હવે જયારે સમજણા થયા છીએ ત્યારે એ બાળપણની ટેવોમાં સુધારો કર્યા વિના અને તે પણ બહારથી સુધારો નહિ પણ અંતરમાં સુધારો કર્યા વિના કોઈ વ્યક્તિ કે સમષ્ટિને સુખસમાધાનનો સંભવ નથી એમ અનુભવ સાથે સમજીને સુધારો કરવાના દઢ સંકલ્પ સાથે અભ્યાસ કે નવી ટેવ પાડવાનો પ્રયત્ન કરીને એ જૂની ટેવોમાં સંશોધન કરવા પ્રબળ પુરુષાર્થ કરીશું તો જ આપણે ખરું સુખ, ખરી પ્રસન્નતા અને ખરા સમાધાનને પામવાના છીએ. જે કાંઈ થયું છે તે આપણી ટેવોને લીધે થયેલ છે અને જે કાંઈ હવે નવું કરવાનું છે તે આપણી ટેવોમાં સંશોધન કરીને કરવાનું છે; એટલે ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણો એ ન્યાયને ધ્યાનમાં રાખી હૃદયપૂર્વક અને દઢ સંકલ્પપૂર્વક ક્ષમા અને ક્ષમાપનાની ટેવ પાડીએ તો આ જગતમાં આપણે ફરીથી જરૂર દિવ્ય આનંદ અનુભવીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org