________________
ક્ષમા તથા ક્ષમાપના • ૪૧ જવાલાઓમાં શેકાયા કરે છે. જો કે એ આવેગોથી માણસ કંટાળતો નથી એમ પણ નથી, અને એવો કંટાળેલો તે શાંતિ, સંતોષ કે સમાધાન મેળવવા ફાંફા મારતો રહે છે; એટલે એ આવેગોને નિષ્ક્રિય બનાવવા તે વળી વધારે વિલાસો તરફ ઝૂકે છે; દારૂ, ગાંજો, અફીણ, સિગાર-બીડી, ચા વગેરે વ્યસનોનો આશરો લે છે, જુદી જુદી જાતની ક્લબો કાઢી તેમાં રસ ધરાવવા માંડે છે અને એ ક્લબો સેવાધર્મનાં સાધનો છે એમ સમજી તેમાં અનર્ગળ ધન તથા શક્તિ વેડફે છે, જરૂરિયાતો વિશેષ વધારી મૂકે છે તથા દેવ-દેવીઓનાં મોટાં મોટાં મંદિરો ઊભાં કરી તેમાં પોતાના સ્વચ્છંદને પોષે એવી ધામધૂમોવાળા મોટા મોટા ઉત્સવો ગોઠવવા મથતો હોય છે.
આ રીતે આટલી બધી ધમાલ, ધમાધમ કર્યા પછી પણ સાચી સ્વસ્થતા, ન ટળે એવી શાંતિ કે સંતોષ-સમાધાન મળતાં હોય તેમ કોઈ અનુભવતું જણાતું નથી. ખરી રીતે તો જ્યાં સુધી ભારેલા ભડકા જેવા દુસંસ્કારોરૂપ શલ્યો ચિત્તમાં સ્થિરવાસ કરીને બેઠેલાં છે, ત્યાં સુધી અદમ્ય સામર્થ્યવાળો પણ મનુષ્ય એ શલ્યોને દૂર કરવાના એક પ્રબળ સંકલ્પ સિવાય બીજા ગમે તે ઉપાયો અજમાવે પણ શાંતિ, સંતોષ કે સમાધાન મેળવી શકનાર નથી જ નથી. કેટલાક લોકોને એમ પણ કહેતા સાંભળ્યા છે કે“બળ્યું આ જગત અને બળ્યો આ જગતનો સંબંધ, આ બધું છોડીને જંગલમાં જતા રહેવું, સંઘર્ષથી દૂર દૂર ભાગી છૂટવું, સંન્યાસ લઈ લેવો, ફકીરી ધારણ કરવી કે દીક્ષા સ્વીકારી લેવી; એટલે બધી જ જંજાળ ખતમ. માથા ઉપર કશી જવાબદારી જ ન રાખવી એટલે સંઘર્ષ શું કરી શકવાનો હતો ?” આનો અર્થ તો એ થયો કે જે જે જવાબદારીઓ ઊભી કરેલ છે એટલે કે કુટુંબની જવાબદારી, પતિ-પત્નીની જવાબદારી, માતાપિતા તથા બાળકોના સંરક્ષણની જવાબદારી, બાળકોના સંવર્ધન તથા શિક્ષણની જવાબદારી અને આ સિવાયની બીજી બધી લેણદેણ વગેરેની વ્યાવહારિક જવાબદારી તથા જીવનની વ્યવસ્થા અને નિભાવ માટે પરસેવો પાડી પરિશ્રમ કરીને વિવિધ સાધનોને ઊભાં કરવાની જવાબદારી–એ બધું જ ફગાવી દેવું. મારી સમજ પ્રમાણે શાંતિ, સંતોષ કે સમાધાન માટે આ ઉપાય પણ કારગત નીવડેલ નથી એ હકીકત વર્તમાન સાધુ-સંન્યાસીનો સમૂહ જ સૂચવી રહેલ છે. ઘડીભર એમ માની લઈએ કે જવાબદારીઓને ફગાવી દેનારા દેખાવમાં ભલે સુખ-શાંતિ અનુભવતા હોય, પણ જયાં સુધી તેમનાં મનોમંદિરમાં ય પેલાં દુસંસ્કારરૂપ માનસિક શલ્યો ઘર કરીને બેઠાં છે, ત્યાં સુધી તો એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org