________________
એ પંડિતજીના માટે ક્રાન્તદર્શનનો અને એમના દિલમાં ક્રાંતિની ભાવનાને સજીવન કરવાનો સમય ગણી શકાય. આ પછી તો પંડિતજીને થયું કે જૈન સંસ્કૃતિનો અભ્યદય કરવો હોય તો એ સંસ્કૃતના મૂળ ગ્રંથોનો અનુવાદ કરીને એને સર્વજનસુગમ બનાવી દેવા જોઈએ.
બનારસમાં આ ઇચ્છા પૂર્ણ થઈ શકે એમ ન લાગ્યું. એટલે સંવત ૧૯૭૦-૭૧ લગભગમાં અમદાવાદના શેઠ પૂંજાભાઈ હીરાચંદે સ્થાપેલ જિનાગમ પ્રકાશન સભામાં જોડાયા. જૈન આગમોનાં પ્રમાણભૂત ભાષાંતરો તૈયાર કરાવવાં એ સંસ્થાનો મુખ્ય ઉદેશ હતો. પણ જૈન સંઘમાં તે કાળે આગમોના અનુવાદ સામે ભારે વિરોધ પ્રવર્તતો હતો. ઉદાર વિચારના કે સુધારક દિલના આગળ પડતા કહેવાતા સાધુઓ અને ગૃહસ્થોને પણ આ વાત રચતી ન હતી. આ દરમ્યાન અમદાવાદમાં મહાવીર જયંતીની એક સભામાં પંડિતજીએ આગમોના અનુવાદની જરૂર સંબંધી પોતાના વિચારો સ્પષ્ટપણે વ્યક્ત કર્યા. પરિણામે એની સામેનો વિરોધ વધુ ઉગ્ર બન્યો. એ કાળે તો આવો વિરોધ મારપીટ સુધી આગળ વધી જવાની પણ દહેશત રહેતી. પણ પંડિતજી પોતાની વાતને મક્કમપણે વળગી રહ્યા અને મુંબઈમાં રહીને આ કામ કરવા લાગ્યા.
આ દરમિયાન તા. ર૧-૧-૧૯૧૯ના રોજ મુંબઈમાં માંગરોળ જૈન સભાના આશ્રયે વસ્તૃત્વ પ્રચારક મંડળના મંત્રીના આમંત્રણથી, શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયાના પ્રમુખપદે “જૈન સાહિત્યમાં વિકાર થવાથી થયેલી હાનિ” એ વિષય ઉપર જાહેર ભાષણ આપ્યું અને આખા જૈન સંઘમાં વિરોધનો એક ભારે વંટોળ જાગી ગયો. પણ જે વિચારકો હતા તેમને એ ભાષણે ભારે વિચાર કરતા કરી મૂક્યા.
આ ભાષણ એ પંડિતજીના જીવનના એક મહત્ત્વના સીમાસ્તંભરૂપ લેખાય છે. આના લીધે તો અમદાવાદના સંઘે પંડિતજીને સંઘ બહાર કરવા જેટલું બહુમાન આપ્યું પણ પંડિતજીને મન નગ્ન સત્ય કહેવાના લાભની આગળ આ વિરોધ કંઈ વિસાતમાં ન હતો. લોકનિંદા કે લોકપ્રશંસાને મહત્ત્વ આપીએ તો સત્યને ન પિછાણી શકાય કે ન પ્રચારી શકાય, એ સિદ્ધાંત પંડિતજીના મનમાં દઢ રીતે વસી ગયો હતો.
આ દરમ્યાન પંડિતજીને પૂ. મહાત્મા ગાંધીજીનો સમાગમ થયો. એક વિદ્વાનને આવા ઉત્કટ સત્યપ્રેમી જોઈને ગાંધીજીએ એમને આશીર્વાદ આપ્યા, એને પોતાની વાતથી પાછા નહીં હઠવા કહ્યું..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org