________________
આમુખ આજના યુગમાં પ્રત્યેક ધર્મ કે દાર્શનિક વિચારધારાના વૈજ્ઞાનિક દષ્ટિએ અભ્યાસ કરવાની વૃત્તિ પ્રબળ બની છે. તત્ત્વમીમાંસા અને ધાર્મિક આચારવિચારના નિયમો મનુષ્યના આંતર-બાહ્ય જીવનના વિકાસમાં કેવી રીતે ઉપયોગી બની શકે છે તે હકીકતને બુદ્ધિ અને તર્કની રીતે તપાસવા મનુષ્ય પ્રેરાય છે. સૃષ્ટિની સંરચના, ઈશ્વરનું અસ્તિત્વ, આત્મા અને પુનર્જન્મ – વગેરે વિશે તર્કગ્રાહ્ય સિદ્ધાંતોને જ સ્વીકારવાની તેની નેમ છે.
જૈનદર્શને સૃષ્ટિની ઉત્પત્તિ માટે પોતાની આગવી દષ્ટિકોણ રજૂ કર્યો છે. જૈન મત અનુસાર સૃષ્ટિની રચના જીવ અને અજીવ નામનાં મુખ્ય બે વ્યોમાંથી થઈ છે. અજીવના પાંચ પ્રકાર છે : પુદગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ – આ છે દ્રવ્યોમાંથી જ વિશ્વનું સ્વરૂપ સર્જાયું છે. કુંદકુંદાચાર્યે આ પંચાસ્તિકાય' ગ્રંથમાં કાળ સિવાયના પાંચ ‘અસ્તિકાય’ વિશે વિશદ નિરૂપણ કરીને જૈન તત્ત્વવિજ્ઞાનનો . વિશેષ પરિચય આપ્યો છે. જૈન આચાર્ય પરંપરામાં વિશિષ્ટ સ્થાન ધરાવતા શ્રી કુંદકુંદાચાર્યના પંચાસ્તિકાય, પ્રવચનસાર અને સમયસાર – એ ત્રણ ગ્રંથોને ખૂબ મહત્વના ગણવામાં આવે છે. તે ત્રણ ગ્રંથોને કુંદકુંદાચાર્યનાં ત્રણ રત્નો' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાંનો એક ગ્રંથ 'પંચાસ્તિકાય'નો ગુજરાતી અનુવાદ અને સમજૂતી મૂળ ગાથાઓ સાથે અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ અને જિજ્ઞાસુઓને માટે જેનવિદ્યાના અભ્યાસમાં તે માર્ગદર્શક બની શકે તેમ છે. સામ્પ્રત સમયમાં જૈન વિદ્યાના વૈજ્ઞાનિક અભિગમને સમજવા માટે પણ આ ગ્રંથ ઉપયોગી છે.
જૈન ધર્મે ભારતની પરંપરા અને સંસ્કૃતિને પોતાના વિશિષ્ટ પ્રદાનથી સમૃદ્ધ કર્યા છે. અહિંસા, અનેકાન્ત અને અપરિગ્રહના સિદ્ધાંતોની આજે અપરિહાર્ય મહત્તા છે. ધાર્મિકતા અને સામ્પ્રદાયિક રીતિ-નીતિએ ઊભા કરેલા અનેક પ્રશ્નોનો ઉત્તર જૈનદર્શનના સૃષ્ટિની ઉત્પત્તિ વિશેના અને આચારવિચારના કેટલાક વૈજ્ઞાનિક નિયમો દ્વારા આપી શકાય તેમ છે. આ ગ્રંથનું સંપાદન પ્રાધ્યાપક નિરંજના વોરાએ કર્યું છે. ગૂજરાત વિદ્યાપીઠના આંતરરાષ્ટ્રીય જૈનવિદ્યા અધ્યયન કેન્દ્રમાં શીખવાતા જૈનતત્ત્વજ્ઞાનના પારંગતના પાઠ્યક્રમને આ પુસ્તક ઉપયોગી થશે એવી આશા છે.
રામલાલ પરીખ
કુલપતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org