________________
૭ઃ ભવનિર્વેદનું મહત્ત્વ
શાસન એક્વીસ હજાર વર્ષ રહેવાનું છે, પણ તે શી રીતે?
ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજીએ મંગલાચરણ કરતાં, તીર્થની પ્રશંસા કરીને એમ બતાવ્યું કે આ તીર્થ સદાને માટે જયવંત છે અને અમુક ક્ષેત્રમાં જ્યાં સુધી એ રહેવાનું છે ત્યાં સુધી જયવંત જ રહેવાનું છે : કારણ કે એનામાં એક પણ અયોગ્ય વિચારને સ્થાન નથી, તેમજ એક પણ સુયોગ્ય વિચારનો બહિષ્કાર પણ નથી. તેના સિદ્ધાંતો અનેક રીતે એવા સિદ્ધ થયેલા છે કે તેને સેવનારો જરૂર સંસારથી મુક્ત થાય જ : માટે જ તે તીર્થ આ વિશ્વમાં શાશ્વત કાળ સુધી રહેવાનું છે. દુનિયામાં એની સરખામણીમાં ઊભું રહી શકે એવું કોઈ તીર્થ નથી અને માટે સઘળા શ્રી જિનેશ્વરોથી શરૂઆતમાં નમસ્કાર કરાયેલું છે. એ તીર્થ પામેલાઓએ પોતાની જાતના ભલા માટે, આત્માના કલ્યાણની ખાતર, એને અખંડિતપણે સેવવા-સાચવવા માટે, જેટલી શક્તિ હોય તેટલી વાપરી નાખવી જોઈએ.
આ તીર્થમાં પોતાના ભલાપણાની ક્રિયામાં સામાનું ભલું પણ એકાંતે સમાયેલું છે, એમાં કશો શક છે જ નહિ. એક એક વ્રતનો વિચાર કરો. આપણે અહિંસક બનીએ તે એટલા જ માટે કે કોઈપણ પ્રાણીને ઈજા ન થાય : આપણે મૃષાવાદનો ત્યાગ એટલા માટે જ કરીએ કે કોઈને પીડા ન થાય : કોઈ ચીજ અનુમતિ વિના ન લેવી, કારણ કે લઈએ તો સામાને દુઃખ થાય. અબ્રહ્મમાં તો અનેક જીવોનો સંહાર બેઠેલો છે, માટે એનો ત્યાગ ન કરીએ તો એ સંહારના ભાગીદાર થઈએ : પરિગ્રહના યોગે અનેક આત્માને તકલીફમાં મૂકવા પડે છે તે ન મૂકવા પડે, માટે પરિગ્રહનો ત્યાગ.
જે જે ક્રિયાઓ પોતાના કલ્યાણ માટે યોજાએલી છે, તે બધી ક્રિયાઓમાં પોતા સાથે પારકાનું ભલું નિયત છે. સામાને પાપથી રોકવાના પ્રયત્નમાં પણ ભાવના એ કે એ દુર્ગતિએ ન જાય. જેનશાસનમાં એવી કઈ ક્રિયા છે, કે જેમાં પોતાના ભલા સાથે પારકાનું ભલું ન હોય ? પરંતુ વાત એ છે કે વસ્તુ વસ્તુ તરીકે જચવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org