________________
૩
કટાસણાં ઘસી નાખ્યા છતાં કષાયો કે વિષયો કેટલા ઘટયા ? ધર્મનો આપણી સાથે સંબંધ કેવો છે ? કોટ જેવો, ઝભ્ભા જેવો કે લોહી જેવો ? આપણે ધર્મને કોટ-ઝભ્ભો બનાવી દીધો છે. ઘરની બહાર નીકળીએ એટલે ઝભ્ભો કે કોટ પહેરીને નીકળીએ અને ઘરમાં આવીએ કે દુકાને બેસીએ એટલે ઉતારીને ખીલીએ ટીંગાડી દઈએ છીએ. તેમ આપણે દહેરાસર કે ઉપાશ્રય વગેરે ધર્મસ્થાનોમાં જઈએ એટલે ધર્મનો ઝભ્ભો પહેરી લઈએ છીએ અને ઘેર આવીએ કે બેસીએ ત્યારે એ ધર્મના ઝભ્ભાને ઉતારીને ટીંગાડી દેવાનો બરાબરને !
દુકાને બેસીને અનેકને શીશામાં ઉતારતો હોય... અનેકને નવડાવતો હોય અને કોઠાં-કબાડાં (કાળાં-ધોળાં) કરતો હોય આવા માણસને ધર્મી કહેવો કેવી રીતે ? શાસ્ત્રકારો તો કહે છે કે ધર્મ સાથે આપણો સંબંધ લોહી- માંસ જેવો હોવો જોઈએ. ઘરમાં આવીએ તો કાંઈ લોહી કાઢીને શીશામાં ભરી મૂકી દેવાય ખરું ? ચોવીશે કલાક લોહી-માંસ આપણી સાથે જ છે તેમ ધર્મ આપણા જીવનમાં લોહી-માંસની જેમ વણાઈ જવો જોઈએ.
દુનિયાના દરેક ક્ષેત્રે કોઈ પણ કાર્ય કરવું હોય તો માણસમાં યોગ્યતા હોવી જોઈએ. અરે ! એક ભિખારીને પણ રોટલાનો ટુકડો મેળવવા માટે મીઠાં-મીઠાં વચનો બોલવા પડે છે. એ તમારે ત્યાં આવીને તમારી પાસે બળજબરીથી ભીખ માંગે તો તમે આપો ખરા ? કેટલાયે કાલાવાલા કરે ત્યારે ભિખારી એક રોટલીનો ટુકડો પામે છે. આમ મીઠાં વચનો બોલવાની યોગ્યતા જો એના જીવનમાં ન હોય તો ભીખ મળે નહીં... તો પછી ધર્મ જેવા મહાદુર્લભ રત્નને મેળવવા યોગ્યતા તો જોઈએ ને !
અક્રૂરતા ઃ
શાસ્ત્રકારો ધર્મને યોગ્ય શ્રાવકના ગુણોનું વર્ણન કરી રહ્યા છે તેમાં આપણે ચાર ગુણો જોઈ ગયા હવે ધર્મને યોગ્ય શ્રાવકનો પાંચમો ગુણ અક્રૂરતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org