________________
કર્મનો સિદ્ધાંત રજોગુણી જીવ બૈરી-છોકરાંની સેવા-ચિંતામાં એક દિવસ ભૂખ્યો રહી પ્રારબ્ધ ભોગવી લે. તે ન તો નવું પુણ્ય પેદા કરે, ન તો નવું પાપ પ્રાપ્ત કરે.
તમોગુણી જીવ ક્લેશ, કંકાસ, કકળાટ દ્વારા એક દિવસ ભૂખ્યો ટિચાય અને તે રીતે પ્રારબ્ધ ભોગવી લેતાં થોડું નવું પાપ પણ પેદા કરે જેથી કરીને તેનું એક નવું ક્રિયમાણ કર્મ બને, તે ફરીથી પાકીને પ્રારબ્ધ બનીને સામે આવે.
ક્રિયમાણ કર્મ પાકીને ફળસ્વરૂપે પ્રારબ્ધ થઈને સામું આવે તે ભોગવવું જ પડે. પરંતુ સત્ત્વગુણી જીવ, રજોગુણી જીવ અને તમોગુણી જીવ, ત્રણેયની પ્રારબ્ધ ભોગવવાની રીત ઉપર જણાવ્યા પ્રમાણે અલગ અલગ હોય છે.
ધારો કે મેં એક પવિત્ર ક્રિયમાણ કર્મ કર્યું. તેના ફળ સ્વરૂપે પાકને પાંચસો રૂપિયા મળવાનું મારું પ્રારબ્ધ નિર્માણ થયું. આ પ્રારબ્ધ હું જ્યાં સુધી ભોગવું નહિ ત્યાં સુધી આ પાંચસો રૂપિયા મારી પાછળ પાછળ ભમ્યા જ કરે. મને પાંચસો રૂપિયા મળે ત્યારે જ તે પ્રારબ્ધ ફળ ભોગવાવીને શાંત થાય.
એક દિવસ રાત્રે બાર વાગ્યે એક માણસ મારે ઘેર આવીને મારા રૂમની સાંકળ ખખડાવીને મને ઉઠાડે અને મને કહે કે આ પાંચસો રૂપિયા (લાંચના) લો અને મારા બાપની જમીનમાંથી મારા ભાઈનો હક્ક ડુબાડીને એ બધી જમીન મારા ખાતે દાખલ કરી દો. જો હું તમોગુણી જીવ હોઉં તો આ પાંચસો રૂપિયા લઈ તેની ગેરકાયદેસરની માગણી પ્રમાણે તેને લાભ કરી આપું. એ પ્રમાણે મારું પ્રારબ્ધ પાંચસો રૂપિયા મેળવવાનું મેં ભોગવી લીધું અને મારું પહેલું ક્રિયમાણ કર્મ પ્રારબ્ધ બનીને ફળ આપીને શાંત થઈ ગયું. પરંતુ સાથે સાથે મેં એક નવું પાપકર્મ પેદા કર્યું, જે કર્મ પાકીને પ્રારબ્ધરૂપે એક દિવસ મારા સામે અવશ્ય આવશે જ અને મારે તે ભોગવવું જ પડશે.
હવે જો હું તમોગુણી જીવ ન હોઉં તો હું પાંચસો રૂપિયા લાંચના લેવાની સ્પષ્ટ ના પાડું. તો પણ આ પાંચસો રૂપિયા કોઈ પણ પ્રકારે મને અપાવ્યા સિવાય મારું ક્રિયમાણ કર્મ પ્રારબ્ધરૂપે મને ફળ આપ્યા સિવાય શાંત થાય જ નહિ. આ પાંચસો રૂપિયા મારી પાછળ પાછળ ભમ્યા જ કરે. એક દિવસ ગરજવાળો માણસ મારી પાસે આવે અને મારે મકાન મેં ૩૦૦૦ રૂપિયામાં વેચવાનું નક્કી કર્યું છે તેના રૂપિયા ૩,૫૦૦ મને આપીને સોદો કરે છે. આ રીતે હું રજોગુણી જીવ હોઉં તો મને પાંચસો રૂપિયા અપાવીને મારું ક્રિયમાણ કર્મ પ્રારબ્ધરૂપે મને ફળ ભોગવાવીને શાંત થાય.
પરંતુ જો હું રજોગુણી જીવ ના હોઉં તો હું વચનથી બંધાયા પ્રમાણે ૩૦૦૦ રૂપિયાથી વધુ રકમ લેવાનો ઈન્કાર કરું અને તે પ્રમાણે પાંચસો રૂપિયા વધારાના લેવાની ના પાડું. તે વખતે મારું પ્રારબ્ધ પાછું ઠેલાય તો પણ આ પાંચસો રૂપિયા મને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મારું ક્રિયમાણ કર્મ મારો છાલ છોડે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org