________________
‘દ્વાત્રિંશદ્વાત્રિંશિકા' ગ્રંથની ‘યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા'ના શબ્દશઃ વિવેચનના સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક
શ્રુતસદનના સૂત્રધાર મહોપાધ્યાયજી મહારાજા :
અઢારમી સદીનો જિનશાસનનો ઇતિહાસ પૂ. ઉપાધ્યાયજી શ્રીયશોવિજયજી મહારાજના આગમનથી ગૌરવવંતો બન્યો છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ જન્મ્યા ન હોત, તો આજે ‘કનોડા’નું જે સ્થાન-માન છે, એ ક્યારનુંય નામશેષ થઈ ચૂક્યું હોત અને જગતમાં જન્મીને મૃત્યુશય્યાએ પોઢતાં કંઈ નર-નારીઓની જેમ આજે નારાયણ ને સોભાગદે પણ ઇતિહાસમાં સ્થાન પામ્યા વિના ભૂંસાઈ ગયાં હોત !
આજે ‘કનોડા’નું નામ આવતાં જ ઇતિહાસનાં તેજસ્વી પૃષ્ઠો યાદ આવી જાય છે અને નારાયણ ને સોભાગદેનું નામ યાદ આવતાંની સાથે જ પૂજ્યભાવ ઉત્પન્ન થાય છે.
પૂ. ઉપાધ્યાયજી મહારાજ સમર્થ દાર્શનિક વિદ્વાન હોવા સાથે અત્યંત નમ્ર પણ હતા. પોતાના પરમ ગુરુદેવ શ્રીનયવિજયજી મહારાજને એમણે લગભગ પોતાની દરેક કૃતિમાં ભક્તિપૂર્વક યાદ કર્યા છે. સંસ્કૃત-પ્રાકૃતનો કોઈ મહાન ગ્રંથ હોય કે નાની મોટી કોઈ ગુજરાતી કૃતિ હોય, પણ એમાં પ્રાયઃ પોતાનો ઉલ્લેખ ‘શ્રીનયવિજય ચરણ સેવક' તરીકેનો એમણે કર્યો છે.
સર્જનની સરવાણીના મૂળ ઉગમ(ઉદ્ગમ)સ્થળ પરથી પણ ઉપાધ્યાયજી મહારાજની દૃષ્ટિ ક્યારેય હઠી નથી, દરેક કૃતિનો આરંભ એમણે ‘હૂઁ નમઃ’ દ્વારા સરસ્વતીદેવીના બીજમંત્રના સ્મરણથી કર્યો છે. એકલા સર્જનમાં નહિ, સંશોધનમાં પણ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે ૨સ દાખવ્યો છે. ધર્મસંગ્રહ ને ઉપદેશમાલા જેવા ઉત્તમ ગ્રંથો એમની છાપ પામીને વધુ શ્રદ્ધેય બન્યા છે.
આમ, શ્રીજિનશાસનના ગગનમાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ અમર બની ગયા છે, અને જ્ઞાન, દર્શન અને ચારિત્રની ત્રિવેણીને તટે ઊભરતું એમનું તેજોમયી વ્યક્તિત્વ અનેક ભૂલ્યા રાહીને માટે પ્રકાશના સ્તંભરૂપ બન્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org