________________
સદ્દષ્ટિદ્વાત્રિશિકા/બ્લોક-૨૩-૨૪-૨૫
આવા પ્રકારનું જે જ્ઞાન છે તે શાંત-ઉદિત-પ્રત્યયવાળું છે, અને આવું જ્ઞાન સર્વ જીવોને સદા વર્તતું હોય છે, કેમ કે કોઈ એક પદાર્થનું જ્ઞાન કરે છે ત્યારે પૂર્વના જ્ઞાનનો વિચાર શાંત થાય છે, અને વર્તમાનમાં જે જ્ઞાનનો ઉપયોગ છે, તે સ્કુરિત થાય છે; પરંતુ જ્યારે એકરૂપ આલંબનથી શાંત-ઉદિત પ્રત્યય થાય છે, ત્યારે એકાગ્રતા હોય છે અર્થાત્ કોઈ એક વસ્તુ ઉપર ચિત્તને સ્થાપિત કરીને પૂર્વનો ઉપયોગ શાંત થાય અને વર્તમાનનો ઉપયોગ ઉદિત થાય, ત્યારે તે ચિત્ત એકાગ્ર કહેવાય, અને તે ચિત્તમાં એકાગ્રતા રહે છે; અને આ એકાગ્રતા સંસારી જીવોને રાગાદિથી પદાર્થને જોતા હોય ત્યારે પણ હોઈ શકે. તેની વ્યાવૃત્તિ માટે કહે છે કે સમાહિત ચિત્તમાં અન્વયવાળી એકાગ્રતા અહીં ગ્રહણ કરવાની છે.
તેથી એ ફલિત થાય કે સર્વાર્થતાના પરિણામોનો અત્યંત અભિભવ થાય, અને કોઈ એક વસ્તુનું આલંબન કરીને તવિષયક ચિત્ત એકાગ્રપરિણામવાળું હોય, અને તે વખતે ચિત્તમાં સમાધિનો પરિણામ અન્વયી હોય, તેવી એકાગ્રતા અહીં ગ્રહણ કરવાની છે; અને આવી એકાગ્રતા સમાધિકાળમાં વર્તતી હોય છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે સંસારી જીવોમાં આર્તધ્યાન કે રૌદ્રધ્યાનકાળમાં જે એકાગ્રતા આવે છે, તે એકાગ્રતામાં સર્વાર્થતાનો ક્ષય નથી; અને સમાધિકાળમાં જે એકાગ્રતા આવે છે, તેમાં સર્વાર્થતાનો ક્ષય છે. આથી જ સંસારી જીવો વિષયોમાં એકાગ્ર થયા પછી ચલચિત્તવાળા થાય છે ત્યારે, સર્વ પદાર્થોમાં ચિત્ત ભટકતું હોય છે; અને સમાધિકાળમાં જે એકાગ્રતા આવે છે, તે વખતે સર્વાર્થતાનો અત્યંત ક્ષય થયેલો હોય છે, તેથી સમાધિવાળું ચિત્ત સદા સર્વાર્થતાના પરિણામ વગરનું બને છે. સંક્ષેપ -
(૧) સંસારી જીવોની વિષયોમાં વર્તતી એકાગ્રતા વખતે વિક્ષેપનો અભિભવ નથી, (૨) યોગીઓ જ્યારે ચિત્તનો નિરોધ કરે છે, ત્યારે વિક્ષેપનો તિરોભાવ છે અને (૩) યોગીઓ જ્યારે સમાધિ પ્રાપ્ત કરે છે, ત્યારે વિક્ષેપનો અત્યંત અભિભવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org