________________
મિત્રાદ્ધાત્રિશિકા/શ્લોક-૬
(૫) અપરિગ્રહયમની સિદ્ધિનું ફળ :- કોઈ યોગી અપરિગ્રહયમનો અભ્યાસ કરતા હોય અને તેનું સેવન કરતાં કરતાં આ યમ સુઅભ્યસ્ત બને ત્યારે તેઓનું ચિત્ત વિશિષ્ટ પ્રકારનું નિર્વિકારી બને છે, જેનાથી જ્ઞાનનાં આવરણો ખસે છે અને તેનાથી પૂર્વ-અપર જન્મની ઉપસ્થિતિ કરી શકે તેવું જ્ઞાન તે યોગીમાં પ્રગટે છે. આથી તેવા યોગીને જિજ્ઞાસા થાય કે “હું પૂર્વભવમાં કોણ હતો ? કયા સ્વરૂપવાળો હતો? કેવાં કાર્ય કરતો હતો ?” તો આ સર્વ જાણી શકે છે. આ સમ્યજ્ઞાનથી જેમ તે યોગી પૂર્વભવનું જાણી શકે છે, તેમ હવે પછીના ભવનું પણ જાણી શકે. માટે આ જ્ઞાન જાતિસ્મરણરૂપ નથી પરંતુ આવરણના વિગમનને કારણે પ્રગટ થયેલ મતિવિશેષરૂપ છે.
અહીં પ્રશ્ન થાય કે અપરિગ્રહયમ સાથે પૂર્વ-અપર જન્મની ઉપસ્થિતિને શું સંબંધ છે? તેથી પરિગ્રહ શબ્દથી દેહનું પણ ગ્રહણ થાય છે તે બતાવીને દેહ સાથે સંબંધવાળા એવા પુર્વ-અપર જન્મનો બોધ થાય છે તે બતાવવા કહે છે –
અહીં “પરિગ્રહ’ શબ્દથી ભોગના સાધનભૂત માત્ર બાહ્ય પરિગ્રહ ગ્રહણ કરવાનો નથી, પરંતુ શરીરને પણ પરિગ્રહરૂપે ગ્રહણ કરવાનું છે; અને જે યોગીને ભોગનાં સાધનો અને યાવત્ શરીર પ્રત્યે પણ અપરિગ્રહયમના અભ્યાસને કારણે રાગ દૂર થાય છે, ત્યારે તેના કારણે તે યોગી અંતર્મુખ પ્રવૃત્તિ કરે છે અને અંતર્મુખ પ્રવૃત્તિને કારણે તે યોગીને દેહસંબંધી વિશેષજ્ઞાન પ્રગટે છે. તેથી જો તેને જિજ્ઞાસા થાય કે “પૂર્વભવમાં હું કોણ હતો ? અથવા તો ભાવિ ભવમાં હું કોણ થઈશ?' ઇત્યાદિનો તે યોગીને યથાર્થ બોધ થાય છે.
પાંચે યમોનું સંક્ષેપથી ફળ :- યોગીને અહિંસા અને સત્યયમના સેવન દ્વારા નિર્જરા અને પુણ્યબંધરૂપ ફળ થતું હોવા છતાં, અહિંસાયમથી યોગીના સાંનિધ્યમાં અન્ય જીવોને પણ વૈરત્યાગરૂપ તાત્કાલિક ફળ મળે છે; અને સત્યયમના બળથી તે યોગીનું વચન અન્યને માટે સત્ય બને છે. તેથી તેના વચનના બળથી બીજાઓને પણ ફળ મળે છે. તે પ્રમાણે પાછળના અસ્તેયયમ, બ્રહ્મચર્યયમ અને અપરિગ્રહયમના સેવનથી અંતરંગ ફળરૂપે નિર્જરા થાય છે; એટલું જ નહીં પરંતુ અસ્તેયયમવાળાને દિવ્ય રત્નોની પ્રાપ્તિ, બ્રહ્મચર્યયમવાળાને વીર્યના પ્રકર્ષની પ્રાપ્તિ અને અપરિગ્રથમવાળાને વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિરૂપ બાહ્યફળ પણ મળે છે. ૬ll
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org