________________
૩૩
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિશિકા/શ્લોક-૧૨ અર્થી જીવો તે અનુષ્ઠાનનું સેવન કરશે, તે સમયે ભગવાનની ભક્તિ કરવાની શુભ લેશ્યા થાય છે, પરંતુ તે અનુષ્ઠાનથી પ્રાપ્ત એવા ફળની પ્રાપ્તિ પછી ફરી ભગવાનની ભક્તિનો અધ્યવસાય થતો નથી. તેથી તે શુભ અંતઃકરણ ફળની પ્રાપ્તિ પછી શીધ્ર નાશ પામે છે. કદાચ ફરી તે ફળ મળતું હોય તો ફરી પૂજા કરવાનો અધ્યવસાય થાય, તે પણ અધ્યવસાય ફળપ્રાપ્તિમાં જ વિશ્રાંત થાય છે. તેથી જે લોકોનું અનુષ્ઠાન આલોકના ફળની પ્રાપ્તિમાં વિશ્રાંત થતું હોય, તે વિષાનુષ્ઠાન બને છે.
અહીં પ્રશ્ન થાય કે તત્કાળ સચ્ચિત્તનો નાશ કરનાર અનુષ્ઠાન વિષાનુષ્ઠાન કેમ કહ્યું ? તેથી કહે છે --
સંસારમાં સ્થાવર અને જંગમ બે ભેદથી વિષ બે પ્રકારનાં છે અને તે બંને પ્રકારનાં વિષ તરત જ પ્રાણનો વિનાશ કરે છે, તેમ આલોકની આશંસાથી કરાયેલું અનુષ્ઠાન આલોકના ફળની પ્રાપ્તિથી તરત જ શુભ લેશ્યાનો વિનાશ કરે છે, માટે તેને વિષાનુષ્ઠાન કહેલ છે. સ્થાવર વિષ :
સ્થાવર વિષ એટલે ઝેરી પદાર્થો. જંગમ વિષ :
જંગમ વિષ એટલે ઝેરવાળા સર્પાદિ પ્રાણીઓ. (૨) ગરાનુષ્ઠાન :
કેટલાક જીવો દેવતા આદિની સમૃદ્ધિ જોઈને કે શાસ્ત્રથી દેવતા આદિની સમૃદ્ધિનું વર્ણન સાંભળીને તેવા દિવ્ય ભોગોના અભિલાષવાળા થાય છે અને તે અભિલાષપૂર્વક ધર્માનુષ્ઠાન કરે છે, તે અનુષ્ઠાનને ગરાનુષ્ઠાન કહેવાય છે; કેમ કે વર્તમાનમાં અનુષ્ઠાન સેવવાનું શુભ અંતઃકરણ તેઓને વર્તે છે, તે શુભ અંતઃકરણ ભવાંતરમાં નાશ થાય છે.
અહીં પ્રશ્ન થાય કે આ ભવમાં સદનુષ્ઠાન સેવવાનું શુભ અંતઃકરણ હતું તે અંતઃકરણ ફળની પ્રાપ્તિથી નાશ પામે તેટલા માત્રથી તેને ગરાનુષ્ઠાન કેમ કહ્યું ? તેથી કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org