________________
૩૦૯ અમદમાદિમતને અધિકારિતા પ્રાપ્ત થાય, અને મારામાં અધિકારિતા છે એ જાણીને હું માર્ગમાં પ્રવૃત્તિ કરું, તેનાથી જ શમદમાદિ પ્રગટે; તેથી એ પ્રાપ્ત થાય કે જ્યાં સુધી જીવ માર્ગમાં પ્રવૃત્તિ કરીને શમદમાદિને પ્રાપ્ત કરે નહિ, ત્યાં સુધી તેનામાં અધિકારિતા આવે નહિ; કેમ કે પ્રવૃત્તિ વગર પ્રથમ ગુણ પ્રગટ થતો નથી. તેથી પ્રથમ ભૂમિકાના શમદમાદિ તેનામાં પ્રગટ થયા નથી, તેથી તે પ્રવૃત્તિ કરવાનો અધિકારી નથી; અને જ્યાં સુધી હું આ પ્રવૃત્તિનો અધિકારી છું, એવો નિર્ણય થાય નહિ ત્યાં સુધી માર્ગમાં પ્રવૃત્તિ કરીને શમદમાદિ પ્રગટે નહિ, માટે અન્યોન્યાશ્રય દોષ આવે. તે અન્યોન્યાશ્રય દોષ તો જ ટળે કે માર્ગમાં પ્રવૃત્તિ વગર પ્રથમ ગુણ પ્રગટે. વિશેષાર્થ -
અહીં “શમ” શબ્દથી કષાયોનું શમન અને “દમ” શબ્દથી ઇંદ્રિયોનું દમન ગ્રહણ કરવાનું છે, અને “આદિ' શબ્દથી અન્ય ઉચિત પ્રવૃત્તિઓ ગ્રહણ કરવાની છે. અને ત્યાં “અલ્પ શમ” એ છે કે જીવ પ્રાથમિક ભૂમિકામાં તત્ત્વને અભિમુખ થાય છે ત્યારે અનંતાનુબંધી કષાય મંદ થાય છે, તેથી તેનો અસદ્ગહ અનિવર્તિનીય હોતો નથી. અને પ્રાથમિક ભૂમિકાની પૂર્વે તેને અતત્ત્વનો આગ્રહ અનિવર્તિનીય હોય છે. તેથી મહાત્મા પાસે તત્ત્વ સાંભળે, અને ધર્મપ્રવૃત્તિ કરવાનું મન થાય, અને ધર્મપ્રવૃત્તિ કરે તો પણ અતત્ત્વ પ્રત્યેનો તેનો આગ્રહ નિવર્તન પામતો નથી.
અને “અલ્પ દમ'થી એ કહેવું છે કે પ્રથમ ગુણ વગરના જીવોને ઇંદ્રિયોના વિષયોનું આકર્ષણ અતિશય હોય છે, તેથી ધર્મની પ્રવૃત્તિ કરે તો પણ પ્રાયઃ કરીને આ લોક અને પરલોકની આશંસા થાય છે; અને ક્વચિત્ અનાભોગથી કરે, પરંતુ ધર્મની પ્રવૃત્તિ ઇંદ્રિયોનું દમન કરીને આત્મગુણને વિકસાવવા માટે કરી શકે નહિ. જ્યારે અપુનબંધક દશામાં તેની ઇંદ્રિયો કંઈક અંશે શાંત હોય છે, તેથી તત્ત્વને સાંભળીને ઇંદ્રિયોના નિગ્રહનો અભિલાષ તેને થાય છે, તેથી જ સદ્ગુરુ પાસે તે જિજ્ઞાસાપૂર્વક તત્ત્વ સાંભળે છે અને પૃચ્છા કરે છે, કે કયા ઉપાયોથી આ ઇંદ્રિયોનું મારે દમન કરવું જોઈએ કે જેથી ઇંદ્રિયોના ઉપદ્રવો મને થાય નહિ.I૧૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org