________________
૧૨૮] સપ્તમ ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨
आलयमेत्तं च मई पुरं व तब्बासिणो तह वि सिद्धा ।
जे ते देव त्ति मया न य निलया निच्चपरिसुण्णा ।।१८७१॥ દેવોને અહીં જોયા પહેલાં પણ તે દેવો સંબંધી સંશય કરવો યોગ્ય નથી, કેમકે ચન્દ્રાદિ જ્યોતિષી દેવો તો સર્વને પ્રત્યક્ષ છે, વળી જગતમાં તેઓનો કરેલો અનુગ્રહ ને ઉપઘાત પણ જણાય છે, જે ચંદ્રાદિ જણાય છે તે વસતિ વિનાના આલયમાત્ર(વિમાનો) છે, એમ કહેવામાં આવે તો તે આલયમાત્ર(નિવાસસ્થાન માત્ર) નથી, પણ નગરમાં વસનારા જનોની જેમ તેમાં કોઈ વસનારા છે, એમ સિદ્ધ થાય છે. તેમાં જે વસનારા છે, તે દેવો છે, કેમ કે નિવાસસ્થાન હંમેશા શૂન્ય નથી હોતાં. ૧૮૭૦-૧૮૭૧.
દેવોને અહીં સમવસરણમાં જોયા પહેલાં પણ તેઓ સંબંધી વિદ્યમાનતામાં સંશય કરવો યોગ્ય નથી, કેમકે ચંદ્ર-સૂર્ય વગેરે આ જયોતિષી દેવો તો તને અને સર્વલોકને પણ પ્રત્યક્ષ જણાય જ છે, એટલે સર્વ દેવો સંબંધી વિદ્યમાનતામાં સંશય કરવો અયોગ્ય છે, વળી લોકને દેવકૃત અનુગ્રહને ઉપઘાત પણ પ્રત્યક્ષ જણાય છે, કેટલાક દેવો કોઇને વૈભવાદિ આપીને અનુગ્રહ કરે છે, અને કેટલાક દેવો રાજા વગેરેની જેમ શસ્ત્રાદિ વડે ઉપઘાત કરે છે, આથી દેવો વિદ્યમાન છે એમ નિશ્ચય થાય છે.
જે ચન્દ્ર-સૂર્યાદિ તમે કહો છો, તે તો આલયમાત્ર-વિમાનો છે પણ દેવો નથી, એટલે જ્યોતિષી દેવો પ્રત્યક્ષ જણાય છે, એમ કેમ કહેવાય ? ઉદાહરણ તરીકે જેમ શૂન્ય નગરમાંના ઘરો કેવળ સ્થાનમાત્ર છે, પણ તેમાં લોકો નથી હોતા, તેવી રીતે ચંદ્રાદિના વિમાનો પણ માત્ર નિવાસસ્થાન છે, પરંતુ તેમાં દેવો રહે છે-એમ કેમ કહી શકાય? એમ જ કહેવામાં આવે, તો તે વિમાનરૂપ નિવાસથી જ તેમાં નિવાસ કરનારા દેવો છે, એમ યુક્તિથી જ સિદ્ધ થાય છે. કારણ કે જે જે નિવાસસ્થાન હોય છે, તે તે નિવાસ કરનાર વડે અધિષ્ઠિત હોય છે, જેમ દેવદત્તાદિ વ્યક્તિઓ વડે અધિષ્ઠિત નગરના નિવાસસ્થાનો છે, તેમ તે વિમાનો પણ નિવાસસ્થાન હોવાથી તે સર્વ તેમાં નિવાસ કરનારા દેવોવડે અધિષ્ઠિત છે, એટલે તે વિમાનોમાં દેવો છે-એમ સિદ્ધ થાય છે.
જેમ નગરમાંના નિવાસસ્થાનમાં રહેનાર દેવદત્ત વગેરે પ્રત્યક્ષ જણાય છે, તેમ તે વિમાનમાં રહેનારા દેવો પણ પ્રત્યક્ષ જણાવા જોઈએ. આવી શંકા કરવામાં આવે તો તે અયુક્ત છે, કારણ કે નગરમાંના નિવાસસ્થાન કરતાં તે વિમાનરૂપ નિવાસસ્થાનો વિશિષ્ટ પ્રકારના છે, આથી તેમાં નિવાસ કરનારા દેવો પણ દેવદત્તાદિ કરતાં વિલક્ષણ પ્રકારના હોવાથી પ્રત્યક્ષ નથી જણાતા, છતાં તેઓ વિદ્યમાન છે એમ સિદ્ધ થાય છે.
જે નિવાસસ્થાન હોય, તે નિવાસ કરનાર સહિત જ હોય, એમ એકાત્તે કહેવું અયોગ્ય છે, કારણકે શૂન્ય નિવાસસ્થાનમાં કોઈ નિવાસ કરનાર હોતું નથી. વળી જે નિવાસસ્થાન હોય છે, તે હંમેશા શૂન્ય નથી હોતું, પરંતુ ભૂત-ભવિષ્ય કે વર્તમાનકાળમાં પણ તે નિવાસસ્થાન નિવાસ કરનાર વડે અવશ્ય અધિષ્ઠિત હોય છે, એટલે ગમે ત્યારે પણ તે વિમાનરૂપ નિવાસસ્થાનમાં તે ચંદ્રાદિ દેવો નિવાસ કરનારા હોય છે જ. ૧૮૭૦-૭૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org