________________
જીવનના અંતે આવનારા મૃત્યુ સમયે યોગની પૂર્વભૂમિકા
અનંતાનંત પુદ્ગલપરાવર્તકાળ આ સંસારમાં અવ્યવહારરાશિ (સૂક્ષ્મનિગોદ)માં પસાર કરી સિદ્ધ બનેલા એક જીવના ઉપકારથી પાંચ કારણોમાંથી ભવિતવ્યતાની મુખ્યતાએ જીવ વ્યવહારરાશિમાં આવે છે ત્યાં પણ કાલપ્રતિબંધક હોવાના કારણે અનંતાનંતકાળ રખડી કાલની સાનુકૂળતા થતાં તે જીવ ચરમાવર્તમાં આવે છે. આ ચરમાવર્ત પણ તેનો જ આવે છે કે જે જીવ ભવ્ય છે; અભવ્ય જીવોને સદાને માટે સંસારનું પરિભ્રમણ નિશ્ચિત હોવાથી તે આત્માઓ માટે ચરમાવર્ત છે જ નહિ.
ચરમાવર્તમાં જીવ આવે એટલે તરત જ જીવ ધર્મ પામી જ જાય અથવા તેને ધર્મની પ્રાપ્તિ થઈ જ જાય એવું નથી, પરંતુ ચરમાવર્તમાં પ્રવેશ થવાની સાથે જીવમાં ધર્મ પામવાની યોગ્યતા આવે છે. અચરમાવર્તકાળ એ જીવને ધર્મ પામવા માટેનો અયોગ્યકાળ હતો. ભવબાલકાળ હતો. ધર્મયૌવન ત્યાં પ્રાપ્ત થતું નથી. તે પામવાનો કાળ ચરમાવર્ત છે.
- ચરમાવર્તિમાં આવ્યા પછી પણ આત્મા પરથી ઘણો બધો કર્મનો ભાર નીકળે – જીવ કર્મલઘુતા પામે ત્યારે જીવનની કોઈ ધન્ય પળે પ્રબળ પુણ્યના ઉદયથી પોતાને તરવાના નિમિત્તભૂત એવા દેવ-ગુરુને પામે છે અને તેઓ દ્વારા ઉપદેશ સાંભળી - તેને ઝીલી પોતાના આત્મામાં યથાશક્તિએ પરિણમાવી ધર્મ પામે છે. બસ, અહીંયાંથી જીવના ધર્મપુરુષાર્થનો પ્રારંભકાળ થાય છે. આ અવસ્થાને શાસ્ત્રીય પરિભાષામાં અપુનબંધક તરીકે ઓળખાવી છે. અહીંયાં આવ્યા પછી એક બાજુ પુરુષાર્થ છે તો બીજી બાજુ પ્રમાદ છે. બંને સામસામા ટકરાય છે. જીવ પુરુષાર્થ દ્વારા આગળ વધવા જાય ત્યાં જ પ્રમાદ ચોટ્ટાઓ પોતાનું બળ વાપરી તેને પછાડવા પ્રયત્ન કરે છે. આમ જીવ અને કર્મનું યુદ્ધ અહીંયાંથી શરૂ થાય છે. ક્યારેક જીવ પુરુષાર્થ કરી આગળ વધે છે અને અનાદિકાલીન દુર્ભેદ્ય એવી ગ્રંથિનો ભેદ કરી સમ્યગ્દર્શન પામે છે. ત્યારે આત્મા ઉપર અપૂર્વ સમ્યગુજ્ઞાનનો પ્રકાશ પથરાય છે અને ત્યારે તે પરમાનંદના લેશને અનુભવે છે. વળી પાછી ક્યારેક જાગૃતિ ચાલી જતાં કર્મના ઝપાટામાં આવી આત્મા નીચે ઊતરી અંધકારમય એવી મિથ્યાત્વદશાને પામે છે ત્યાં સંખ્યાત, અસંખ્યાત, અનંતકાળ રહી પાછો ઉપર આવે છે.
દરેક જીવ સમ્યકત્વ પામ્યા પછી પાછો નીચે પટકાય જ એવું નથી પરંતુ જીવને સમ્યકત્વ પામ્યા પછી ઉપર ચઢવા માટે ખૂબજ સાવધાની રાખવી પડે છે અને જો એ ન રહે તો નીચે ઊતરવાનું અને સંસારમાં ભટકવાનું થાય છે.
વ્યવહારનવે ગુણસંપન્ન અપુનબંધક અવસ્થાથી યોગની શરૂઆત થાય છે જ્યારે નિશ્ચયનયે ગ્રંથિભેદજનિત સમ્યગ્દર્શનથી યોગમાર્ગની શરૂઆત થાય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org