________________
૩૧૦
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
મહારાજ ફરમાવે છે કે - “ગુણ સઘળા અંગી કર્યા, દૂર કર્યા સવિ દોષ લાલ રે.”
હા, દોષ માત્રને આત્યંતિક રીતે આપે દૂર કર્યા ને સઘળા ગુણોને ક્ષાયિક ભાવે પ્રગટાવ્યા છે માટે હે પ્રભો ! આપનું આટલું ભાગ્ય ખીલ્યું છે.
ગુણદૃષ્ટિ કેળવનારો પોતાના ભાગ્યને ખીલવે છે, દોષદૃષ્ટિ કેળવનારો પોતાના ભાગ્યને ગુમાવે છે.
હંસદૃષ્ટિ એ ગુણદષ્ટિ છે. હંસ દૂધ-પાણીમાંથી સારભૂત દૂધ લઈ લે છે અને પાણીને છોડી દે છે. કાગદષ્ટિ એ દોષદૃષ્ટિ છે. કાગડો આખા શરીરમાં જ્યાં ચાંદું હોય ત્યાં જ બેસે છે. સારી જગ્યા એને ગમતી નથી, કારણ કે દોષદષ્ટિ છે. સરોવરનું પાણી ન પીતાં તે ખાબોચિયાનું પાણી પીતો હોય છે. ગુણદૃષ્ટિનો વિકાસ ન કરીએ, ગુણોની અનુમોદના ન કરીએ, દોષદૃષ્ટિ ચાલુ જ રાખીએ, દોષોની જુગુપ્સા ન કરીએ તો ગુણો તો પ્રાપ્ત નહીં થાય પણ ગુણ પામવાની યોગ્યતા પણ નહીં આવે.
સમ્યગ્દષ્ટિ આત્મા પાસે અપેક્ષાઓ નથી માટે કષાય જાય છે. સામાની અપેક્ષાઓને પૂરી કરવા માટે તે તત્પર બનતો હોય છે. સમ્યગ્દષ્ટિ પાસે નયોનું જ્ઞાન છે, સમતા એની પાસે છે, વળી ગુણગ્રાહક દૃષ્ટિ છે તેથી તે દરેકમાં સમાધાન શોધી શકે છે.
અન્યદર્શનમાં રહેલ સારી પણ ચીજ કાળના પ્રભાવે કરી આપણામાં કદાચ ન દેખાતી હોય તેટલામાત્રથી આ પારકી છે, આ પારકી છે, અન્યધર્મીની છે, આપણી નથી એમ કહી તિરસ્કાર કરીએ તો જ્ઞાનીઓએ તેને દ્વાદશાંગીની વિરાધના કહી છે. કારણ કે અન્યદર્શનમાં પણ જે કાંઈ સારું જોવા મળે છે તે દ્વાદશાંગીનાં જ છાંટણાં છે. જૈનદર્શનનો વિવેક તો જુઓ. પદાર્થનું સાચું સ્વરૂપ સમજાયેલું હોવાથી તે બધાને યોગ્ય ન્યાય આપી શકે છે. પ્રન્ચિ ભેદતાં બીજામાં જે સારું દેખાય છે તેનું ખંડન કરવાનું રહેતું નથી. તેનો યથાયોગ્ય ભાવે સ્વીકાર કરવાનો રહે છે. આ વિવેકથી ઘણો લાભ થાય છે. નિષેધાત્મક દૃષ્ટિ, ખંડનાત્મક વલણ, બધું બંધ થઈ જાય છે. આપણો નવકારમંત્ર શ્રેષ્ઠ છે એની ના નહિ પણ અન્યદર્શનમાં રહેલા પોતાના ભગવાનનો મંત્રજાપ કરે તો કલ્યાણ ન થાય ? શું એ મંત્ર ખોટો છે ? ઇષ્ટદેવ પ્રત્યેની ભક્તિથી જાપ કરે. રામ-રામ કરે તો તેને લાભ ન થાય ? કુસંસ્કારો ન જાય ? પુણ્ય ન બંધાય ? તે સદ્ગતિમાં ન જાય ? તમારી દૃષ્ટિ પહેલાં સ્વચ્છ કરો.
આપણને અરિહંત મળ્યા છે. તમારે એ છોડી બીજા દેવ-દેવીને માનવાની જરૂર નથી. અરિહંત સોટચના સોના જેવા મળ્યા છે. પણ કોઈ તેના ઈષ્ટદેવની પૂજા કરે, જાપ કરે, તો તેને લાભ થાય કે નહીં એ પ્રશ્ન છે ?
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org