________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર ઓગણીસમો : જિનમતસ્તુતિ અધિકાર
અત્યંત લીન થયેલું અમારું મન તે તરફ જતું નથી. વસંત ઋતુમાં પ્રત્યેક દિશામાં પુષ્પોથી પવિત્ર એવી કેટલી લતાઓ નથી દેખાતી ? પરંતુ આમ્રની મંજરીમાં આસક્ત થયેલો કોકિલ તે લતાઓમાં પ્રીતિ કરતો નથી.
વિશેષાર્થ : દુનિયાના પ્રત્યેક ધર્મમાં અનેક વાર્તાઓ, દષ્ટાન્તકથાઓ હોય છે. કોઈ એક વાતનું પ્રતિપાદન કરવા માટે તે કહેવાયેલી હોય છે. એમાં જ્ઞાનનો થોડો અંશ હોય છે. પરંતુ જિનેશ્વર ભગવાનના આગમોમાં જે કથાઓ હોય છે તે સર્વ નયથી પરિપૂર્ણ હોય છે. એટલે એક વખત જો જિનાગમનો રસાસ્વાદ ચાખ્યો હોય તો પછી બીજા મતોની વાતો એટલી સંતર્પક નહિ લાગે. ગ્રંથકાર મહર્ષિ કહે છે કે પોતાને એવી બીજી વાતોમાં રસ પડતો નથી, કારણ કે એમનું ચિત્ત તો જિનાગમમાં જ લીન છે. અહીં સરખામણી આપવામાં આવી છે કે વસંત ઋતુમાં બધી દિશાઓમાં કેટકેટલી લતાઓ પુષ્પથી સુવાસિત બની જાય છે. પરંતુ રસને જાણનાર અને માણનાર એવો નરકોકિલ તો આંબાની મંજરી તરફ જ ઊડે છે. જ્ઞાનવાર્તા માટે પણ આવું જ બને છે.
[८८३] शब्दो वा मतिरर्थ एव वसु वा जातिः क्रिया वा गुणः । शब्दार्थः किमिति स्थिता प्रतिमतं संदेहशंकुव्यथा ॥ जैनेन्द्रे तु मते न सा प्रतिपदं जात्यन्तरार्थस्थिते:
सामान्यं च विशेषमेव च यथा तात्पर्यमन्विच्छति ॥ १० ॥
અનુવાદ : શું આ (પદાર્થ આત્માદિ દ્રવ્યો) શબ્દસ્વરૂપ છે ? બુદ્ધિરૂપ છે ? અર્થરૂપ છે ? દ્રવ્ય(વસુ)રૂપ છે ? જાતિ, ક્રિયા કે ગુણરૂપ છે ? અથવા શબ્દાર્થરૂપ છે ?—આ પ્રમાણે દરેક મતમાં સંદેહરૂપી શલ્યની વ્યથા રહેલી છે. પરંતુ જિનેન્દ્રના મતમાં તો પ્રત્યેક પદમાં જાત્યન્તરનો અર્થ હોવાથી તે (વ્યથા) નથી, કારણ કે સામાન્ય અને વિશેષ જ યથાર્થ તાત્પર્યને શોધે છે.
વિશેષાર્થ : હજારો વર્ષ પૂર્વે ઋષિમુનિઓએ આત્માદિ દ્રવ્યો વિશે તત્ત્વચિંતન કર્યું ત્યારે એ અમૂર્ત, અરૂપી, અપ્રત્યક્ષ આત્મતત્ત્વ માટે તથા અજીવાદિ અન્ય તત્ત્વો માટે ભિન્નભિન્ન વિકલ્પો ઉદ્ભવ્યા. શું તે શબ્દરૂપ છે ? અર્થરૂપ છે ? કે શબ્દાર્થરૂપ છે ? શું તે બુદ્ધિરૂપ છે ? શું તે દ્રવ્યરૂપ છે ? શું તે જાતિરૂપ છે ? શું તે ઉત્પાદવ્યયરૂપ એટલે કે ક્રિયારૂપ છે ? કે તે જ્ઞાનાદિ ગુણરૂપ છે ? પદાર્થને ઓળખવા માટે ભિન્નભિન્ન તત્ત્વચિંતકોએ કોઈ એક જ લક્ષણને પકડી રાખ્યું અને તે છે કે નહિ તેની તપાસ કરી. પરંતુ એમ કરવા જતાં પક્ષ અને વિપક્ષ એમ ઉભય પ્રકારની દલીલો થતાં ગૂંચવાડા ઊભા થવા લાગ્યા. એથી સંશય, નિરાશા, મૂંઝવણ, માનસિક વ્યથા વગેરે થવા લાગ્યાં. જૈન ધર્મે દરેક પદાર્થમાં એના સામાન્ય ગુણનો અને વિશેષ ગુણનો એટલે કે તેના શુદ્ધ સ્વરૂપનો વિચાર કર્યો. વળી તેની ભિન્નભિન્ન અવસ્થાનો, પરિણમનનો વિચાર કર્યો અને છેવટે તે માટે એમ દર્શાવ્યું કે વસ્તુના અનેક ધર્મ છે. અને ધર્માત્મ વસ્તુઃ । આમ એકની એક વસ્તુમાં ભિન્નભિન્ન દૃષ્ટિકોણથી જુદે જુદે સમયે નિત્યાનિત્ય, શુદ્ધાશુદ્ધ ઇત્યાદિ પ્રકારની જાત્યન્તરતા જોવા મળી શકે. યથાર્થ સમજણ સ્વીકારવાને કારણે જૈન દર્શનને અન્ય દર્શન જેવી કોઈ સંશયાદિની વ્યથા નથી.
Jain Education International_2010_05
૫૦૩
For Private
Personal Use Only
www.jainelibrary.org