________________
નિવેન
શ્રી રાજ-સોભાગ આશ્રમ, સાયલા તરફથી પ.પૂ. શ્રી યશોવિજયજી મહારાજ કૃત ‘અધ્યાત્મસા૨’ નામના આ દળદાર ગ્રંથની પહેલી આવૃત્તિ ત્રણ ભાગમાં પ્રકાશિત કરવામાં આવી હતી. એની બધી નકલો ખલાસ થઈ જતાં, મારા મિત્ર લંડનનિવાસી શ્રી અભયભાઈ મહેતાના ફરીથી પ્રાપ્ત થયેલા આર્થિક સૌજન્યથી, એ ત્રણે ભાગ એક જ ગ્રંથ સ્વરૂપે આ બીજી આવૃત્તિ તરીકે પ્રગટ થાય છે એ મારા માટે અત્યંત હર્ષની વાત છે.
ન્યાયાંભોનિધિ, ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય, મહાન કવિ અને તત્ત્વવેત્તા ઉપાધ્યાય શ્રી યશોવિજયજીનું સાહિત્ય એ મારા અધ્યયનનો એક મહત્ત્વનો વિષય રહ્યો છે. મારા જીવન ઉ૫૨ પ.પૂ.શ્રી ઉપાધ્યાયજી મહારાજનો પ્રભાવ ઘણો બધો રહ્યો છે. ઈ.સ. ૧૯૬૦માં મેં એમની રાસકૃતિ ‘જંબૂસ્વામી રાસ'નું સંપાદન-પ્રકાશન કર્યું હતું ત્યારથી એમના સાહિત્યનું અધ્યયન સતત થતું રહ્યું છે.
આ ‘અધ્યાત્મસાર’ગ્રંથનો અનુવાદ અને વિશેષાર્થ લખવાનું સદ્ભાગ્ય મને સાંપડ્યું એને હું મારા જીવનની એક મોટી કૃતાર્થતા માનું છું. સાયલાના શ્રી રાજ-સોભાગ આશ્રમમાં મારે જવાનું ન થયું હોત અને આશ્રમના પ્રેરક, પ્રણેતા અને અનેક મુમુક્ષુઓના પથદર્શક પૂ. બાપુજી(સ્વ. શ્રી લાડકચંદભાઈ વોરા)ના પરિચયમાં આવવાનું ન થયું હોત તો કદાચ ‘અધ્યાત્મસાર’ વિશે લખવાનો અવસર પ્રાપ્ત થયો હોત કે કેમ તે પ્રશ્ન છે.
સાયલા આશ્રમમાં પહેલી વાર જવાનું નિમિત્ત તો પૂ. બાપુજીનો ‘શિક્ષામૃત' ગ્રંથ છે. મુંબઈમાં દાંતના દાક્તર, મારા મિત્ર જિતુભાઈ નાગડાએ ભલામણ કરી અને બહેન શ્રી મીનળબહેન રોહિતભાઈ શાહે આગ્રહપૂર્વક નિમંત્રણ આપ્યું કે મારે આશ્રમમાં આવીને ‘શિક્ષામૃત’ છપાય એ પહેલાં એનું લખાણ જોઈ, તપાસી આપવું. આ નિમંત્રણનો સ્વીકાર થતાં સાયલા આશ્રમમાં જવાનું થયું અને એથી પૂ. બાપુજીના ઘનિષ્ઠ સંપર્કમાં આવવાનું બન્યું. એમની સરળ, સહજ, નિર્મળ પ્રકૃતિએ અને એમની આધ્યાત્મિક સિદ્ધિઓએ મારું હૃદય જીતી લીધું. ‘શિક્ષામૃત'નું કામ પૂરું થતાં જ પૂ. બાપુજીએ ‘અધ્યાત્મસાર'નો અનુવાદ અને વિશેષાર્થ લખવાનું કાર્ય મને સોંપ્યું. આ માનાર્હ કામ પણ મેં સહર્ષ સ્વીકાર્યું અને એથી આશ્રમમાં જવાનું ચાલુ રહ્યું.
પ.પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના ગ્રંથોમાં સંસ્કૃત ભાષામાં લખાયેલો ‘અધ્યાત્મસા’ નામનો ગ્રંથ શિરમોર છે. આ ૯૪૯ શ્લોકપ્રમાણ ગ્રંથ તત્ત્વવિચારથી સભર, ગહન અને કેટલેક અંશે કઠિન પણ છે. સંસ્કૃત ભાષામાં એવી ખૂબી છે કે શ્લોકોના શબ્દોનો અન્વય ક્યારેક જુદી જુદી રીતે થઈ શકે છે. એટલે લેખકને કયો અર્થ અભિપ્રેત છે અને એમના વક્તવ્યનું હાર્દ શું છે તે બરાબર સમજવું પડે છે. એટલે અનુવાદ અને વિશેષાર્થ લખવાનું કાર્ય મારે માટે કસોટીરૂપ હતું. પરંતુ દેવગુરુની કૃપાએ એ સારી રીતે પાર પડી શક્યું છે.
Jain Education International2010_05
3
For Private & Personal Use Only
www.jainelibrary.org