________________
ભાઈ, જૈનદર્શન કહે છે કે જન્મ મંગલ છે, પરંતુ મૃત્યુ ક્લંક છે. કારણ કે જન્મે તે મરે તે નિયમ છે, પરંતુ મરે તે જન્મે તેવો નિયમ નથી. દા.ત., છેલ્લા ભવમાં નિર્વાણ પામી મોક્ષે જનારા જીવો મર્યા કહેવાય, પણ જન્મતા નથી; તેથી તે જીવો છેલ્લા ભવમાં જ્યારે જમ્યા, તે મંગલ તો કહેવાય ને! માટે જ, કહેવાય છે ને “જન્મ’ અપરાધ છે, મૃત્યુ તે અપરાધ નથી, મૃત્યુ તો જન્મના લીધે અનિવાર્ય છે.
મૃત્યુથી નિર્ભય બનવું જોઈએ, કે જેથી આકુળ-વ્યાકુળતા વિદાય લઈ લે, અને આપણે સ્વસ્થ અને સ્વચ્છ મનથી પરમાત્માની સાથે આંતરપ્રીતિનો સંબંધ સ્થાપિત થઈ ગયા પછી દુનિયાના બધા જ સ્વાર્થસભર સંબંધો નીરસ બની જશે અને સમગ્ર જીવનસૃષ્ટિની સાથે મૈત્રીનો પવિત્ર સંબંધ સ્થાપિત થઈ જશે. એવો વિચાર આવે કે પરમાત્મા અદેશ્ય છે, અશ્રાવ્ય છે, અસ્પૃશ્ય છે. આપણા માટે તો પછી એમની સાથે આંતરપ્રીતિનો નાતો કેવી રીતે રચી શકાય ?
મારા વ્હાલા ભાઈ, પરમાત્માની સાથે સંબંધ બાંધવા મનને માધ્યમ બનાવવું પડશે. મન પણ આખરે તો છઠ્ઠી ઇન્દ્રિય છે ને ! જ્ઞાનયુક્ત પવિત્ર મન દ્વારા સંબંધ બાંધી શકાશે. પરમાત્માની સાથે સંબંધનો સેતુ રચવો પડશે, અને આંતર અનુભવોની દિવ્યતા પામવી પડશે, બુદ્ધિ જેટલી ઊંડાણમાં ઊતરશે એટલી શ્રદ્ધા મજબૂત અને પુષ્ટ બનશે. પણ, મનને સ્વસ્થ, સ્વચ્છ, શાંત, નિરાકુલ અને પ્રસન્ન બનાવવાનું તો શીખવું પડશે ને, ભાઈ !
આપણે દરરોજ જિનાલય જઈ સેવા-પૂજા વગેરે ક્રિયાઓ ભાવથી કરીએ છીએ માટે પરમાત્માની દુનિયાથી પરિચિત છીએ, તેવું માની લેવાની ભૂલ નહીં કરવી. જિનાલય એ તો પરમાત્માની સૃષ્ટિમાં પ્રવેશવા માટે પ્રવેશદ્વાર માત્ર છે. મોટા ભાગના લોકો તો પ્રવેશદ્વારની પ્રદક્ષિણા દઈને જ પાછા વળી જતા હોય છે. જેમ મુંબઈમાં લોકો “ગેટ વે ઓફ ઇન્ડિયા’ જોઈને જ પાછા વળી જાય છે ને? પણ દરવાજા કંઈ જોવા માટે જ થોડા હોય છે ? એ તો પ્રવેશવા માટે હોય છે. પરમાત્માનું નામ, પરમાત્માની મૂર્તિ, પરમાત્માનું મંદિર - આ બધાં માધ્યમો છે. પરમાત્માની સાથે આંતરપ્રીતિ-આંતર ભક્તિનો સેતુ રચવા માટે. અને એક વાર સેતુ રચાઈ જાય પછી મનના માંડવે પ્રસન્નતાના પુષ્પોનો પમરાટ ફેલાવા લાગશે, અને મન સ્વસ્થ, પ્રફુલ્લિત અને નિરાકુલ બની જશે.
કુતર્કવાદીઓએ સ્થાપેલા સંપ્રદાયો અને પંથોમાં ફસાવા જેવું નથી. ર૫૦૦ વર્ષથી ચાલી આવતી શ્રી મહાવીર પ્રભુની પાટે આવેલા આચાર્ય ભગવંતો જ પૂજ્ય છે અને પ્રભુની વાણી પ્રકાશવાના અધિકારી છે. પૂ. શ્રી આનંદઘનજી સાચું કહે છે “મારગ સાચા કોન બતાવે, જાવું જાઈને પૂછીએ, વે તો અપની અપની ગાવે.” તબિયત સાચવશો.
લિ. આપનો ભાઈ,
રજની શાહ * * *
* પત્રાવલિ
૨૮૯
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org