________________
૨૩૬
જૈન ધર્મના પુષ્પગુચ્છ આઠની સંખ્યા સવિશેષ સ્થિર થયેલી છે. આઠનો સંખ્યાંક એટલો બધો દૃઢ થઈ ગયો કે ક્યાંક સાત કે નવ કે અગિયાર મંગલ આકૃતિઓ દોરવામાં કે કોતરવામાં આવી હોય તો પણ તે “અષ્ટમંગલ' તરીકે જ ઓળખાતી રહી. સાંચીના બૌદ્ધ અવશેષોના એક સ્તંભના તોરણો પર પથ્થરમાં કોતરેલી લટકતી માળાઓ જોવા મળે છે, એ માળાઓમાં કોઇકમાં નવ મણકા છે, તો કોઇકમાં અગિયાર કે સાત છે. દરેક મણકા ઉપર એક એક મંગલની આકૃતિ કોતરવામાં આવી છે. ઉ. ત. એક માળામાં ખગ, પરશુ, શ્રીવત્સ, મસ્યયુગલ, કમળ, ભદ્રાસન, અંકુશ, દર્પણ અને વૃક્ષ એમ નવ આકૃતિઓ છે, બીજી એક માળામાં વૃક્ષ, પુષ્પ, માળા, પરશુ, મત્સ્યયુગલ, કમળ, ભદ્રાસન, શ્રીવત્સ, ખગ, દર્પણ અને અંકુશ એમ અગિયાર આકૃતિઓ છે, તો ત્રીજી એક માળામાં વચલા મોટા મણકામાં કમળના આકારે નંદ્યાવર્ત છે, અને એક બાજુના ત્રણ મણકામાં મત્સ્યયુગલ, અંકુશ તથા ભદ્રાસન છે અને બીજી બાજુના ત્રણ મણકામાં ખગ, દર્પણ અને ભદ્રાસન છે. આમ સાત મણકાની આ માળા “અષ્ટમંગલ માળા” તરીકે ઓળખાય છે. વળી એમાં ભદ્રાસન બંને બાજુ છે.
સારનાથ અને મથુરામાંથી કુશાનયુગના મળેલા અવશેષોમાં ભગવાન બુદ્ધની પ્રતિમાની ઉપર રાખવામાં આવતા ચોરસ અથવા વર્તુળાકાર છત્રમાં માંગલિક ચિહ્નો કોતરવામાં આવેલાં જોઇ શકાય છે. આમાંના વર્તુળાકાર છત્રમાં ઘડિયાળના આંકડાની જેમ બાર આકૃતિઓ વર્તુળાકારે કોતરવામાં આવી છે. એમાં સ્વસ્તિક, શંખ, કળશ, શ્રીવત્સ, મત્સ્યયુગલ, નંદ્યાવર્ત, અક્ષતપાત્ર, વર્ધમાન એ આઠ ઉપરાંત ચાર ફૂલપાંદડી છે. મથુરાના ચોરસ છત્રમાં શંખ, વર્ધમાનક, કળશ, શ્રીવત્સ, અક્ષતપાત્ર, સ્વસ્તિક, મત્સ્યયુગલ અને નંદ્યાવર્ત એમ આઠ આકૃતિઓ છે.
જેમણે પોતાના સિક્કાઓ પર અષ્ટમંગલ કોતરાવ્યાં હોય એવા રાજાઓમાં દક્ષિણના જૈનધર્મી પાંડ્ય રાજાઓ છે. આશ્ચર્યની વાત તો એ છે કે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ પાસે આવેલી બાબા પ્યારાની ગુફામાં જે ક્રમમાં અષ્ટમંગલ જોવા મળે છે એ જ ક્રમમાં દક્ષિણ ભારતના આ સિક્કાઓ ઉપર અષ્ટમંગલ જોવા મળે છે. એ સમયે રૂઢ થયેલા ક્રમ અનુસાર સ્વસ્તિક, શ્રીવત્સ, નંદ્યાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, દર્પણ અને મત્સ્યયુગલ એ પ્રમાણે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org