________________
શ્રાવકોની ઘર્મભાવનાનું ટમeણ
ગિરિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થ પર શ્રી સમવસરણ મહામંદિરના આયોજનમાં ઉમદા ધર્મભાવનાથી ઉત્તમ પ્રદાન કરનાર શ્રાવકોનું સ્મરણ કરીએ છીએ.
શ્રી સમવસરણ મહામંદિર માટે જમીન મેળવવા અંગે સુરતના ખ્યાતનામ ઝવેરી શ્રી મોતીચંદ હીરાચંદ ઝવેરીએ અથાગ પ્રયત્નો કર્યા હતા. સુરતના ઓશવાળ જ્ઞાતિના આ ઝવેરીની પ્રતિષ્ઠા એટલી બધી હતી કે તેઓ ઝવેરાતનું મૂલ્ય આંકે એ પછી જ બીજા વેપારીઓ એ માલ અંગે વિચાર કરતા હતા. શ્રી મોતીચંદભાઈ અત્યંત ધાર્મિક રુચિવાળા હતા. નિયમિતપણે જિનપૂજા કરતા. એમનો દાનનો પ્રવાહ સાતે ક્ષેત્રોમાં વહ્યો હતો. પોતે અને ધર્મપત્નિ સુમતિબહેન બંને ઊંડી ધર્મશ્રદ્ધા ધરાવનારા હતા. આજે તેમના સંતાનો શ્રી વિજયભાઈ હેમચંદભાઈ અને મંગલચંદભાઈમાં શ્રદ્ધાનો જીવંત ધબકાર જોવા મળે છે. પ્રસ્તુત ગ્રંથના પ્રકાશન અંગે તેઓએ પચીસ હજારનું દાન કરેલ છે.
આવી જ રીતે મુંબઈના શ્રી ખૂબચંદભાઈ રતનચંદભાઈએ તથા શ્રી ઉમંગીલાલ હરગોવિંદભાઈએ શ્રી સમવસરણ મહામંદિરના નિર્માણના કાર્યમાં અત્યંત પરિશ્રમ લીધો હતો. તેઓ બંને ખૂબ ચીવટવાળા હોવાથી એકેએક બાબતમાં ઝીણવટથી વિચાર કરતા અને એમાં પૂરો રસ લઈને સંસ્થાને ઓછામાં ઓછી કિંમતે સારી વસ્તુ કઈ રીતે પ્રાપ્ત થાય એ જોતા હતા. શ્રી સમવસરણ મહામંદિરના આ બંને સ્થાપક ટ્રસ્ટીઓની સેવાઓને આદર અને સદભાવથી સ્મરણ કરીએ છીએ.
શ્રી સમવસરણ મહામંદિરમાં શ્રી વ્રજલાલ ત્રિભોવનદાસ શાહ (જાંબુવાળા)ની ધર્મસેવા અવિસ્મરણીય બની રહી છે. ૧૮૯૪ની ૧૯મી સપ્ટેમ્બરે ત્રિભોવનદાસભાઈ અને માતા ઉજમબહેનની કૂખે લીબડી રાજ્યના જાંબુ ગામે એમનો જન્મ થયો હતો. રૂની વિખ્યાત એલ. ટી. પેઢીનું એમણે સુકાન સંભાળ્યું. જીવનના છેલ્લા ત્રીસ વર્ષ વ્યવસાયમાંથી નિવૃત્ત થઈને શ્રી ભોયણીજી તીર્થ અને શ્રી શિયાણીજી તીર્થના જીર્ણોદ્ધાર માટે અથાગ પ્રયત્ન કર્યો. લીંબડી મહાજન પાંજરાપોળમાં તેઓ ટ્રસ્ટી હતા અને એના પ્રમુખ તરીકે જીવનપર્યત કાર્ય કર્યું. અનેક વર્ષો સુધી તેમણે પર્યુષણમાં ચોસઠપોરી પૌષધનું તપ કર્યું હતું.
શ્રી ૧૦૮ જૈનતીર્થદર્શન ભવનના સ્થાપક ટ્રસ્ટી તરીકે એમણે શ્રી સમવસરણ મહામંદિરના નિર્માણકાર્યમાં જીવંત રસ લીધો. બે વર્ષના પ્રયત્ન પછી ગુજરાત સરકાર પાસેથી શ્રી સમવસરણ મહામંદિર માટે વીસહજાર વાર જમીન મેળવી. સમવસરણ મંદિરના લીઝડીડમાં ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે તેઓએ હસ્તખત કર્યા હતા. શ્રી વ્રજલાલભાઈના સંતાનો પાનાચંદભાઈ, પોપટલાલભાઈ, મહેશભાઈ, સમતાબહેન, લીલાવતીબહેન, નારંગીબહેન એ સહુમાં ઊંડી ધર્મભાવનાના સંસ્કારોનું સિંચન જોવા મળ્યું.
૧૯૭૪ની ૧૩મી ઑગસ્ટે સુરેન્દ્રનગરમાં શ્રી વ્રજલાલ ત્રિભોવનદાસ શાહનું અવસાન થયું. શ્રી ૧૦૮ જૈનતીર્થદર્શન ભવન ટ્રસ્ટ એમની સેવાઓને સદૈવ સ્મરણમાં રાખશે.
શ્રી ૧૦૮ તીર્થદર્શન ભવન ટ્રસ્ટના ટ્રસ્ટીમંડળના સભ્યો
Jain Education International
www.atelibrety.org