________________
૧૦૮. સુશીલા સુશીલાના પતિવાત્સલ્યની આ કથામાં ધીરજ, ચાતુર્ય અને પતિ વિશેની હિતચિંતા પ્રગટ થાય છે. પૃથ્વીપુર નામના નગરમાં વસતા શ્રેષ્ઠી સુભદ્ર બારવ્રતધારી શ્રાવક હતા. એક વાર વ્યાપાર અર્થે રાજપુર નગરના જિનદાસ શેઠને ત્યાં જવાનું બન્યું. જિનદાસની પુત્રી સુભદ્રા એના સ્વભાવને કારણે સુશીલા તરીકે ઓળખાતી હતી. સુશીલાની ધર્મપરાયણતા જોઈને એના પિતાએ સુભદ્ર સાથે ધામધૂમથી એનાં લગ્ન કરાવ્યાં.
લગ્નજીવનના પ્રારંભે બનેલી એક ઘટનાએ સુભદ્ર અને સુશીલાના દામ્પત્યજીવનમાં મોટી તિરાડ ઊભી કરી. સુશીલાની સખીના લાવણ્ય પર સુભદ્ર મોહ પામ્યો. રાત-દિવસ એની સખીના વિચારોમાં રહેવા લાગ્યો. કુળવાન હોવાથી સુભદ્ર કશું બોલ્યો નહીં, પરંતુ એનું દુર્બળ થતું શરીર એના વ્યાકુળ મનની ચાડી ખાતું હતું. પતિની આવી સ્થિતિનું કારણ જાણવા માટે સુશીલાએ અતિ આગ્રહ કર્યો ત્યારે સુભદ્રે કહ્યું કે એની સખીના વિરહને કારણે એની આવી દુર્બળ અવસ્થા થઈ છે.
ચતુર સુશીલાએ પતિને કહ્યું, “તમે સઘળી ચિંતા ત્યજી દો. નિશ્ચિત બનો. હું તમારી ઇચ્છા પૂર્ણ કરીશ. વળી મારી સખી પણ મારી વાત ટાળશે નહીં. માત્ર એટલું કે મારી સખી શણગાર પહેરીને શયનખંડમાં આવે ત્યારે એ શરમથી લાજી મરશે. આથી શયનગૃહમાં એ પ્રવેશે કે તરત જ તમારે દીવો ઓલવી નાખવો.”
વિષયાંધ શ્રેષ્ઠી સુભદ્રે આ વાત કબૂલ રાખી. સમજુ સુશીલાએ પોતે સોળે શણગાર સજ્યા. એ વિચારતી હતી કે મારે મારા પતિનું વ્રત ખંડિત થવા દેવું નથી. બાવ્રતધારી શ્રાવક અને પરસ્ત્રીની અભિલાષા ! રાતના અંધકારના ઓળા પથરાવા લાગ્યા, ત્યારે સુશીલાએ કોઈ બહાનું કાઢીને પોતાની સખીને બોલાવી અને તેની સાથે આનંદભેર વાર્તાલાપ કરવા લાગી. આ જોઈને સુભદ્રને ભરોસો બેસી ગયો કે આજે હવે એની લાંબા સમયની તીવ્ર અભિલાષા પૂર્ણ થશે.
સુગંધી પુષ્પ, ધૂપ, ચંદન, કપૂર, કસ્તૂરી, તાંબુલ આદિ સામગ્રી ધરાવતી શય્યા પાસે સુભદ્ર બેઠો હતો. આખોય શયનખંડ પુષ્પોથી સજાવેલો હતો. દીપકનો સુવર્ણ પ્રકાશ સર્વત્ર રેલાતો હતો. સુશીલા પોતાની સખીની જેમ ચાલતી અંદર પ્રવેશી. સુભદ્ર દીવો બુઝાવી નાખ્યો અને એને પલંગ પાસે ખેચીને પ્રેમગોષ્ઠી કરવા લાગ્યો. પ્રાતઃકાળનું અજવાળું થાય તે પહેલાં જ એ સ્ત્રી પલંગ પરથી ઊઠીને ઘેર જવાનું કહીને ચાલતી થઈ.
સવારનો સૂર્ય ઊગ્યો ત્યારે શ્રેષ્ઠી સુભદ્રના ચિત્તમાં ઝંઝાવાત જાગ્યો. મનોમન વિચારવા લાગ્યો કે પોતે આજે કેવો વિષયનો ગુલામ બન્યો ! જિનેશ્વર ભગવાને પ્રબોધેલી શીલની મહત્તા ભૂલી બેઠો. એના હૃદયને પશ્ચાત્તાપનો અગ્નિ સંતાપવા લાગ્યો. પોતાના દુષ્કૃત્ય માટે પોતાની જાત પર ફિટકાર વરસાવવા લાગ્યો. શ્રેષ્ઠી સુભદ્રનું અંતર એને સતત ડંખવા લાગ્યું. જીવનની સર્વ સમૃદ્ધિ જાણે પળવારમાં લુંટાઈ ગઈ ન હોય ! એને જીવન જીવવું આકરું લાગવા માંડ્યું. ક્યારેક મનમાં વિચાર જાગતો કે ચારિત્રભંગ પછી આ જીવતરનો શો અર્થ ? ક્યારેક મનમાં થતું કે જીવનમાં શીલ એ રત્નરૂપ છે. રત્ન ખોવાયા પછી આ જીવન વ્યર્થ છે. પરિણામે સુશીલા સામે આવે તો સુભદ્રની નજર ગુનેગારની જેમ નીચું જોઈ જતી. પત્નીની આંખ સાથે આંખ મેળવવાની એની તાકાત રહી નહોતી. આ જોઈને ચતુર સુશીલાએ વિચાર્યું કે એના પતિમાં હજી લજ્જા અને શરમ છે. આવી પાપભીરુતા હોવાથી એ સરળતાથી ધર્મમાર્ગે પાછા આવી શકશે.
સુશીલા સામાયિકમાં સ્વાધ્યાય કરતી વખતે વ્રત પાળવા અને ન પાળવાના પ્રસંગો વાંચતી હતી અને સુભદ્ર સાંભળે તેમ વ્રતભંગથી થતી હાનિ વિશે બોલતી હતી. એણે કહ્યું કે જેઓ વ્રતને પ્રાણની જેમ પાળે છે તે ધન્ય છે. સુભદ્ર મનોમન પત્નીની ભાવનાની પ્રશંસા કરતો હતો, પણ થયેલા વ્રતભંગનું દુ:ખ એને હૃદયમાં સતત શૂળની પેઠે ભોંકાયા કરતું હતું. પરિણામે એ મનથી ઉદાસીન અને શરીરથી કૃશ થવા લાગ્યો. સુશીલાએ આગ્રહ કરતાં સુભદ્રએ સાચી વાત કરી ત્યારે પતિના શુદ્ધ અંતઃકરણ અને શુભ પરિણામને જાણીને પોતાની ચેષ્ટા, વાતો, સંકેતો – બધું કહીને સમજાવ્યું કે એ મારી સહેલી નહોતી પણ હું પોતે જ હતી. સુભદ્ર વિચાર્યું કે લોકોત્તર ધર્મમાં નિપુણ આ નારીને ધન્ય છે. એ પછી પતિ-પત્ની બંનેએ ચારિત્ર્ય લીધું અને ઉત્કટ આરાધના કરીને કેવળી થઈ મોક્ષે સિધાવ્યાં.
ધર્મસ્નેહસૌજન્ય શ્રી રજનીભાઈ બાબુભાઈ છગનલાલ ભદ્રાવળવાળા, હાલ ગોરેગામ - મુંબઈ
હ, એ. સ. હેમલતાબહેન, પુત્ર મિતેશ, પુત્રી આશા, અમી.
Jain Education International
Foto
& Pascal Lise Only
www.jBinelibrary.org