________________
અધિવેશનના ઈતિહાસ-પુરાતત્ત્વ વિભાગના એઓ પ્રમુખ વરાએલા. ઈ. સ. ૧૯૬૧માં કાશ્મીર ખાતે મળેલા
ઓલ-ઈન્ડિયા ઓરિયેન્ટલ કોન્ફરન્સ'ના એકવીસમા અધિવેશનમાં પ્રાકૃત અને જૈન ધર્મ વિભાગના અધ્યક્ષ તરીકે એ પસંદ થએલા. ઈ. સ. ૧૯૭૦માં અમેરિકાની ‘ઓરિયેન્ટલ સોસાયટી'એ એમનાં માનાઈ સભ્ય તરીકે ચૂંટી કાઢયા હતા. આવું માન મેળવનાર કદાચ એઓ પ્રથમ જ હિંદી હશે. એમને પાંડિત્યનો આ કંઈ ઓછો પુરાવો નથી. આથી જ પ્રો. ડો. ડબ્લ્યુ. નોર્મન બ્રાઉનના શબ્દો યથાર્થ લાગે છે (He is) a worthy representative of the best Indian tradition of learning and teaching. (તેઓ ઉત્તમ ભારતીય અધ્યયન-અધ્યાપન-પ્રણાલીના એક આદરણીય પ્રતિનિધિ છે.)
એમની જ્ઞાનપ્રવૃત્તિની બે સફળતા તે- પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન મંદિર’ની તેમજ અમદાવાદના ‘લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના. અનેક વિદ્વાનો અને અભ્યાસીઓને માટે આ બંને સંસ્થા આશીર્વાદ રૂપ બની છે. એમની સક્રિય પ્રવૃત્તિની તેમજ પ્રાચીન જ્ઞાનવિસ્તરણ વૃત્તિની આ ન ભુલાય તેવી દેણગી છે. અનેક વ્યક્તિઓ અને વિદ્વાનોથી ઘેરાએલા પુણ્યવિજયજી એક વ્યક્તિ નહિ પણ સ્વયં સંસ્થારૂપ હતા.
વિદ્યાવ્યાસંગમાં તો એઓ વ્યાધિને પણ વીસરી જતા. ઈ. ૧૯૫૫ની વર્ષાઋતુના દિવસો હતા. સંગ્રહાગીના રોગે એમને ઘેરી લીધા. વ્યાધિ ઉગ્ર સ્વરૂપ પકડતો ગયો. લગભગ દોઢ વર્ષ સુધી એઓ પીડાયા; પરંતુ તે દરમિયાન એમને સધિયારો આપ્યો શાસ્ત્રવ્યાસંગે. કથાર–કોષ'નું સંપાદન અને 'નિશીથચૂર્ણિ'નું અધ્યયન એમાણે આ નાદુરસ્ત તબિયતે જ કર્યું. એમની જ્ઞાનભક્તિ અને ચિત્તની સ્વસ્થતા અહીં પ્રગટ થયા વગર રહેતાં નથી.
આવા આત્મસાધક સંત પોતે અનેકાંતવાદની સાક્ષાત્ પ્રતિમા હતા. પોતાની તેજસ્વી બુદ્ધિને સ્વાશ્રયના જળસિંચનથી એમણે અવિરત ફળદાયિની બનાવી હતી. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ને જૂની ગુજરાતીના આ પ્રકાંડ પંડિત પાંડિત્યદંભથી હંમેશાં દૂર રહેતા. કદાપિ વિકાર ન પામી શકે એવી ચિત્તવૃત્તિવાળા એઓ સાચા આધ્યાત્મિક પુરુષ હતા. વિપરીત સંજોગો પણ એમના દઢોત્સાહને કદાપિ વિચલિત નહોતા કરી શક્યા. બાસઠ વર્ષનું એમનું દીક્ષાજીવન એટલે અવિરત કર્મયાત્રા અને અખંડ જ્ઞાનયજ્ઞ. પોતાની સાધના સાથે સાથે એમણે અનેકોને અધ્યાત્મજ્ઞાન આપ્યું હતું. એઓ શાસ્ત્રીય દષ્ટિસંપન્ન સંપાદક, શ્રમશીલ સંશોધક, વિનમ્ર વિદ્વાન, આદર્શ શ્રમાણ અને ગુણગ્રાહી વત્સલ વ્યક્તિ હતા. એક સાચા વિદ્વાનને છાજે એ રીતે એઓ આજીવન વિદ્યા-અર્થી જ રહ્યા. પુણ્યવિજયજી એટલે નખશિખ વિદ્યાર્થી. એમની વિદ્યાપ્રીતિ અને વ્યવહારરીતિ નિરાડંબરી અને નિખાલસ હતાં. ૭૬ વર્ષની ઉંમરે મુંબાઈમાં ‘પ્રોસ્ટેટ’ની શસ્ત્રક્રિયા બાદ ૧૪મી જૂન ૧૯૭૧ના રોજ રાત્રે સાડા આઠ કલાકે આવા મનીષી સંત, પ્રજ્ઞાપુરુષ અને આજીવન અક્ષર-સાધક સમ્યક રીતે જ ક્ષરને ત્યજી અ-ક્ષરત્વ પામ્યા. એમની જ્ઞાનસાધનાનો સ્ત્રોત અખ્ખલિત રીતે અનેકોને પ્રેરણાવારિ પાતો રહે એ જ એમની સાચી અંજલિ હો!
થી પુણ્યચરિત્રમ
208
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org