________________
અનન્ય વિદ્યાપ્રેમ લેખક : પ્રો. શિવલાલ જેસલપુરા
ઈ. સ. ૧૯૬૪માં કવિ લાવણ્યસમયના ‘‘નેમિરંગરત્નાકર છંદ’’ની હસ્તપ્રતોની મારે જરૂર હતી. મારા મિત્ર શ્રી રતિલાલ સંઘવીએ આ માટે મુનિ શ્રી પુણ્યવિજયજીને મળવાનું સૂચન કર્યું. અમદાવાદમાં લુણસાવાડે મોટીપોળ સામે આવેલા ઉપાશ્રયમાં જઈને મુનિશ્રીને મળ્યો અને સદરહુ હસ્તપ્રતો મેળવી આપવાની વિજ્ઞપ્તિ કરી. થોડા જ દિવસમાં પાટણના શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરમાંથી તેઓશ્રીએ સદરહુ હસ્તપ્રતો મંગાવી
આપી.
હસ્તપ્રતો લેતી વખતે મેં પૂછ્યું :‘“આની પહોંચ શામાં લખી આપું? બીજી સંસ્થાઓમાં સાડાત્રણ રૂપિયાના સ્ટેમ્પ ઉપર હસ્તપ્રત પાછી આપવાની બાંહેધરી લખાવી લેવામાં આવે છે, અને તે માટે જામીન પણ આપવા પડે છે.’’
મહારાજશ્રીએ જવાબ આપ્યો : ‘“પહોંચની કશી જ જરૂર નથી. હસ્તપ્રતોનો ઉપયોગ કરનારા જ ક્યાં મળે છે?’'
બે-એક મહિના પછી મહારાજશ્રીને મળ્યોઃ પૂછ્યું : ‘‘નેમિરંગરત્નાકર છંદ’’ની વાચના તૈયાર કરી છે. આપ એ જોઈ ન આપો?’’
મહારાજશ્રીએ કહ્યું : ‘‘તમે દરરોજ બપોરે ૨ થી ૪ દરમ્યાન આવો.’’
મેં કહ્યું : ‘‘પણ એ તો આપનો આરામનો સમય રહ્યો. વળી, આ ઉનાળાની સખત ગરમી.’’ તેઓશ્રીએ કહ્યું : ‘“હું આરામ કરતો નથી.’’ અને પછી પ્રેમપૂર્વક ઉમેર્યું : ‘“તમે જરૂર આવજો.’’. તેઓશ્રીના આ વિદ્યાપ્રેમે મારો સંકોચ દૂર કરી નાખ્યો. બપોરે શરીરે પરસેવો વળે તે લૂછ્યા જાય, અને વાચના તથા તેના પાઠાન્તરો તેઓ સાંભળતા જાય. સિત્તેર વર્ષની ઉંમર, પણ જરાય કંટાળો નહિ, સહેજ પણ ઉતાવળ નહિ. એમનું સૂચન પણ સૂઝ ઉત્પન્ન કરે એવું. દશેક દિવસે કામ પૂરું થયું. મારું અંતર પ્રસન્ન થઈ ગયું.
આ પ્રોત્સાહનથી કવિ લાવણ્યસમયની અન્ય કાવકૃતિઓ પ્રકાશમાં લાવવાની મને ઈચ્છા થઈ. એની તમામ હસ્તપ્રતો વડોદરાના શ્રી આત્મારામ જૈન જ્ઞાનમંદિરમાંથી મહારાજશ્રીએ મંગાવી આપી.
એ કાર્ય પૂરું થતાં પ્રાચીન-મધ્યકાલીન બારમાસાનો સંગ્રહ તૈયાર કરવાની મને ઈચ્છા થઈ. આ વખતે પણ મહારાજશ્રીએ સંખ્યાબંધ હસ્તપ્રતો મંગાવી આપી.
આટલી બધી હસ્તપ્રતો સુપ્રત કરતી વખતે પણ નહિ પહોંચની માગણી, અરે, ઉપકારની લાગણી
પણ નહિ!
આજે મહારાજશ્રી તરફથી પ્રત્યક્ષ સહાય મળે તેમ નથી, પણ તેઓશ્રીના આ વિદ્યાપ્રેમનું સ્મરણ મારા જેવા અનેક વિદ્યાવ્યાસંગીઓને પરોક્ષ રીતે સહાય કરશે અને તેમની પ્રવૃત્તિમાં બળ પૂરશે એવી મને શ્રદ્દા છે.
શ્રી પુણ્યરિત્રમ્
186
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org