________________
૧૩૭
આપણા ઘરડા કાકા, આપણા ઉપર અતિ સ્નેહ અને પ્રેમ રાખવાવાળા દેશમાંથી મુંબઈ આપણા ઘેર આવ્યા. આખો દિવસ તેમણે આપણી દોડાદોડી જોઈ. એક દિવસ આપણને પ્રેમપૂર્વક પૂછયું કે, ભાઈ, આ બધી દોડાદોડી શા માટે કરો છો ? ત્યારે આપણે જે હતું તે જ કહ્યું, કે થોડા પૈસા વધારે મળે તે માટે દોડાદોડી કરું છું. ત્યારે આપણા કાકા કહે છે કે ભાઈ, તારા ઘરમાં તારા બાપ-દાદાએ હીરા, માણેક, રત્નો અને સુવર્ણનો ભંડાર દાટેલો છે.
આ વાત સાંભળ્યા પછી આપણે બજારમાં જવાનું પણ બંધ કરી દઈએ અને કોદાળી લઈને ખોદવા મંડી પડીએ અને તે દાટેલું નિધાન કાઢીએ ત્યારે જંપીએ છીએ.
તે રીતે આપણા કાકાઓના પણ કાકા, આપણા દાદાઓના પણ દાદા તીર્થકર ભગવાન જે આપણા ઉપર અત્યંત કરુણાવાળા છે, તે આપણને કહે છે, કે ભાઈ ! શા માટે આ બધી દોડાદોડી કરે છે ? અનંત આનંદ, અવ્યાબાધ સુખ, અચિંત્ય શક્તિ અને કેવળજ્ઞાન આદિ અનંત ગુણોનું નિધાન તારી અંદર જ પડેલું છે. તું બહાર દોડી રહ્યો છે, પરંતુ તારા અંદર જો, તને પરમ નિધાનનું દર્શન થશે.
ત્યારે પેલા ભાઈ જેમ કોદાળો લઈને ખજાનો કાઢવા મંડી પડ્યા, તેમ આપણે પણ પ્રભુનું આ વચન સાંભળીને, બહિરાત્મભાવ છોડીને, આપણા અંદરના આત્માની ક્ષાયિક લબ્ધિઓના દિવ્ય ખજાનાને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બનીએ છીએ. આત્માની અંદરના ખજાનાને બહાર કાઢવાની એટલે જીવનમાં અનુભવવાની પ્રક્રિયાને નમસ્કાર મહામંત્રની સાધના કહેવાય છે, તેને જ સિદ્ધચક્રનું પૂજન કહેવાય છે, અને તેને જ અરિહંત પ્રભુની ઉપાસના કહેવાય છે અને નવપદનું ધ્યાન પણ તેને જ કહેવાય છે. માટે જ અરિહંત પરમાત્મા, નમસ્કાર મંત્ર, સિદ્ધચક્રનું પૂજન અને નવપદનું ધ્યાન - આત્મસ્વરૂપનો અનુભવ કરવા માટેનાં દિવ્ય આલંબનો છે. તેની આરાધનાથી આત્મસ્વરૂપનો અનુભવ આ જન્મમાં જ થઈ શકે છે. માટે જ કહ્યું છે કે – એ નવપદ ધ્યાતા થકા, પ્રગટે નિજ આત્મરૂપ રે”
(ઉપા. યશોવિજયજી કૃત શ્રીપાલ રાસ) ---*---
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org