________________
ઉત્પાદ વિનાશ અને ધ્રુવતા એ વસ્તુ (સત્ પદાર્થ) માત્રનો સ્વભાવ છે. માટે જ આ ત્રિપદીમાં સંપૂર્ણ વિશ્વ અંતર્ભૂત છે, સમાવિષ્ટ છે. ધ્રૌવ્યથી સર્વ દ્રવ્યોનું ગ્રહણ થાય છે. સર્વ દ્રવ્યો, દ્રવ્યરૂપે સદા ધ્રુવ એટલે કે શાશ્વત છે. કોઇ કાળે તેનો વિનાશ નથી. દ્રવ્યની ધ્રુવતાના ચિંતન - મનનથી આત્મામાં નિર્ભયતા, નિશ્ચલતા આવે છે, વિકસિત બને છે.
બે પ્રકારના પર્યાયોમાં જે પર્યાયો સહભાવી છે, તેને ગુણ કહેવાય છે તે સદા ધ્રુવ હોય છે. અને જે પર્યાયો ક્રમભાવી છે, તે સમયે-સમયે બદલાય છે, પરિવર્તનશીલ છે.
ગુણ-પર્યાયના ચિંતન-મનનથી આત્મામાં વૈરાગ્ય, સમત્ત્વ આદિ ભાવો પ્રગટે છે.
ચિત્તની ચંચળતામાં, દુર્ધ્યાનમાં મૂળભૂત કારણ રાગ-દ્વેષ અને કામક્રોધાદિની વૃત્તિ તથા પ્રવૃત્તિ છે.
વસ્તુ-સ્વભાવનું ચિંતન કરવાથી તેનું ઉત્પાદ-નાશમય અને ધ્રુવતામય સ્વરૂપ સમજાય છે. એટલે વસ્તુ અને વ્યકિત પ્રત્યેની રાગ-દ્વેષાત્મક વૃત્તિપ્રવૃત્તિ ધીમે-ધીમે ઓછી થતી જાય છે, નિર્મળ બનતી જાય છે અને વૈરાગ્ય વગેરે ભાવો ભાવિત થતાં ચિત્તની શુભ-શુદ્ધ ધ્યેયમાં સ્થિરતા, એકાગ્રતા અને તન્મયતા ક્રમશઃ સધાતી જાય છે, વધતી જાય છે અને સહજ બની જાય છે.
સુશ્રાવક બાબુભાઇ કડીવાળા પૂજ્ય પંન્યાસજી મહારાજના નિકટ પરિચયમાં આવીને પૂજ્યશ્રીના માર્ગદર્શન પ્રમાણે પોતાના જીવનમાં તપ-જપ, સામાયિક, જ્ઞાન-ધ્યાન વગેરેની પ્રક્રિયાઓ શીખ્યા છે, સમજ્યા છે અને તેને ભાવિત બનાવવા જે સુંદર પ્રયત્ન કર્યો છે, કરી રહ્યા છે તે અનુમોદનીય છે.
પૂ. પંન્યાસજી મહારાજના સાન્નિધ્યમાં રહીને તેમણે જે કાંઇ મેળવ્યું છે, જાણ્યું છે, પૂજ્યશ્રીના વિષયમાં જે કાંઇ સાંભળ્યું છે કે વાંચ્યું છે, તેને ગ્રન્થસ્થ કરવાનો જે પ્રયત્ન કર્યો છે, તે પણ આદરણીય છે તેના દ્વારા અનેક આત્માઓને ઉપકાર થશે, જ્ઞાન અને માર્ગદર્શન મળશે.
પૂજ્ય પંન્યાસજી મહારાજના આધ્યાત્મિક વિચારો, નમસ્કારભાવ અને મૈત્ર્યાદિભાવોને સમજી સર્વે આત્માઓ તેનાથી ભાવિત બને અને સર્વવિરતિરૂપ ચારિત્રની ભૂમિકાને પ્રાપ્ત કરી ધ્યાન-સમાધિના ગૂઢ રહસ્યો અનુભવે એ જ એક શુભ કામના...!
શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org