________________
વર્ણમાલાની ઉપાસનાનાં જે વિવિધ ઉપાયો છે, તેનો યથાયોગ્ય રીતે પ્રયોગ કરવાથી મનુષ્યની જ્ઞાનશકિત અને બુદ્ધિશક્તિ અવશ્ય ખીલે છે, ગમે તેવો અજ્ઞાની પણ જ્ઞાન સંપાદનમાં સફળ બને છે.
(૨) પુણ્યમાતા :- અચિત્ત્વ ચિંતામણી શ્રી નમસ્કાર મહામંત્રમાં અધિષ્ઠિત પંચ પરમેષ્ઠી ભગવંતોને કરવામાં આવતા શુદ્ધ નમસ્કાર દ્વારા પ્રકૃષ્ટ કોટીના પુણ્યનું સર્જન થાય છે. માટે નમસ્કાર મહામંત્ર પુણ્યની માતા છે.
પંચ પરમેષ્ઠીઓને ભાવપૂર્વક કરેલો નમસ્કાર સર્વ પાપનો ક્ષય કરે છે. સર્વોચ્ચ પુણ્યનો સંચય કરે છે. પુણ્યની વૃદ્ધિ અને સુરક્ષા કરે છે.
નવ પ્રકારના પુણ્યમાં પણ નમસ્કારને જ સર્વશ્રેષ્ઠ પુણ્ય કહ્યું છે. માટે પંચ પરમેષ્ઠી-નમસ્કૃતિ એ પુણ્યની માતા છે, પુણ્યજનની છે.
(૩) ધર્મમાતા :- અષ્ટ પ્રવચન માતા અર્થાત્ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ, આ આઠ દ્વારા ધર્મની ઉત્પત્તિ થાય છે, ઉત્પન્ન થયેલો ધર્મ સુરક્ષિત રહે છે, ક્રમશઃ વૃદ્ધિંગત બને છે.
ધર્મના અંગભૂત અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આદિ વ્રતો, ઇન્દ્રિયસંયમ, કષાયજય, મનોજય, સમત્ત્વ આદિ સદ્ગુણો અને ક્ષમાદિ ભાવો આ અષ્ટ પ્રવચનમાતાથી જ પ્રગટ થાય છે, વિશુદ્ધ બને છે અને ક્રમશઃ વિકસિત બને છે. માટે ધર્મમાતા તરીકે તેનું સ્થાન યથાર્થ છે, સાર્થક છે.
(૪) ધ્યાનમાતા :- “ઉપન્નેઇ વા, વિગમેઇ વા, વેઇવા” આ ત્રિપદી ધ્યાનની માતા છે.
મનની શુદ્ધિપૂર્વક કોઇ એક શુભ આલંબનમાં સ્થિરતા, કોઇ એક શુભશુદ્ધ ધ્યેયમાં એકાગ્રતા અથવા નિશ્ચલ આત્મ-પરિણામ એ ધ્યાન છે.
શ્રી તીર્થંકર પરમાત્મા પોતાના શ્રીમુખે જ્યારે ઉકત ત્રિપદીનું પ્રતિપાદન કરે છે, ત્યારે સુવિનિત ગણધર ભગવંતો તેના શ્રવણ દ્વારા આત્મ-સમાધિમાં, અર્થાત્ નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિમાં લીન બની જાય છે, અને તેના ફળરૂપે વિશાળ શ્રુતજ્ઞાનરૂપ દ્વાદશાંગીની તેઓશ્રી રચના કરે છે.
ઉકત ત્રિપદી શ્રુતજ્ઞાનની જનની છે, તેમ ધ્યાનની પણ જનની છે. જ્ઞાનના પ્રમાણમાં ધ્યાન હોય છે, અર્થાત્ ધ્યાન જ્ઞાનાવલંબી છે. જ્ઞાન જેટલું વિશાળ અને સૂક્ષ્મ, તેટલું ધ્યાન પણ વિશાળ અને સૂક્ષ્મ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org