________________
બીજાને પૈસા આપવામાં કૃપણતા. બીજાને ભોજન આપવામાં કૃપણતા. બીજાને જગા આપવામાં કૃપણતા. બીજાને વસ્ત્ર આપવામાં કૃપણતા. બીજાને પાણી આપવામાં કૃપણતા.
અરે, મીઠા શબ્દો આપવામાં પણ માણસ કંજૂસાઈ કરે છે ! હું આવા માણસોને કહું છું કે, “ભાઈ, મીઠું પાણી કોઈને ન આપો તો વાંધો નહીં, પણ મીઠી વાણી તો આપો...! કોઈને મીઠો આવકાર તો આપો. એમાં ક્યાં પૈસા લાગે છે ?” પરંતુ કૃપણતાએ મનુષ્યને સાર્વત્રિક ભરડો લીધો છે. આ સ્થિતિમાં માણસ ધર્મના માર્ગે કેવી રીતે ચાલી શકે ?
કૃપણતાના મૂળમાં તો લોભ-તૃષ્ણા-આસક્તિ જ પડેલાં હોય છે. જે વસ્તુ ઉપર મનુષ્યને આસક્તિ હોય છે, મમત્વ હોય છે, તે વસ્તુ તે ત્યજી શકતો નથી. બીજાને આપી શકતો નથી. પછી એ પદ હોય, પૈસા હોય કે પથરા હોય. ભિખારીને પોતાનું ભિક્ષાપાત્ર, ભલે માટીનું હોય, પણ એને જો મમત્વ હશે તો તે નહીં છોડે.
એક ભિખારી એક હવેલીના દ્વારે ગયો. તેને ભિક્ષા જોઈતી હતી. તેના ભિક્ષાપાત્રમાં બે-ચાર દિવસનું વાસી ભોજન વાસ મારતું હતું. હવેલીની સ્ત્રીએ એને કહ્યું : “તું તારું આ ગંદું ભિક્ષાપાત્ર સાફ કરી નાંખ. પછી તને હું ગરમગરમ દૂધપાક આપું.'
ભિખારીએ વિચાર્યું : “હું ભિક્ષાપાત્રમાં જે છે તે ફેંકી દઉં, ને પછી આ સ્ત્રી અને ભિક્ષા ન આપે તો ?' તેણે પેલી સ્ત્રીને કહ્યું : “મને જે આપવું હોય તે આ ભિક્ષાપાત્રમાં જ આપો. એમાં જે છે તે હું ફેંકી નહીં દઉં !”
ભિક્ષાપાત્રમાં જે કંઈ હતું તે ભિખારીને ગમતું હતું. જે ગમે છે તે છોડી શકાતું નથી. પરિણામે આસક્તિ વધી જાય છે. અને આસક્તિ જ જીવને દુર્ગતિમાં લઈ જાય છે. કૃપતા સાથે આસક્તિ જ જોડાયેલી હોય છે.
.
૩૬ ૦ સંવાદ