________________
તથાભવ્યત્વ, મનુષ્યપણું, ચરમશરીરપણું, ઉત્તમ સંહનન, દેશ, કાળાદિ એ સર્વ બાહ્ય નિમિત્તો મોક્ષપ્રાપ્તિમાં જણાવ્યાં છે. પરંતુ મોક્ષ પ્રાપ્ત થયા પછી ભવ્યત્વ આદિ નિમિત્તો શાંત થાય છે, પરંતુ મોક્ષરૂપ અવસ્થામાં આત્માના જે મૂળ ગુણો કેવળજ્ઞાનાદિ છે તે તો સાદિ અનંતકાળ રહે છે. મુક્તાવસ્થામાં જીવ અનંત અવ્યાબાધ સુખનો સ્વામી બને છે. તે સુખની અન્ય કોઈ સુખ સાથે તુલના થઈ શકે તેમ નથી કારણ કે જગતનાં માનવનાં કે દેવોનાં સુખ ઇન્દ્રિયજનિત હોય છે તે ક્ષણિક, પરાધીન અને કર્મબંધનયુક્ત હોય છે. જગતનાં ભૌતિક સુખો પુણ્ય પર આધારિત છે. મોક્ષરૂપ સ્વભાવનું સુખ આત્માની શુદ્ધ પરિણતિ પર આધારિત છે.
જેમ ગમે તેવી દીર્ઘકાલીન સ્વપ્નદશા જીવના જાગ્રત થવાથી તૂટી જાય છે, તેમ અનાદિના કર્મનું બંધન પણ આત્માનું જાગરણ થતાં આત્મા જ્ઞાનસ્વરૂપે પ્રગટ થતાં નષ્ટ થાય છે. આખરે કર્મ જડ છે, આત્મા ચેતન છે, ચેતનની શક્તિ અનંત સામર્થ્યવાળી છે. વળી કર્મ સાંયોગિક છે, તેથી પણ આત્મા જ્ઞાનસ્વરૂપે પરિણમે ત્યારે તે સંબંધ છેદાઈ જાય છે.
મુક્ત જીવનું સંસારની ચાર ગતિમાં સ્થાન નથી પરંતુ પંચમતિ, અર્થાત્ સિદ્ધશીલા પર સ્થાન છે. જ્યાં અનંત સિદ્ધો અનંત કાળ સુધી સંપૂર્ણ સમાધિ સુખમાં રમણતા કરે છે. તેમને પુનઃ જન્મમરણની જંજાળ નથી. જન્મમરણ થાય તેવા વૈભાવિક ભાવ નથી, કેવળ શુદ્ધ જ શુદ્ધ અનંત જ્ઞાનાદિને ધારણ કરી રહ્યા છે. મોક્ષના આવા અનુપમ સુખને જાણીને, અર્થાત્ જે જાણે છે તે શા માટે સંસારના ક્ષણિક સુખને ઇચ્છે ?
અંશે પણ એ સુખનો અનુભવ કરનાર કે જાણનાર જીવો સાંસારિક વૈભવનો ત્યાગ કરીને, સુખને ત્યજીને માત્ર એ શાશ્વત સુખને પામી ગયા.
આ શાસ્ત્રનો સાર એ છે કે જીવ સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સભ્યશ્ચારિત્રને સુણે, સમજે, શ્રદ્ધે, ધ્યાવે અને પૂર્ણ જ્ઞાનાદિને પ્રાપ્ત કરી, સિદ્ધસ્વરૂપે સિદ્ધશીલા પર સ્થાન લે. માનવજીવનની સાર્થકતા પરમાર્થ પંથની પ્રાપ્તિમાં રહી છે.
ઇતિ શીવમ્
૩૮૨ ૪ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org