________________
પરંપરાગત ભક્તિસાહિત્યને લગતી પરિષદ સપ્ટેમ્બર ૧ થી ૪ કેમ્બ્રિજ ખાતે મળી રહી છે, અને એ વિષયમાં કામ કરતા થોડાક અંગ્રેજ, ફ્રેન્ચ અને જર્મન વિદ્વાનો સાથે મારો સંપર્ક છે. એમના કામ ઉપરથી મને હમણાં વિચાર આવ્યો કે ગુજરાતના મધ્યકાલીન પદસાહિત્યનો જે વિપુલ રાશિ છે તેની નોંધણી, સર્વેક્ષણ અને જરૂરી પ્રકાશન માટે આપણે પ્રયાસ કરવા જોઈએ. એ દિશામાં કશીક વ્યવસ્થિત યોજના કરવા હું વિચારી રહ્યો છું – પ્રયાસ કરતાં, કામ કરનારાઓની અને ધનની વ્યવસ્થા કરવી એવી મુશ્કેલ નથી. એ જ રીતની બીજી એક યોજના અત્યારે ગ્રામીણ ગુજરાતમાં જે ભજન ગાવાની અને ભજનમંડળીની પરંપરા છે તે દસવીશ વરસમાં લુપ્ત થાય તે પહેલાં તે વિશેની માહિતી– ક્યાં, કયા કયા ભજન, કેવા ઢાળમાં, જ્યારે કોનાથી ગવાય છે, તેની ગામવાર, કોમવાર, પ્રદેશવાર, નોંધણી સંગ્રહીત કરી લેવી જોઈએ. નિરંજન રાજયગુરુ જેવાને કામ સોંપવું જોઈએ. મારે વરસમાં બેત્રણવાર મુંબઈ જવાનું થાય છે. તમે ત્યાં હો એ અરસામાં જોગ થશે તો નિરાંતે મળવાનું મન છે. ભાઈ નિરંજન રાજયગુરુ હમણાં થોડાક સમય પહેલાં તમારી પાસે રહી ગયા અને ઘણા રાજી રાજી હતા. તેમની “ઊર્મિ–નવરચના'માં પ્રકાશિત થતી હરિજન અને અન્ય ભજનિકોને લગતી નોંધો મેં હમણાં પેરિસ યુનિવર્સિટીની અધ્યાપિકા ડો. માલિઝ (એમણે નરસિંહ મહેતાના પદોનો ફેંચ અનુવાદ પ્રકાશિત કર્યો છે, અને પુષ્ટિમાર્ગીય પરંપરામાં ગવાતાં ધોળ વિશે એક મોટો સંશોધનલેખ હમણાં પ્રકાશિત કર્યો છે)- એમને પહોંચાડી. તેઓ હમણાં ગુજરાતના મુસ્લિમ ભજનસાહિત્ય (ગિનાનના સાહિત્ય) પર સંશોધન કરી રહ્યાં છે.
તમારું લેખનકાર્ય તો સતત ચાલતું હોય છે. નંદિગ્રામની યોજનાની કેવીક પ્રગતિ છે? અહીંના પ્રમાણમાં ત્યાં ગરમી ઓછી અને શાંતિ ઘણી હશે. અનુકૂળતાએ લખશો.
હ.ભાયાણીના નમસ્કાર
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org