________________
(૧૦૪)
તા. ૨૭–૨–૯૭
નંદિગ્રામ આત્મીય ભાઈ,
તમે નિરાંતવા જીવે લખેલો પત્ર મળ્યો હતો અને તમને વિગતે લખવા માટે મારા આંગળાં સળવળતાં હતાં, ત્યાં મહેમાનોનાં મોજાં-પર-મોજાં આવી ચડ્યાં ને મારું કાગળનું નાવડું દૂર જઈ પડ્યું. હમણાં તબિયત સારી છે ને તમારી સાથે મનગમતી બારી ઊઘડી એટલે એ દિશાનાં નક્ષત્રો નિહાળવા મન આતુર, ત્યાં જ વાવાઝોડું. યા નસીબ ! “બહર ગર બહર ન હોતે તો બયાંબાં હોતા– દરિયો દરિયો ન હોત તો વેરાન હોત, બીજું શું ? હવે આ શિવરાત્રી નજીક આવી ગઈ ને ત્યારે સાધક મિત્રો સામટાં આવશે, એ પહેલાં આટલું લખી નાખું.
તમારું પતું આજે સવારે મળ્યું. અહીં તો ઉનાળો એક છલાંગે આવી પહોંચ્યો છે. મુંબઈમાં પણ તેણે ભેજ ઉડાડી મૂક્યો હશે તો તમારે કફની તકલીફ નહીં રહે. પ્રોસ્ટેટ પણ ઉંમર વધતાં પ્રોટેસ્ટ કરવા લાગે છે. આ બધા સહવાસીઓને સહન કરી લઈ, કાબૂમાં રાખી કે પછી છરીની ધારે ઉતારી વિદાય આપવાની રહે છે. મેં તો એટલી વાર છરી મૂકાવી છે કે કોઈવાર એના પ્રેમમાં પડી જવાય છે. પેલા પ્રસંગ પછી વિશેષ.
આપણા અજાગ્રત મન કે પછી યુગમહાશય કહે છે તેમ આપણામાં રહેલા “સામૂહિક અચેતન' કરતાં તદ્દન સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી સૂક્ષ્મ હસ્તીઓ કે ચેતનાઓ હોય છે. એનો પરિચય માનવેતર, માનવોત્તર ભૂમિમાં થાય છે. આશ્ચર્ય તો એ કે તે આપણાથી જરાયે દૂર નથી. એટલું જ નહીં આપણી અંતર્વાસિની છે. પણ એનો પરિચય શબ્દથલ છેદીને, વર્ણમાલા વિખેરીને તથા અંતે માતૃકાચક્ર ભેદીને જ થાય છે. આમ તો અમારા જ પ્રદેશની વાત છે પણ અત્યારે ઊંડા પાણીમાં નહીં ઊતરીએ.
મને કોઈ વાર થતું કે આપણે ગોઠડી માંડી છે પણ મારે ભાગે આવેલી કેટલીક અંતરંગ વાતો રહી જાય છે. ઇસ્પિતાલનો નાનકડો પ્રસંગ એટલે કહી નાખ્યો. આ સ્થૂળ જગત અધ્યાસનું રહેણાક–સ્થાન છે તો પેલી સૂક્ષ્મ આભાસની નગરી છે. એનું વિશેષ મહત્ત્વ નથી. સાચું તો નિરાભાસ ચિ–ગગન છે. આ
સેતુબંધ
૧૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org