________________
(૭૮)
અમદાવાદ
તા. ૧૭–૧–૯૫ મકરન્દ્રભાઈ
૨૮-૧૨, ૯-૧ના પત્ર મળ્યા. વીસેક દિવસ પછી તમને લખી રહ્યો છું. કારણો તો દરેક વસ્તુના હોય–આપી શકાય. પણ સમયસર અક્ષરોની આપલે ન કર્યાનો વસવસો તો રહે જ. તમે મુંબઈ ૧પમીએ જવાની ધારણા હોવાનું જણાવ્યું હતું. હવે દાંતનો સફળ ઉપચાર કરાવી પાછા સુખરૂપ આવી ગયા હશો. દરમિયાન તમારા હમણાં પ્રકાશિત કાવ્ય અને “પ્રવાસી'માંના લેખ દ્વારા “પરોક્ષ” સંપર્ક થઈ ગયો.
વાદળ વિખેરાઈ ગયાં હશે. તમે અને કુંદનિકાબહેન વગેરે ત્યાંના સ્વજનો સ્વસ્થતા જાળવે જ – અતિશય પ્રતિકૂળતા વચ્ચે. સ્વાર્થોની એવડી જબર જાળગૂંથણી રચાઈ રહી છે કે ભોગ બનતાં અટકીએ એ ઈશ્વરકૃપા કે ચમત્કાર.
તમે “ઓઘડપંથ' અને ભજનભંડાર સંઘરી લેવાની વાત કરી છે. થોડાક નિષ્ઠાવાન, આ વિષયના જીવોને તમને અવારનવાર સહાય કરવાની સન્મતિ ભગવાન દે તો કામ થતું રહે. મને પણ થોડા દિવસ તમારી સાથે ગાળવાનો લાભ ક્યારે લઉં એમ થતું જ હોય છે. ત્યાં પહોંચવાનો કોઈ પ્રશ્ન જ નથી. અરે, ટેક્સી પણ કરી લેવાય. એવાં બધાં બહાનાં આડે ન આવવાં જોઈએ. ફેબ્રુઆરીમાં ઠંડી તો ઘણી ઓછી થઈ ગઈ હોય છે. પણ હવે ઉજાગરો કરવાની શક્તિ રહી નથી. અને દિનચર્યામાં ફેરફાર હવે શરીર ચલવી નથી લેતું. એમાં મારો બેવડો દોષ છે : અત્યારના દવાદારૂ, ઉપચાર, ડોક્ટર, વૈદ્યોનો, પૂર્વગ્રહ કહી શકાય તેવો ડર અને તેથી રીતસર માંદો ન પડું ત્યાં સુધી ગમે તેમ ખેંચવાનું વલણ, અને બીજું, શોધકામનું ઘેલું–શરીર સાથ આપે કે ન આપે. પણ ફેબ્રુઆરીમાં ત્યાં આવવાનું ગોઠવીશ. ત્યાંથી જ મુંબઈ ગતિ કરીશું.
તમારા ઉપરનો સલાહ, ઉપદેશ, આક્ષેપ, મનમાન્યા આશયોનું આરોપણ વગેરેનો પ્રવાહ હવે તો મોળો પડ્યો હશે. “શબદનો વેપાર' અત્યારે વિશ્વવ્યાપી બન્યો છે.
સેતુબંધ
૧૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org