________________
(૭૩)
તા. ૧૯-૧૧-૯૪
નંદિગ્રામ આત્મીય ભાઈ,
તમારું મુંબઈથી લખેલું પતું મળ્યું હતું. તમે બરાબર નાડ પારખી. સત્તાલાલસા અને ધનલાલસા ઉપરાંત કુટિલતાએ પણ માઝા મૂકી છે. મધુ મહેતા બે દિવસથી અહીં આવ્યા છે. તેમણે જુદા જુદા પ્રાંતમાં જાતે અનુભવેલા પ્રસંગો વર્ણવ્યા. આ દેશ જાણે નરકગારમાં ડૂબી ગયો લાગે છે : ઈશ્વર બચાવે તો જ જીવવા જેવું થશે.
“રામ રાખે તેને કોણ ચાખે એ વસ્તુ નજરે જોઈ. વંટોળિયો માથેથી પસાર થઈ ગયો હવે શાંતિ છે ને વાત થાળે પડતી આવે છે. સારું જ થશે. ચિંતા ન કરશો.
- રમણભાઈનો પત્ર હતો ને ફોન પર પણ વાત થઈ. તમે મુંબઈ હતા એટલે ચોથી આંતરકથા તેમને સીધી મોકલવાનું તેમણે જણાવેલું. પણ તમે હવે આવી ગયા હશો. ૧૬મીએ આવવાનો અંદાજ હતો ને ? ભાઈ હર્ષદ સાથે લેખ મોકલું છું. તમે નજર નાખી ને સુધારવા જેવું લાગે તે સુધારી રમણભાઈને મોકલી આપશો. આ લેખમાં મેં શામળની પંક્તિઓ ટાંકી છે તે ચન્દ્રકાન્ત અમીન સંપાદિત ‘બત્રીસ પૂતળીની વાર્તામાંથી છે. મારી પાસે મૂળ પુસ્તક નથી, એટલે એ પંક્તિઓ મૂળ પ્રમાણે બરાબર છે કે નહીં તે જરા ચકાસી જોશો ?
હું આવતા સોમવારે- એટલે પરમ દિવસે મુંબઈ જાઉં છું. મારા ભાણેજ સાથે અઠવાડિયું રહેવા અને દાક્તરી તપાસ માટે. શરીરમાં ગરબડ થયા કરે છે તે કાંઈક ઠીકઠાક કરી આપે તો સારું. નહીં તો પડ્યું પાનું છે જ. ભજન થાય છે, ભોજન લેવાય છે ને જંતર બોદું બોદું યે વાગે છે એનો આનંદ છે.
હવે અબોલા રાણીની વાર્તા પર સર્વાગી નજર નાખી જવાનું બાકી છે. તે પૂરું થાય એટલે ગંગા નાહ્યા.
- તમારી તબિયત સારી હશે. મુ. બહેનને વંદન. કુન્દનિકા વંદન પાઠવે છે.
અખંડ આનંદ'માં ગંગાધર શિવને જોયા હશે. આપણે ભાગે શબ્દ જીવવાના આવે છે ને તે જેટલા જીવી શકીએ એટલા આપણા શબ્દો જીવતા થાય છે. કુશળતા ચાહું છું.
– મકરન્દ સેતુબંધ
૧૦પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org