________________
તેમને શબ્દજગતમાં સર્વમાન્ય બનાવીને સમકાલીનોમાં સર્વોચ્ચ આસને બેસાડ્યા, એમ કહીએ તો તેમાં અત્યુક્તિ નથી લાગતી.
સંશોધન તેમનો પ્રિય રસ. પ્રાકૃત-પાલિ, અપભ્રંશ, જૂની-મધ્યકાલીન ગુજરાતી કે સંસ્કૃત-આમાંની કોઈ પણ ભાષાની રચના હોય તો તેની વિવિધ હાથપોથીઓ તથા વાચનાઓ ભેગી કરવી, તેના આધારે શુદ્ધ પાઠનિર્ણય કરવો, તેમાં ભ્રષ્ટ લાગતા પાઠને અન્યાન્ય પ્રમાણોના આધારે સુગ્રથિત કરવા, કેટલીકવાર કોઈ અન્ય આધાર ન જડે તો કલ્પનાના બળે, અર્થબોધની દૃષ્ટિએ વધુમાં વધુ બંધબેસતા જણાય તેવા પાઠ મુક૨૨ ક૨વા- આ એમની શબ્દઉપાસના કે શબ્દસેવન, જે આજીવન અવિરત ચાલતું જ રહ્યું.
એમની આ વિજ્ઞાનપૂત શબ્દોપાસનાએ શબ્દાતીતના ઉપાસક કવિ મકરંદ દવેને પણ આકર્ષ્યા. પોતાની સાધના અને તજ્જનિત વિલક્ષણ-અંતરંગ તથા સ્વાનુભવસંવેદ્ય-અનુભૂતિઓને ‘સિદ્ધો’ના વચન-પ્રમાણનો આધાર મળે તો તે મેળવવાને તેઓ સદા ઝંખતા રહે. અંગત અનુભૂતિઓને બિનંગત બનાવવાનું મન કોઈવાર કોઈ વાતે તીવ્ર હોય, પણ સાધકની અનુભૂતિ ગમે તેટલી પ્રમાણિક અને અભ્રાંત સત્યાત્મક હોય તો પણ, જ્યાં લગી તેને સિદ્ધોની અનુભૂતિના ગર્ભમાંથી નીકળેલા શબ્દપ્રમાણનો આધાર ન મળે ત્યાં લગી તે ‘અંગત’ને ‘બિનંગત’ કેમ બનાવાય ? આ વાત તેમના જ શબ્દોમાં વાંચીએ : “મારી પાસે અભ્યાસનું ઝાઝું ભંડોળ નથી પણ મહાઅજ્ઞાતના અણચિંતવ્યા ધક્કાથી જાણે સમુદ્રમાં ફેંકાઈ ગયો હતો ત્યારે કેટલીક અનુભૂતિના ઝબકારા થઈ ગયા. વ્યક્તિગત અનુભવોને જ્યાં સુધી વૈશ્વિક-સર્વદેશીય, સર્વકાલીન-મર્મીજનોનો ટેકો ન મળે ત્યાં સુધી એને સ્વીકારવાનું મારું મન ના પાડે છે. અને આપણા વ્યક્તિપૂજક દેશ માટે તો સવિશેષ” (પત્ર-૫). આવી ટેક ધરાવનાર કવિવર ચાતક નજરે તેવા પ્રમાણ-આધારની ખોજ કર્યે રાખતા. વાચનાની શુદ્ધિ તથા શોધનના મહત્ત્વને તેઓ પૂરા હૃદયથી તથા બુદ્ધિથી પણ પ્રમાણતા. પરંતુ દીર્ઘકાલીન અભ્યાસ તથા અનુભવોને કારણે તેમના તે વિશેના વિચારો થોડાક જુદા પડતા.
તેઓ માને છે કે હાથપોથીઓમાં કે ગ્રંથોમાં પાઠ અશુદ્ધ હોય કે ભ્રષ્ટ પણ હોય, તો તે માટે દરેક દાખલામાં, હરેક વખતે, માત્ર લેખકના કે લેખનના દોષને જ જવાબદાર ઠરાવવાની આપણે ત્યાં જે પ્રથા છે, તે બરાબર નથી લાગતી. ભલે ખાસ દાખલાઓમાં, પરંતુ કેટલીકવાર એવુંયે બની શકે કે ખુદ મૂળ રચનાકારે - પ્રણેતાએ જાતે જ જે તે રચનામાં ગ્રંથગરબડ ઊભી કરી દીધી હોય. તે રચનાકારના મનમાં એક ભય હોય કે આ લખાણ યથાવત્ રૂપમાં જેનાતેના હાથમાં જાય તો તેનો દુરુપયોગ થઈ શકે. આ કારણે, રચયિતા પોતે જ, કાં તો અમુક પાઠ કે અક્ષરો ટાળી દે, કાં તો તેમાં મૂળ-જરૂરી શબ્દોને સ્થાને બીજા જ શબ્દો કે પાઠ મૂકી આપે કે જે બીજાઓની નજરમાં ખંડિત, ભ્રષ્ટ કે અર્થ-હીન બની રહે. તો વળી ક્યારેક તેઓ એવું તો શબ્દાંતર કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org