________________
પવિત્ર બની શકશે નહીં. કરામત તમારી જિદ્વાની છે. તમારી જીભથી તમે પ્રેમની ઉષ્મા પ્રગટાવી શકો છો, તેમ આગ પણ સળગાવી શકો છો; છતાં એવું કદી ન કરશો. સાગરમાં તો મોતી પણ છે, ને હાડકાં પણ છે. સારો માણસ મોતી શોધી લાવે છે, ને સહુને આપે છે.”
રાજાના ધર્મ વિશે કંઈક કહો.”
રાજા એ કોઈ મત્ત હાથી નથી; એ તો પ્રજારૂપી હાથીનો અંકુશ છે. ઉન્માર્ગે જતા હાથીને અંકુશનો ભય છે. ચાલતા ચીલે જનારને અંકુશનો ભય રાખવા જેવું હોતું નથી. અંકુશ એકલો તો આખરે જડ ને શક્તિહીન છે. આખરે તો એને અન્યની મદદની જરૂર રહે છે ! પ્રજા તો હાથી જેવી છે, સીધી ચાલે તો એને કોઈની અપેક્ષા નથી.”
“સુખ ને દુઃખ વિશે કંઈક કહો.”
“સુખ અને દુઃખ જુદાં નથી; એને તમે જુદા પાડ્યાં છે. કેરીના રસમાં રહેલી ખટાશ ને મીઠાશની જેમ એ અભિન્ન છે. થોડી ખટાશ ન હોય તો જેમ આમ્રરસમાં તમે ઓછી લહેજત અનુભવો છો, એમ સુખ ને દુઃખનું છે. સુખને તમે આમંત્રો છો, અને તમારી પાસે દોડતું આવતું જુઓ છો, પણ તમે એ ભૂલો છો કે દુઃખ પણ સાથે જ આવતું હોય છે. એ બે યુગલ છે. એકને આમંત્રો એટલે બીજાને વગર કહ્યું નોતરું મળી જાય છે. સુખને જે સ્વસ્થતાથી ભોગવો છો, દુઃખને પણ એ રીતે ભોગવજો; તો તમારો સંસાર ઉજ્વલ બનશે. ભોગ ને રોગ, હાસ્ય ને વિષાદ એ એક જ વસ્તુની બે બાજુ છે.”
“લેવા ને દેવા વિશે કંઈક કહો.”
જરૂર પડે પ્રેમથી લેજો ને જેટલા પ્રેમથી લ્યો તેટલા પ્રેમથી દેજો. છતાંય બને ત્યાં સુધી દેતાં શીખજો; બને ત્યાં સુધી લેવાનું માંડી વાળજો. લ્યો ત્યારે પણ લેવાનો ભારે વિવેક રાખજો. ગાયનું દૂધ લેશો ત્યાં સુધી પ્રકૃતિ તમારો દોષ સાંખી લેશે. દૂધને બદલે એનું લોહી લેવા જશો, ત્યારે એક ભયંકર દુઃખની સમીપ તમે જતા હશો. તમારું પેટ પૂરવાની ચિંતા ન કરશો, સામાના પેટની વિશેષ ચિંતા કરજો. સંસારના વ્યવહારનું આ ગુપ્ત રહસ્ય તમને કહું છું. શ્રદ્ધાથી આચરશો તો સુખી થશો. પારકાની ટાઢ ઉડાડવા માટે તાપણી સળગાવનારની પોતાની ટાઢ આપોઆપ ઊડી જાય છે; એને પોતાને કાજે નવી તાપણી ચેતવવી પડતી નથી.” ૨૭૨ ભગવાન ઋષભદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org